________________
પંચમદ્વાર
૬૯૫
ભિન્ન સ્થિતિવિશેષો સત્તામાં ઘટે છે.
જેમ કે તે એકેન્દ્રિયયોગ્ય જઘન્ય સ્થિતિ નીચેનો પહેલો ઉદય સમય ભોગવાઈ દૂર થાય એટલે સમયહીન થાય, બીજો સમય ભોગવાઈ દૂર થાય એટલે બે સમયહીન થાય, ત્રીજો સમય ભોગવાઈ દૂર થાય એટલે ત્રણ સમયહીન થાય. આ પ્રમાણે સમય સમયહીન થતાં અંતર્મુહૂર્તનાં સમય પ્રમાણ સ્થાનકો નિરંતર હોય છે. કારણ કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિનો ઘાત કરતાં અંતર્મુહૂર્ણકાળ જાય છે. અંતર્મુહૂર્ત ગયા બાદ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડનો ઘાત થાય છે એટલે એટલી સ્થિતિનો સમકાળે ક્ષય થતો હોવાથી અંતર્મુહૂર્તનાં સમય પ્રમાણ સ્થાનકોની પછીનાં સ્થાનકો નિરંતર હોતાં નથી. કેમ કે એકેન્દ્રિયયોગ્ય જઘન્ય સ્થિતિ સમય સમય ન્યૂન થતાં અંતર્મુહૂર્ત ન્યૂન સુધીનાં સ્થિતિસ્થાનકો સત્તામાં નિરંતર હોઈ શકે. ત્યારપછી તો એક સાથે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિનો ક્ષય થયો. એટલે અંતમુહૂર્ત અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એકેન્દ્રિયયોગ્ય જઘન્ય સ્થિતિની સત્તા સંભવે.
ત્યારપછી ફરી બીજા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડને ક્ષય કરવાનો આરંભ કરે. અંતર્મુહૂર્તકાળે તેનો નાશ કરે. એટલે જે સમયથી બીજા ખંડનો ક્ષય કરવાનો આરંભ કર્યો તે સમયથી આરંભી અંતર્મુહૂર્તનાં સમય પ્રમાણ સ્થિતિ સ્થાનકો નીચેની સમય સમય પ્રમાણ સ્થિતિના ક્ષયની અપેક્ષાએ પૂર્વોક્ત પ્રકારે નિરંતર હોય છે. ત્યારપછી બીજા સ્થિતિખંડનો નાશ થયો એટલે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિ એક સાથે ઓછી થઈ તેથી અંતર્મુહૂર્ત પછીના પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધીનાં સ્થિતિસ્થાનકો નિરંતર હોતાં નથી પરંતુ તેટલા સ્થાનકનું અંતર પડે છે.
આ પ્રમાણે જ્યાં સુધી એક સ્થિતિખંડનો ઘાત ન થાય ત્યાં સુધીના અંતર્મુહૂર્તનાં સમયપ્રમાણ સ્થિતિસ્થાનકો નિરંતર સંભવે અને ત્યારપછી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિનો એક સાથે ક્ષય થતો હોવાથી તેટલાં સ્થાનકોનું એક સાથે અંતર પડે. આ પ્રમાણે છેલ્લી ઉદયાવલિકા બાકી રહે ત્યાં સુધી કહેવું.
તે ઉદયાવલિકા રહી તેને જો તે ઉદયવતી પ્રકૃતિની હોય તો સમયે સમયે અનુભવવા વડે અને અનુદયવતી હોય તો પ્રતિસમય સ્તિબુકસંક્રમ વડે ક્ષય થાય છે. યાવતુ તેનું છેલ્લું સ્થિતિસ્થાનક આવે. આ આવલિકાનાં સમય પ્રમાણ સ્થિતિસ્થાનકો નિરંતર હોય છે. ૧૪૮
આ પ્રમાણે સત્તામાં સ્થિતિસ્થાનકના ભેદનું ઉપદર્શન કર્યું. હવે અનુભાગની સત્તાનો વિચાર કરવા માટે કહે છે –
संकमतुल्लं अनुभागसंतयं नवरि देसघाईणं । हासाईरहियाणं जहन्नयं एगठाणं तु ॥१४९॥
' ૧. અહીં અયોગી ગુણસ્થાનકે સત્તાવાળી પ્રકૃતિઓના અયોગી ગુણસ્થાનકના કાળ પ્રમાણ છેલ્લાં સ્થિતિસ્થાનો અયોગી ગુણસ્થાને નિરંતર પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ ટીકામાં તેની વિરક્ષા કરી લાગતી નથી.