Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
આ પ્રમાણે સ્વામિત્વ પ્રરૂપણા કરી છેવટે તે કરીને પ્રદેશબંધનું સ્વરૂપ પૂર્ણ કર્યું. હવે કઈ પ્રકૃતિઓ જઘન્યથી અથવા ઉત્કૃષ્ટથી કેટલા કાળ પર્યંત નિરંતર બંધાય ? તેનું નિરૂપણ કરવા માટે કહે છે—
૬૩૬
समयादसंखकालं तिरिदुगनीयाणि जाव बज्झति । वेउव्वियदेवदुगं पल्लतिगं आउ अंतमुहू ॥९३॥
समयादसंख्यकालं तिर्यद्विकनीचैर्गोत्रे यावत् बध्येते । वैक्रियदेवद्विकं पल्यत्रिकमायुरन्तर्मुहूर्त्तम् ॥९३॥
અર્થ—તિર્યગ્નિક અને નીચગોત્ર જઘન્ય સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યકાળ પર્યંત, વૈક્રિયદ્વિક અને દેવદ્વિક ત્રણ પલ્યોપમ પર્યંત અને આયુઅંતર્મુહૂર્ત પર્યંત નિરંતર બંધાય છે.
ટીકાનુ—તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી અને નીચગોત્ર એ જઘન્યથી એક સમય પર્યંત બંધાય છે. કારણ કે બીજે સમયે તથાપ્રકારના અધ્યવસાયના યોગે તેની વિરોધિની પ્રકૃતિઓના બંધનો સંભવ છે. ઉત્કૃષ્ટથી અસંખ્ય લોકાકાશના પ્રદેશની જેટલી સંખ્યા થાય તેટલા સમય પર્યંત નિરંતર બંધાય છે. કારણ કે તેઉકાય અને વાઉકાયમાં ગયેલા આત્માને એ જ ત્રણ પ્રકૃતિઓ બંધાય છે, તથાભવસ્વભાવે તેની વિરોધિની મનુષ્યગતિ આદિ બંધાતી નથી. તે બંનેની સ્વકાયસ્થિતિ તેટલી જ છે તેથી ઉપરોક્ત ત્રણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ તેટલો નિરંતર બંધકાળ કહ્યો છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે—‘હે ભગવન્ ! તેઉકાયિક જીવ તેઉકાયપણે કાળથી કેટલો કાળ હોય ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતો કાળ એટલે કાળ આશ્રયી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી પર્યંત હોય અને ક્ષેત્ર આશ્રયી અસંખ્યાતા લોકાકાશના જેટલા પ્રદેશ થાય તેટલા સમયપ્રમાણ હોય. એ પ્રમાણે વાયુકાય માટે પણ સમજવું.'
વૈક્રિયદ્વિક અને દેવદ્વિક જઘન્ય એક સમય બંધાય, કારણ કે તે પરાવર્તમાન પ્રકૃતિઓ છે, બીજે સમયે તથાપ્રકારના અધ્યવસાયના યોગે તેની વિરોધિની પ્રકૃતિઓ બંધાઈ શકે છે. ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ પર્યંત બંધાય છે, કારણ કે અસંખ્ય વર્ષના આયુવાળા તિર્યંચો અને મનુષ્યો જન્મથી આરંભી મરણપર્યંત એ જ પ્રકૃતિઓ બાંધે છે. તે યુગલિકો ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમના આયુવાળા જ હોય છે માટે તેનો ઉત્કૃષ્ટથી તેટલો નિરંતર બંધકાળ કહ્યો છે.
ચારે આયુ ઉત્કૃષ્ટથી નિરંતર અંતર્મુહૂર્ત સુધી જ બંધાય છે, અધિક કાળ બંધાતા નથી. તેમાં કારણ તથાપ્રકારનો જીવસ્વભાવ જ છે. ૯૩
देसूणपुव्वकोडी सायं तह असंखपोग्गला उरलं । परघाउस्सासतसचउपणिदि पणसिय अयरसयं ॥९४॥
देशोनां पूर्वकोटीं सातं तथा संख्यपुद्गलनुरलम् । पराघातोच्छ्वासत्रसचतुष्कपञ्चेन्द्रियाणि पञ्चाशीतमतरशतम् ॥९४॥