Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ચતુર્થદ્વાર-સારસંગ્રહ
૪૬૭
ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી થયેલ છ હેતુના બન્ને વિકલ્પમાં તેમજ ભય અને જુગુપ્સા બન્ને ઉમેરવાથી થયેલ સાતહેતુમાં પણ ભાંગા તો બસો છત્તું જ થાય. એમ પ્રમત્ત ગુણસ્થાનકે કુલ અગિયારસો ચોરાશી (૧૧૮૪) ભાંગા થાય છે.
અપ્રમત્ત ગુણસ્થાનકે ત્રણવેદને અગિયાર યોગે ગુણી સ્રીવેદીને આહારક કાયયોગ ન હોવાથી તેમાંથી એક ભાંગો ઓછા કરતાં બત્રીસ રહે, તેને બે યુગલે ગુણતાં ચોસઠ, તેને ક્રોધાદિ ચાર વડે ગુણતાં પાંચ બંધહેતુના બસો છપ્પન ભાંગા થાય. તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી છના બે વિકલ્પ થાય અને બન્નેમાં બસો છપ્પન બસો છપ્પન ભાંગા થાય. તેમજ પાંચમાં ભયજુગુપ્સા બન્ને ઉમેરતાં સાત હેતુ થાય. અહીં પણ બસો છપ્પન ભાંગા થાય. એમ આ ગુણસ્થાનકે કુલ એક હજારને ચોવીસ ભાંગા થાય.
અપૂર્વકરણ ગુણસ્થાનકે ત્રણવેદને નવ યોગે ગુણતાં સત્તાવીસ થાય, તેને બે યુગલે ગુણતાં ચોપ્પન, ચોપ્પનને ક્રોધાદિ ચારે ગુણતાં પાંચ હેતુના બસો સોળ ભાંગા થાય, તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી છના બે વિકલ્પ થાય, બન્ને વિકલ્પમાં બસો સોળ બસો સોળ ભાંગા થાય. તથા પાંચમા એકીસાથે બન્ને ઉમેરતાં સાત બંધહેતુ થાય. અહીં પણ બસો સોળ ભાંગા થાય. એમ આ ગુણસ્થાનકે કુલ આઠસો ચોસઠ ભાંગાઓ થાય.
અનિવૃત્તિકરણાદિ ગુણસ્થાનકો
અનિવૃત્તિ ગુણસ્થાનકે ચાર મન, ચાર વચન અને ઔદારિકકાય એ નવમાંથી એક યોગ અને ક્રોધાદિક ચારમાંથી એક કષાય એમ જઘન્યથી બે બંધહેતુઓ હોય છે, ત્યાં નવયોગને ક્રોધાદિ ચારે ગુણતાં તેના છત્રીસ ભાંગા થાય છે. વળી આ ગુણસ્થાનકની શરૂઆતમાં જ્યારે ત્રણમાંથી એક વેદનો પણ ઉદય હોય ત્યારે પૂર્વોક્ત બે તેમજ ત્રણમાંથી એક વેદ એમ ત્રણ બંધહેતુઓ હોય છે. અહીં બે બંધહેતુના છત્રીસ ભાંગાને ત્રણ વેદે ગુણતાં એકસો આઠ ભાંગા એમ આ ગુણસ્થાનકે કુલ એકસો ચુંમાળીસ ભાંગા થાય છે.
સૂક્ષ્મસંપરાયે ઉપર જણાવેલ નવમાંથી એક યોગ અને સૂક્ષ્મકિટ્ટિરૂપ સંજ્વલન લોભ એમ બે જ બંધહેતુઓ હોય છે. અહીં નવમાંથી કોઈ પણ એક યોગ હોવાથી નવ ભાંગા થાય છે. એ જ પ્રમાણે ઉપશાંતમોહ તથા ક્ષીણમોહવીતરાગ ગુણસ્થાનકે ઉપરોક્ત નવ યોગમાંથી કોઈ પણ એક યોગ સ્વરૂપ એક-એક બંધહેતુ અને નવ નવ ભાંગાં થાય છે.
સયોગીકેવળી ગુણસ્થાનકે અહીં સંભવતા સાતમાંથી કોઈ પણ એક યોગ હોય તેથી એક બંધહેતુ અને તેના સાત ભાંગા થાય છે.
એમ સંજ્ઞી-પર્યાપ્ત જીવસ્થાનકમાં આ તેર ગુણસ્થાનકોનાં સર્વ મળી છેતાળીસ લાખ, બ્યાસી હજાર સાતસો સિત્તેર (૪૬૮૨૭૭૦) ભાંગા થાય છે.
હવે સંજ્ઞી-પર્યાપ્ત વિનાના શેષ તેર જીવસ્થાનકોમાં બંધહેતુઓનો વિચાર આ પ્રમાણે છે. આ તેર જીવસ્થાનકોમાં એક અનાભોગ મિથ્યાત્વ જ હોય છે અને સ્વોપન્ન ટીકાકારના મતે અનભિગૃહીત એ એક મિથ્યાત્વ હોય છે.