Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમહાર
૬૧૩
મૂળપ્રકૃતિના સંબંધમાં ભાગના વિભાગનો એટલે કોના કોના ભાગમાં કેટલું આવે તે વિચાર એક અધ્યવસાય વડે ગ્રહણ કરાયેલ કર્મ વર્ગણાઓ આશ્રયી સમજવો. અને તે એક અધ્યવસાય ચિત્રતાગર્ભ હોય છે. જો એમ ન હોય તો કર્મમાં રહેલી વિચિત્રતા સિદ્ધ ન થાય. તે આ પ્રમાણે—
જો અધ્યવસાય એક જ સ્વરૂપવાળો હોય તો તેનાથી ગ્રહણ કરાયલું કર્મ પણ એક સ્વરૂપવાળું જ હોવું જોઈએ. કેમકે કારણના ભેદ વિના કાર્યનો ભેદ થતો નથી. જો કારણના ભેદ વિના કાર્યનો ભેદ થાય તો અમુક કાર્યનું અમુક કારણ છે એ નિયત સંબંધ ન રહે. અહીં જ્ઞાનાવરણીયાદિના ભેદે કર્મમાં પણ અનેક પ્રકારની વિચિત્રતા છે માટે તેના હેતુભૂત અધ્યવસાયને પણ શુદ્ધ એક સ્વરૂપવાળો નહિ પરંતુ અનેક સ્વરૂપવાળો માનવો જોઈએ. તે ચિત્રતાગર્ભ એક અધ્યવસાય તેવા તેવા પ્રકારની દ્રવ્ય ક્ષેત્ર કાળાદિ સામગ્રીને અપેક્ષીને સંક્લેશ અથવા વિશુદ્ધિને પ્રાપ્ત થયો છતો કોઈ વખતે આઠ કર્મનો બંધહેતુ થાય છે, કોઈ વખતે સાત કર્મનો બંહેતુ થાય છે. કોઈ વખતે છ કર્મનો બંહેતુ થાય છે, કોઈ વખતે એક કર્મનો બંહેતુ થાય છે.
કહ્યું છે કે—‘એક અધ્યવસાયથી ગ્રહણ કરાયેલું કર્મદલિક આઠ આદિ કર્મના બંધપણે શી રીતે પરિણમે ? તેના ઉત્તરમાં કહે છે કે—તેનો—આત્માનો અધ્યવસાય જ તેવા પ્રકારનો હોય છે કે જે વડે એક અધ્યવસાયથી ગ્રહણ કરાયેલું કર્મદલિક આઠ આદિ પ્રકારના બંધપણે પરિણમે છે. જેમ કુંભાર માટીના પિંડ વડે સરાવ આદિ અનેકને પરિણમાવે છે, કેમકે તેનો તેવા પ્રકારનો પરિણામ છે. એ પ્રમાણે સર્વજ્ઞ પ્રભુએ જોયેલો જે પરિણામ છે તે પરિણામ વડે બંધાયેલું કર્મદલિક પણ આઠ આદિ બંધપણે પરિણામ પામે છે.’
અહીં આઠ પ્રકારના કર્મબંધમાં જે ભાગવિભાગનો વિધિ કહ્યો છે તે જ વિધિ સાતના બંધમાં અને છના બંધમાં અનુસરવો. એટલે કે જેની સ્થિતિ વધારે તેનો ભાગ વધારે અને જેની સ્થિતિ ઓછી તેનો ભાગ ઓછો સમજવો. ૭૮
એ જ હકીકત સમજાવે છે—
जं समयं जावइयाइं बंधए ताण एरिसविहिए । पत्तेयं पत्तेयं भागे निव्वत्तए जीवो ॥७९॥
૧. જેની અંદર અનેક પ્રકારના કાર્ય કરવારૂપ વિચિત્રતા રહેલી હોય તે ચિત્રતાગર્ભ કહેવાય. અહીં અધ્યવસાયને ચિત્રતાગર્ભ કહ્યો છે એટલે અનેક પ્રકારનું વિચિત્ર કાર્ય ઉત્પન્ન કરે તેવો હોય છે. જો એમ ન હોય તો કર્મમાં ઓછીવત્તીં સ્થિતિ, ઓછોવત્તો રસ, ઓછાવત્તા દલિક એવી વિચિત્રતા ન થાય. જો શુદ્ધ એક અધ્યવસાય હોય તો એક સરખું જ કાર્ય થાય. આવો ચિત્રતાગર્ભ અધ્યવસાય થવામાં પણ કર્મનો ઉદય જ કારણ છે. સમયે સમયે આઠે કર્મનો ઉદય હોય છે તે કંઈ સરખી સ્થિતિ કે સરખા રસવાળા હોતા' નથી. તે દરેકની તેમ જ વિચિત્ર દ્રવ્યક્ષેત્રાદિની અસર આત્મા પર થાય છે તેને લઈ અધ્યવસાય વિચિત્ર થાય છે અને તેનાથી કર્મબંધરૂપ કાર્ય પણ વિચિત્ર થાય છે.