________________
પંચસંગ્રહ-૧
૪૯૪
વિવક્ષા હોવાથી અને ઉપશાંતમોહે સાંપરાયિક બંધ થતો નહિ હોવાથી ત્યાંથી પડતા પ્રકૃતિબંધ થાય માટે સાદિ સાંત એમ ત્રણે પ્રકાર પૂર્વ જેમ સામાન્ય બંધમાં ઘટાવ્યા છે તેમ અહીં પણ ઘટાવી લેવાના છે. એમ સ્થિતિબંધાદિ માટે પણ સમજવું.
તથા અનાદિ અનંતાદિ ભેદોની અપેક્ષા રાખ્યા વિના પ્રકૃતિબંધાદિ દરેકના સામાન્યથી ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ, જઘન્ય અને અજઘન્ય એમ ચાર ચાર પ્રકાર છે.
તાત્પર્ય એ કે પ્રકૃતિબંધાદિ એક એક ઉત્કૃષ્ટ અનુકૃષ્ટ જઘન્ય અને અજઘન્ય એમ ચાર ચાર ભેદે છે. તેમાં વધારેમાં વધારે જે બંધ તે ઉત્કૃષ્ટ, સમયાદિ ન્યૂન થતાં થતાં જઘન્ય સુધીનો જે બંધ તે અનુત્કૃષ્ટ. ઓછામાં ઓછો જે બંધ તે જઘન્ય, અને સમયાદિ વધતા વધતા ઉત્કૃષ્ટ સુધીનો જે બંધ તે અજઘન્ય.
સામાન્ય રીતે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રણ ભેદો હોય છે. અહીં જઘન્ય, અજઘન્ય અને ઉત્કૃષ્ટ અનુષ્કૃષ્ટ એમ બબ્બેની જોડી મળી ચાર ભેદ કહ્યા છે. તેમાં જઘન્ય પ્રકૃતિબંધાદિનો જઘન્યમાં અને મધ્યમ તથા ઉત્કૃષ્ટનો અજઘન્યમાં સમાવેશ થાય છે. આ રીતે જઘન્યથી ઉત્કૃષ્ટ પર્યંત પ્રકૃતિબંધાદિના કુલ ભેદોનો બે ભેદમાં સમાવેશ કર્યો છે, તથા ઉત્કૃષ્ટ પ્રકૃતિબંધાદિનો ઉત્કૃષ્ટમાં, અને મધ્યમ તથા જઘન્યનો અનુત્કૃષ્ટમાં સમાવેશ થાય છે. આ રીતે ઉત્કૃષ્ટથી જઘન્યપર્યંત પ્રકૃતિબંધાદિના કુલ ભેદોનો પણ બે ભેદમાં સંગ્રહ કર્યો છે.
શંકા—પ્રકૃતિબંધાદિના સઘળા ભેદોનો જધન્ય-અજધન્યમાં અથવા ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ એમ કોઈપણ બેમાં સંગ્રહ-સમાવેશ થાય છે. તો ચાર ભેદ શા માટે લીધા ? કોઈપણ બે જ લેવા જોઈતા હતા ?
ઉત્તર—કોઈ વખતે અનુત્કૃષ્ટ ઉપર સાદિ અનાદિ વગેરે ચાર ભાંગા ઘટે છે તો કોઈ વખતે અજઘન્ય ઉપર ચાર ભાંગા ઘટે છે. કોઈ વખતે અનુત્કૃષ્ટ પર બે ભાંગા તો કોઈ વખત અજઘન્ય ઉપર બે ભાંગા ઘટે છે. આ રીતે ભાંગાની ઘટના ભિન્ન ભિન્ન રીતે થતી હોવાથી ચારે ભેદ લીધા છે. આની વિશેષ સ્પષ્ટતા મૂળ અને ઉત્તર પ્રકૃતિઓમાં જ્યારે તે ભાંગાઓ ઘટાવશે ત્યારે થશે.
તે ઉત્કૃષ્ટ આદિ દરેક ભેદો યથાસંભવ સાદિ આદિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે— સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ. તેમાં જેની અંદર શરૂઆત હોય તે સાદિ, અને શરૂઆત ન હોય તે અનાદિ. તથા જેનો અંત હોય તે સાન્ત, અને જેનો અંત ન હોય તે અનંત.
અહીં ઉત્કૃષ્ટ આદિ સઘળા ભેદો કંઈ સાદિ આદિ ભેદે ઘટતા નથી માટે અમે યથાસંભવ એ પ્રમાણે કહ્યું છે. એને જ સ્ફુટ કરે છે.
જે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસબંધાદિ ઉપરના ગુણસ્થાનકે થતા હોય, તેના અનુત્કૃષ્ટ ભેદ ઉપર સાદિ આદિ ચાર ભાંગા ઘટે છે. કારણ કે ઉપરના ગુણસ્થાનકે નહિ ગયેલા, નહિ જનારા અને જઈને પતિત થયેલા જીવો હોય છે.
એ રીતે જે પ્રકૃતિઓના જઘન્ય રસબંધાદિ ઉપરના ગુણસ્થાનકે થતા હોય તેના અજઘન્ય