________________
પંચમઢાર-સારસંગ્રહ
૭૭૫ આ સાતની પ્રતિપક્ષ પ્રકૃતિઓનો બંધ ન હોવાથી આ સાતે પ્રકૃતિઓ નિરંતર બંધાય છે.
અહીં ટીકામાં છઠ્ઠી નરકમાંથી સમ્યક્ત સહિત મનુષ્યભવમાં આવી અનુત્તર સંયમનું પાલન કરી નવમી રૈવેયકમાં જાય, એમ કહ્યું છે. પરંતુ બૃહત્સંગ્રહણી ગા. ૨૩૯ તથા તેની ટીકામાં તેમજ અન્ય ગ્રંથોમાં કહેલ છે કે પાંચમી નરકમાંથી આવેલ આત્મા મનુષ્ય થઈ સર્વવિરતિ સ્વીકારી શકે છે, પરંતુ છઠ્ઠી નરકમાંથી આવી મનુષ્ય થયેલ આત્મા દેશવિરતિ પામી શકે છે, પરંતુ સર્વવિરતિ પામી શકતો જ નથી તેમજ પંચમ કર્મગ્રંથ ગા. ૬૦ની ટીકામાં આ સાત પ્રકૃતિઓનો નિરંતર કાળ જણાવતાં “સમ્યક્ત સહિત છઠ્ઠી નરકમાંથી નીકળી મનુષ્યપણામાં દેશવિરતિ ચારિત્રની આરાધના કરી સૌધર્મ દેવલોકમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળો દેવ થાય, ત્યાંથી સમ્યક્ત સહિત મનુષ્યભવમાં આવી સંયમ પાળી નવમી રૈવેયકે જાય' એમ કહ્યું છે. કર્મપ્રકૃતિ સંક્રમણ કરણ ગા૧૦૮ની ટીકામાં પૂ. મલયગિરિજી મ. તથા ઉપાધ્યાયજી મ. પણ તે જ પ્રમાણે જણાવે છે. વળી આ પ્રમાણે કરતાં એકસો પંચાશી સાગરોપમ ઉપરાંત ચાર પલ્યોપમ કાળ પણ વધે છે. છતાં અહીં આવી વિવક્ષા કેમ કરી છે? તે બહુશ્રુતો જાણે.
અનુત્તર વિમાનમાં મનુષ્યદ્રિક, ઔદારિક અંગોપાંગ અને વજઋષભનારાચ સંઘયણ– આ ચાર પ્રકૃતિઓની પ્રતિપક્ષ પ્રકૃતિઓનો બંધ જ ન હોવાથી તેત્રીસ સાગરોપમ સુધી નિરંતર આ જ પ્રકૃતિઓ બાંધે છે. માટે આ ચારેનો ઉત્કૃષ્ટથી નિરંતર બંધકાળ તેત્રીસ સાગરોપમ છે.
'જિનનામનો કંઈક ન્યૂન પૂર્વકોડવર્ષ અને ચોરાશી લાખ પૂર્વ અધિક તેત્રીસ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટથી નિરંતર બંધકાળ છે. તે આ રીતે–
પૂર્વક્રોડના આયુષ્યવાળો ઓછામાં ઓછી જેટલી ઉંમર થયા પછી વીસ સ્થાનકની આરાધના દ્વારા જિનનામકર્મનો નિકાચિતબંધ કરે ત્યારથી તે ભવના અંત સુધી તેમજ તેત્રીસ સાગરોપમ અનુત્તર વિમાનમાં અને ત્યાંથી નીકળી ચોરાશી લાખ પૂર્વના આયુષ્યવાળા તીર્થકરના ભવમાં ક્ષપકશ્રેણિ માંડી બંધવિચ્છેદ ન કરે ત્યાં સુધી નિકાચિત કરેલ જિનનામનો સતત બંધ ચાલુ જ રહે છે. માટે ઉપરોક્ત કાળ ઘટી શકે છે.
ચારે આયુષ્યનો નિરંતર બંધકાળ ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત જ છે.
અનિમ પાંચ સંઘયણ, અનિમ પાંચ સંસ્થાન, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, અશુભ વિહાયોગતિ, આહારકદ્રિક, નરકદ્ધિક, આતપ, ઉદ્યોત, સ્થિર, શુભ, યશ, અસતાવેદનીય, સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્યાદિ બે યુગલ અને સ્થાવર દશક, આ એકતાળીસ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટથી નિરંતર બંધકાળ અંતર્મુહૂર્ત છે. કારણ કે, અંતર્મુહૂર્ત પછી અધ્યવસાયના પરાવર્તનથી અન્ય પ્રકૃતિઓનો અવશ્ય બંધ થાય છે.
ઉદયવિધિ ' ગ્રંથકારે ઉદયથી આરંભી આઠ કરણની સમાપ્તિ સુધી એકસો અઠ્ઠાવન પ્રકૃતિઓની વિવક્ષા કરી છે. તેથી અહીંયાં પણ તે જ પ્રમાણે બતાવવામાં આવશે.