________________
પંચસંગ્રહ-૧
ઉત્કૃષ્ટ પ્રદેશબંધ તે આત્મા કરે છે કે જે મનોલબ્ધિસંપન્ન ઉત્કૃષ્ટ યોગસ્થાનકે વર્તમાન, સઘળી પર્યાપ્તિએ પર્યાપ્તો અને મૂળ તેમ જ ઉત્તરપ્રકૃતિઓની અલ્પસંખ્યાનો બાંધનાર હોય. શા માટે એ પ્રમાણે છે ? તેના ઉત્તરમાં કહે છે કે—જે આત્મા મનોલબ્ધિ સંપન્ન છે તેની ચેષ્ટા-ક્રિયા શેષ જીવની અપેક્ષાએ અતિશય બળવાળી હોય છે, કારણ કે વિચારપૂર્વક ક્રિયા કરનાર આત્માની ચેષ્ટા તીવ્ર હોય છે. પ્રબળ ચેષ્ટા યુક્ત તે આત્મા ઘણાં પુદ્ગલોને ગ્રહણ કરે છે માટે મનોલબ્ધિસંપન્ન એ વિશેષણ ગ્રહણ કર્યું છે. મનોલબ્ધિયુક્ત હોવા છતાં પણ પોતાની ભૂમિકાને અનુસારે મંદ મંદ યોગસ્થાનકવાળો પણ હોય છે. તેથી તેનો ત્યાગ કરવા માટે ઉત્કૃષ્ટયોગી એ વિશેષણ લીધું છે. તથા સંજ્ઞી અપર્યાપ્તાને પણ પોતાની ભૂમિકાને અનુસારે ઉત્કૃષ્ટ યોગ છે, તે ઉત્કૃષ્ટ યોગનું અહીં પ્રયોજન નથી, કારણ કે તે ઉત્કૃષ્ટ યોગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થતો નથી, માટે તેને દૂર કરવા સઘળી પર્યાપ્તિએ પર્યાપ્તો એ વિશેષણ ગ્રહણ કર્યું છે.
૬૩૦
આ ત્રણે વિશેષણ યુક્ત હોવા છતાં પણ જો ઘણી મૂળ કે ઉત્તરપ્રકૃતિઓનો બંધક હોય તોપણ વિવક્ષિત પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ન થાય. કારણ કે દલિકો ઘણા ભાગમાં વહેંચાઈ જાય, તે હેતુથી મૂળ અને ઉત્તર અલ્પતર પ્રકૃતિઓનો બંધક હોવો જોઈએ એમ કહ્યું છે. આ ચાર વિશેષણ યુક્ત આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે માટે પ્રદેશબંધના સ્વામિત્વના વિષયમાં સર્વત્ર આ નિર્દોષ સામાન્ય લક્ષણ છે. તેમાં જે કંઈ વિશેષ છે તે પૂર્વે બતાવેલ છે.
ઉપરોક્ત લક્ષણનો વિપર્યાસ એ જ પ્રાયઃ જઘન્ય પ્રદેશબંધના સ્વામિત્વના વિષયમાં લક્ષણ સમજવું. તે આ પ્રમાણે—
મનોલબ્ધિ હીન, જઘન્ય યોગસ્થાનકે—વર્તમાન, લબ્ધિ અપર્યાપ્તો, મૂળ અને ઉત્તર ઘણી પ્રકૃતિઓનો બાંધનાર આત્મા જઘન્ય પ્રદેશબંધનો સ્વામી છે.
કહ્યું છે કે—‘સંશી ઉત્કૃષ્ટ યોગી, પર્યાપ્તો, અલ્પતર પ્રકૃતિનો બંધક, ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે, તેથી વિપરીત જઘન્ય પ્રદેશબંધ કરે છે.' આ તો બહુ સંક્ષેપમાં કહ્યું તેને જ મંદ મતિવાળા શિષ્યોના ઉપકાર માટે વિસ્તારથી વર્ણવે છે—
નરકગતિ, નરકાનુપૂર્વી નરકાયુ અને દેવાયુરૂપ ચાર પ્રકૃતિઓના સઘળી પર્યાપ્તિએ પર્યાપ્તો, જઘન્ય યોગસ્થાનકે વર્તમાન અસંશી પંચેન્દ્રિય જઘન્ય પ્રદેશબંધનો સ્વામી છે. અહીં અસંશી પર્યાપ્તાના જઘન્યયોગથી સંજ્ઞી પર્યાપ્તાનો જઘન્યયોગ અસંખ્યાતગુણો હોય છે.
કહ્યું છે કે—‘અસંશી પર્યાપ્તના જઘન્યયોગથી સંજ્ઞી પર્યાપ્તાનો જઘન્યયોગ અસંખ્યાતગુણો છે.’
માટે સંજ્ઞીને જઘન્ય પ્રદેશબંધ ઘટતો નથી તેથી અસંશી ગ્રહણ કર્યો છે અને અપર્યાપ્ત અસંશીને વિવક્ષિત ચાર પ્રકૃતિઓનો બંધ થતો નથી માટે સઘળી પર્યાપ્તિએ પર્યાપ્તો એમ કહ્યું છે.
૧. જઘન્ય પ્રદેશબંધ થવામાં ચાર વિશેષણ મૂક્યાં છે. પરંતુ વધારેમાં વધારે જેટલાં ઘટે તેટલાં ઘટાવવાનાં છે. જ્યાં ચારે ઘટે ત્યાં ચાર, ચારે ન જ ઘટતાં હોય તો વધારેમાં વધારે ઘટી શકે તેટલાં ઘટાવવાનાં છે.