Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૨૪
પંચસંગ્રહ-૧
આ પ્રમાણે સાદ્યાદિ ભંગની પ્રરૂપણા કરી. હવે સ્વામિત્વનો વિચાર કરવો જોઈએ. તે બે પ્રકારે છે : ૧. ઉત્કૃષ્ટ પ્રદેશવિષયક. ૨. જઘન્ય પ્રદેશવિષયક. વળી તે એક એક બબ્બે પ્રકારે છે : ૧. મૂળપ્રકૃતિ વિષયક, ૨. ઉત્તરપ્રકૃતિ વિષયક. તેમાં પહેલા મૂળ અને ઉત્તર - પ્રકૃતિવિષયક ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિત્વનો વિચાર કરે છે–
जाण जहिं बंधतो उक्कोसो ताण तत्थेव ॥८९॥
यासां यत्र बन्धान्त उत्कृष्टस्तासां तत्रैव ॥८९॥ અર્થ–જે પ્રકૃતિઓના બંધનો જ્યાં અંત થાય ત્યાં પ્રાયઃ તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સમજવો.
ટીકાનુ–જે પ્રકૃતિઓનો જે સ્થાને બંધવિચ્છેદ થાય છે તે પ્રકૃતિઓનો પ્રાયઃ ત્યાં જ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સમજવો. તાત્પર્ય એ કે જે સ્થાને બંધવિચ્છેદ થાય છે તે સ્થાનને પ્રાપ્ત થયેલા ઉત્કૃષ્ટ યોગસ્થાનકે વર્તતા આત્માઓ તે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી જાણવા.
અતિ સંક્ષેપમાં કહેલી ઉપરોક્ત હકીકતનો સવિશેષતઃ વિચાર કરે છે. તેમાં પણ મૂળપ્રકૃતિ વિષયક ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિત્વનો વિચાર કરે છે.
આયુકર્મના મિથ્યાષ્ટિ, અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્તસંયત અને અપ્રમત્તસયત એ પાંચ ગુણસ્થાનકે વર્તતા ઉત્કૃષ્ટ યોગસ્થાનવર્તિ આત્માઓ ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી છે, કારણ કે આ સઘળા ગુણસ્થાનકવાળાઓને ઉત્કૃષ્ટ યોગસ્થાનક અને આયુના બંધનો સંભવ છે.
શંકા-સાસ્વાદન ગુણસ્થાનકવર્તિ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી કેમ નથી હોતો? ઉત્તર–તેને ઉત્કૃષ્ટ યોગસ્થાનકનો જીવસ્વભાવે અસંભવ છે.
એ અસંભવને વિશેષતઃ પુષ્ટ કરે છે–જો સાસ્વાદન ગુણસ્થાનકવર્તિ આત્માને ઉત્કૃષ્ટ યોગ હોય તો અનંતાનુબંધીનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સાસ્વાદને જ ઘટી શકે, કારણ કે મિથ્યાત્વના ભાગની પણ પ્રાપ્તિ થાય અને જો એમ થાય તો અનંતાનુબંધીનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ આદિ ચાર ભાંગે ઘટી શકે. તે આ પ્રમાણે–
અનંતાનુબંધીનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ઉક્ત નીતિએ સાસ્વાદને થાય, અન્યત્ર ન થાય. તે સાસ્વાદન ગુણસ્થાનકથી પડી મિથ્યાત્વે આવે ત્યારે અનુષ્ટ પ્રદેશબંધ થાય માટે સાદિ. જેઓએ સાસ્વાદન ગુણસ્થાનક પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને અનંત અને ભવ્યને સાંત. આ પ્રમાણે અનુત્કૃષ્ટ પ્રદેશબંધે ચારે ભાંગા ઘટી શકે.
પરંતુ આ હકીક્ત શાસ્ત્રકારને ઇષ્ટ નથી. કારણ કે અનંતાનુબંધીનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ સાંત ભાંગે પહેલા જ કહી ગયા છે. માટે સાસ્વાદન ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ યોગનો અસંભવ હોવાથી તે આયુના ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી નથી.