Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૪૮
પંચસંગ્રહ-૧,
આયુષ્ય બાંધી શકે છે. તેથી પૂર્વક્રોડના આયુવાળા પોતાના ભવના બે ભાગ ગયા પછી તરત જ ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે અને જઘન્ય આયુ બાંધે ત્યારે અનુક્રમે ઉત્કૃષ્ટ સ્થિતિબંધે ઉત્કૃષ્ટ અબાધા અને જઘન્ય સ્થિતિબંધે ઉત્કૃષ્ટ અબાધા થાય. તે જ પ્રમાણે ભોગવાતું આયુષ્ય અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્ય બાંધનારને અનુક્રમે ઉત્કૃષ્ટ સ્થિતિબંધે જઘન્ય અબાધા અને જઘન્ય સ્થિતિબંધે જઘન્ય અબાધા થાય છે. આ પ્રમાણે આયુષ્યની ચતુર્ભાગી થાય છે. તેથી જ મૂળગાથામાં આયુષ્યનો માત્ર ભોગ્યકાળ કહ્યો છે, જે દેવ-નરક આયુષ્યનો તેત્રીસ સાગરોપમાં અને મનુષ્ય-તિર્યંચાયુષ્યનો ત્રણ પલ્યોપમ પ્રમાણ છે.
કોઈપણ આયુષ્યને દેવ-નારકો અને યુગલિકો ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધતા નથી તેથી પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળા જે મનુષ્ય-તિર્યંચો પોતાના આયુષ્યના બે ભાગ ગયા પછી તરત જ યથાસંભવ ચારે આયુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધે ત્યારે તેઓને ચારે આયુષ્યમાં પૂર્વક્રોડનો ત્રીજો ભાગ ઉત્કૃષ્ટ અબાધાકાળ હોય છે.
વિષ, શસ્ત્ર આદિ નિમિત્તો દ્વારા જેઓનું આયુષ્ય ઘટે નહિ અને જેમને મરણ સમયે તેવાં નિમિત્તો પણ પ્રાપ્ત ન થાય–તે નિરુપક્રમી કહેવાય, સર્વ દેવો, નારકો અને યુગલિકો નિરપક્રમી હોય છે. તે સર્વ પોતાના ભવનું આયુષ્ય છ માસ બાકી હોય ત્યારે જ પરભવનું આયુષ્ય બાંધે છે, મતાન્તરે યુગલિકો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ બાકી હોય ત્યારે અને નારકો અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. તેથી નિરુપક્રમી જીવો આશ્રયી તેટલો જ અબાધાકાળ ઘટે છે.
સોપક્રમી જીવો અનુભવાતા આયુષ્યના ત્રીજા, નવમા, સત્તાવીસમાં ભાગે કે યાવત્ અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. તેથી જ પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા ત્રીજા ભાગના આરંભે પરભવનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે ત્યારે ઉત્કૃષ્ટ અબાધા સહિત ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે, પણ અન્યથા નહિ.
એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો મનુષ્યાય અને તિર્યંચાયુ એમ બે જ આયુષ્ય બાંધે છે અને તેઓ આ બન્ને આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પોતાના ભવના ત્રીજા ભાગ સહિત પૂર્વક્રોડવર્ષ પ્રમાણ કરે છે. ત્યાં સ્વભવના આયુષ્યનો ત્રીજો ભાગ અબાધાકાળ અને પૂર્વક્રોડવર્ષ ભોગ્યકાળ છે.
અસંજ્ઞી પંચેન્દ્રિયો પૂર્વક્રોડના ત્રીજા ભાગ સહિત પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ચારે આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. અહીં પણ પૂર્વક્રોડનો ત્રીજો ભાગ અબાધાકાળ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ભોગ્યકાળ સમજવો.
તીર્થંકર નામકર્મ અને આહારદ્ધિક એ ત્રણનો અનિકાચિત ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. અને અનિકાચિત જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણહીન અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. અબાધાકાળ અંતર્મુહૂર્ત છે. અંતર્મુહૂર્ત પછી આ ત્રણે પ્રકૃતિઓનો પ્રદેશોદય અવશ્ય થઈ જાય છે.
તીર્થંકર નામકર્મના પ્રદેશોદયવાળો પણ જીવ પોતાની સમાન કક્ષાવાળા અન્ય જીવોની