Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૧૪
यस्मिन्समये यावन्ति बध्नाति तेषामीदृशेन विधिना । प्रत्येकं प्रत्येकं भागान् निर्वर्त्तयति जीवः ॥७९॥
પંચસંગ્રહ-૧
અર્થ—જે સમયે જેટલાં કર્મ બાંધે છે તે સમયે તેમાંના દરેકને પૂર્વોક્ત વિધિ વડે જીવ ભાગ આપે છે.
ટીકાનુ—જે સમયે જેટલા આઠ, સાત કે છ કર્મોને તે તે પ્રકારના અધ્યવસાયના યોગે બાંધે છે તે સમયે તે બંધાતા આઠ, સાત કે છ કર્મોને પૂર્વે કહેલ વિધિ પ્રમાણે ભાગ આપે છે. તે આ પ્રમાણે—
સર્વત્ર વેદનીયનો ભાગ મોટો છે અને શેષ કર્મોમાં સ્થિતિની વૃદ્ધિને અનુસરી વધારે વધારે હોય છે. એટલે કે—જેની સ્થિતિ વધારે તેમાં ભાગ વધારે અને જેની સ્થિતિ અલ્પ તેમાં ભાગ અલ્પ હોય છે. તેમાં જ્યારે આઠ પ્રકારના કર્મબંધમાં હેતુભૂત અધ્યવસાય પ્રવર્તે ત્યારે તેના વશથી ગ્રહણ કરેલા દલિકને જીવો આઠ ભાગે વહેંચે છે.
આઠ કર્મ બંધાય ત્યારે ભાગવિભાગ કેવી રીતે થાય ? તેનો વિચાર તો પહેલા કરી ગયા છે. જ્યારે સાત કર્મના બંધમાં હેતુભૂત અધ્યવસાય પ્રવર્તે ત્યારે તેના વશથી ગ્રહણ કરેલા કર્મના સાત ભાગ કરે છે, તેમાં નામ અને ગોત્રકર્મનો ભાગ સર્વથી અલ્પ અને સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે. તેનાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો ભાગ વધારે છે. કારણ કે તેઓની સ્થિતિ મોટી છે અને સ્વસ્થાને પરસ્પર એકબીજાનો સરખો છે. તેનાથી મોહનીયનો ભાગ વિશેષાધિક છે, કારણ કે જ્ઞાનાવરણીયાદિથી તેની સ્થિતિ મોટી છે. તેનાથી પણ વેદનીયનો ભાગ વિશેષાધિક છે. વેદનીય કર્મમાં સર્વોત્કૃષ્ટ ભાગ હોવાનું કારણ પૂર્વે કહ્યું છે.
જ્યારે છ કર્મના બંધમાં હેતુભૂત અધ્યવસાય હોય ત્યારે તેના વશથી બાંધેલા કર્મદલિકના છ ભાગ કરે છે એટલે તેને છ ભાગે વહેંચી આપે છે—છપણે પરિણમાવે છે. તેમાં પણ ભાગનો વિભાગ પૂર્વની જેમ જ જણાવો. જેમ કે, નામ અને ગોત્રનો ભાગ અલ્પ, માંહોમાંહે તુલ્ય. તેનાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો ભાગ વધારે, ત્રણેમાં માંહોમાંહે સરખો અને તેનાથી વેદનીયનો ભાગ મોટો છે.
જ્યારે માત્ર એક વેદનીય કર્મ બાંધે ત્યારે યોગના વશથી બાંધેલું જે કંઈ પણ દલિક હોય તે સઘળું તે બંધાતી સાતાવેદનીયરૂપે જ પરિણમે છે.
આ પ્રમાણે હોવાથી તાત્પર્ય આ આવ્યું કે જેમ જેમ થોડી પ્રકૃતિ બાંધે તેમ તેમ બંધાતી પ્રકૃતિનો ભાગ મોટો મોટો હોય અને જેમ જેમ ઘણી પ્રકૃતિ બાંધે તેમ તેમ અલ્પ અલ્પ ભાગ હોય છે. ૭૯
એ જ વિષયને સ્પષ્ટ કરે છે.
जह जह य अप्पपगईण बंधगो तहतहत्ति उक्कोसं । कुणइ पएसबंधं जहन्नयं तस्स वच्चासा ॥८०॥