Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમદાર
૬૩૯
ટીકાનુ—સમચતુરસસંસ્થાન, ઉચ્ચગોત્ર, શુભવિહાયોગતિ, પુરુષવેદ સુસ્વર સુભગ અને આઠેય એ સુસ્વરત્રિકનો નિરંતર બંધકાળ પરાવર્તમાન પ્રકૃતિ હોવાથી જઘન્યથી એક સમયનો છે અને ઉત્કૃષ્ટથી દ્વિગુણ છાસઠ સાગરોપમ એટલે એકસો બત્રીસ સાગરોપમનો છે. આ સઘળી પ્રકૃતિઓ સમ્યગ્દષ્ટિ જીવોને અથવા મિશ્રદૃષ્ટિ જીવોને તો અવશ્ય બંધાય છે, કારણ કે તેની વિરોધિની પ્રકૃતિઓનો સાસ્વાદન ગુણસ્થાનકે બંધવિચ્છેદ થાય છે. એટલે ઉત્કૃષ્ટથી જેટલો કાળ આત્મા સમ્યક્ત્વાદિ ગુણસ્થાનકે રહી શકે તેટલો કાળ નિરંતર ઉપરોક્ત સાત પ્રકૃતિઓ બંધાયા કરે છે.
અંતર્મુહૂર્ત પ્રમાણ મિશ્ર ગુણસ્થાનકના કાળથી અંતરિત એકસો બત્રીસ સાગરોપમનો સમ્યક્ત્વનો કાળ પૂર્વોક્ત પ્રકારે ઘટે છે. તે આ પ્રમાણે—
કોઈ એક મનુષ્ય ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી ઉત્તમ શ્રાવકપણું પાળી બાવીસ સાગરોપમને આઉખે અચ્યુત દેવલોકમાં જાય. ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ ઉત્તમ શ્રાવકપણું પાળી અચ્યુત દેવલોકમાં જાય, વળી ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ અચ્યુત દેવલોકમાં જાય, ત્યાંથી ચ્યવી મનુષ્ય થાય. ક્ષયોપશમ સમ્યક્ત્વનો વચમાં થતા મનુષ્યના ભવ અધિક છાસઠ સાગરોપમનો કાળ હોવાથી અંતર્મુહૂર્ત મિશ્ર ગુણસ્થાનકે જઈ ફરી ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી ઉત્તમ મુનિપણું પાળી તેત્રીંસ સાગરોપમને આઉખે વિજયાદિ ચારમાંથી કોઈ મહાવિમાને ઉત્પન્ન થાય, ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ અનુત્તર મુનિપણું પાળી ફરી વિજયાદિ વિમાને ઉત્પન્ન થાય. ત્યાંથી આવી મનુષ્ય થાય. હવે જો તે ભવમાં મોક્ષ ન જાય તો સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વે જાય. આ પ્રમાણે વચમાં થતા મનુષ્યના ભવોથી અધિક અને અંતર્મુહૂર્ત મિશ્ર ગુણસ્થાનકના કાળથી અંતરિત એકસો બત્રીસ સાગરોપમ પર્યંત સમ્યક્ત્વાદિ ગુણઠાણે રહી શકે છે અને ત્યાં ઉપરોક્ત સાત પ્રકૃતિઓ બાંધ્યા કરે છે. ત્યારપછી મોક્ષમાં ન જાય તો સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વે જઈ ઉક્ત પ્રકૃતિઓની વિરોધી પ્રકૃતિઓ બાંધે છે.
તથા મનુષ્યદ્ઘિક ઔદારિક અંગોપાંગ અને વજઋષભનારાચસંઘયણનો જઘન્યથી સમય અને તીર્થંકરનામકર્મનો જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી એ પાંચે પ્રકૃતિઓનો તેત્રીસ સાગરોપમ નિરંતર બંધકાળ છે. તે આ પ્રકારે—
અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલો આત્મા તીર્થંકરનામકર્મ વર્જીને શેષ પ્રકૃતિઓ તો નિયમપૂર્વક બાંધે છે અને પછીના જન્મમાં તીર્થંકર થનાર કોઈ આત્મા તીર્થંકર નામકર્મનો પણ બંધ કરે છે. માટે એ પાંચ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટથી તેટલો બંધકાળ કાળ ઘટે છે. માત્ર તીર્થંકરનામકર્મનો દેશોન બે પૂર્વકોટિ વડે અધિક સમજવો. ૯૫
૧. અહીં જે જધન્યથી સમયનો બંધકાળ કહ્યો છે તે જ્યાં સુધી વિરોધિની પ્રકૃતિઓ બંધાતી હોય ત્યાં સુધી સમજવો. અને ઉત્કૃષ્ટ બંધકાળ વિરોધિની પ્રકૃતિનો બંધવિચ્છેદ થયા પછી એકલી જ્યાં સુધી બંધાય ત્યાં સુધીનો સમજવો. તીર્થંકરનામકર્મ જીવસ્વભાવે જઘન્યથી પણ આયુની જેમ અંતર્મુહૂર્ત જ બંધાય છે. ૨. દેશોન બે પૂર્વકોટિ અધિક કહેવાનું કારણ તીર્થંકરનામકર્મ ત્રીજે ભવે નિકાચિત કરે છે તે છે. તે આ પ્રમાણે—વધારેમાં વધારે પૂર્વકોટિ વર્ષના આયુવાળા કોઈ મનુષ્ય વીસ સ્થાનકનું આરાધન કરી તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું. પોતાનું જેટલું આયુ શેષ હતું અને નિકાચિત કર્યું તેટલો કાળ, ત્યાંથી