Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયદ્વાર
૨૯૫
છે. એકનો જે આહાર તે બીજા અનંતાનો, અને અનંતાનો જે આહાર તે વિવક્ષિત એક જીવનો હોય છે. શરીરને લગતી સઘળી ક્રિયા જે એક જીવની તે અનંતાની અને અનંતાની જે ક્રિયા તે એક જીવની એ પ્રમાણે સમાન જ હોય છે. તેથી અહીં કોઈ અસંગતિ નથી.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે—એક સાથે અનંતા જીવો ઉત્પન્ન થાય છે, એક સાથે તેઓના શરીરની નિષ્પત્તિ થાય છે, એક સાથે શ્વાસોચ્છ્વાસાદિ યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ થાય છે, અને એક સાથે શ્વાસોચ્છ્વાસ લેવાની ક્રિયા પણ કરે છે. એક જીવનું જે ગ્રહણ તે અનંતાનું સાધારણ હોય છે, અનંતા જીવોનું જે ગ્રહણ તે એકનું પણ હોય છે. આહાર, શ્વાસોચ્છ્વાસ યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ એ વગેરે શરીરને લગતી સઘળી ક્રિયા સાધારણ એટલે અનંતા જીવની તે એક જીવની અને એક જીવની તે અનંતા જીવની હોય છે. સાધારણ જીવોનું એ લક્ષણ છે. તથા જે કર્મના ઉદયથી મસ્તક, હાડકાં, અને દાંત આદિ શરીરના અવયવોમાં સ્થિરતાનક્કરપણું થાય તે સ્થિર નામકર્મ.
તેનાથી વિપરીત અસ્થિર નામકર્મ. જે કર્મના ઉદયથી જિલ્લા આદિ શરીરના અવયવોમાં અસ્થિરતા થાય તે અસ્થિર નામકર્મ.
જે કર્મના ઉદયથી નાભિની ઉપરના અવયવો શુભ થાય તે શુભ નામકર્મ.
તેનાથી વિપરીત અશુભ નામકર્મ. જે કર્મના ઉદયથી નાભિની નીચેના શરીરના અવયવો અશુભ થાય તે. તે આ પ્રમાણે—મસ્તક વડે કોઈને સ્પર્શ કરીએ તો તે સંતોષ પામે છે, કેમ કે તે શુભ છે. પગથી અડકીએ તો ગુસ્સે થાય છે, કેમ કે તે અશુભ છે.
કદાચ અહીં એમ કહેવામાં આવે કે—સ્રીના પગ વડે પણ સ્પર્શ કરાયેલો પુરુષ સંતુષ્ટ થાય છે માટે ઉપરના લક્ષણમાં દોષ આવે છે. તેના ઉત્તરમાં 'કહે છે—તે સંતોષમાં તો મોહ કારણ છે. અહીં તો વસ્તુસ્થિતિનો વિચાર થાય છે, માટે કોઈ દોષ નથી.
જે કર્મના ઉદયથી જીવનો સ્વર કર્ણપ્રિય થાય, શ્રોતાનો પ્રીતિના હેતુભૂત થાય તે સુસ્વર
નામકર્મ.
તેનાથી વિપરીત દુસ્વર નામકર્મ. જે કર્મના ઉદયથી જીવનો સ્વ૨ કર્ણકટુક થાય, શ્રોતાને અપ્રીતિનું કારણ થાય તે.
૧. જો કે શરીરને લગતી સઘળી ક્રિયા સમાન છે, પરંતુ કર્મનો બંધ, ઉદય, આયુનું પ્રમાણ એ કંઈ સઘળા સાથે ઉત્પન્ન થયેલાને સરખા જ હોય છે એમ નથી. સરખાયે હોય તેમ ઓછાવત્તા પણ હોય છે.
૨ દુષ્કર ઉપવાસાદિ તપ કરવા છતાં પણ જેના ઉદયથી અંગોપાંગોનું સ્થિરપણું થાય તે સ્થિર નામકર્મ અને જેના ઉદયથી અલ્પ ઉપવાસાદિ કરવાથી અગર સ્વલ્પ શીત કે ઉષ્ણાદિના સંબંધથી અંગોપાંગ કૃશ થાય તે અસ્થિર નામકર્મ એમ રાજવાર્તિકકાર કહે છે.
૩. જે કર્મના ઉદયથી વ્યક્તિ જોનાર અથવા સાંભળનારને રમણીય થાય તે શુભનામકર્મ અને અરમણીય થાય તે અશુભ નામકર્મ એમ રાજવાર્દિકકાર કહે છે.