Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
અન્યત્ર પણ કહ્યું છે કે—‘અધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણની પ્રકૃતિ-ભેદો અસંખ્યાતા લોકાકાશપ્રદેશપ્રમાણ છે. તેઓના ક્ષયોપશમના પણ તેટલા જ ભેદો છે. તથા ચાર આનુપૂર્વી નામકર્મના ભેદો અસંખ્ય છે. લોકના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલા છે.’
૬૦૮
આ પ્રમાણે શેષ પ્રકૃતિઓના પણ તે તે પ્રકારનાં દ્રવ્ય, ક્ષેત્ર અને સ્વરૂપાદિરૂપ સામગ્રીની વિચિત્રતાને આશ્રયીને આગમાનુસારે અસંખ્યાતા ભેદો સમજી લેવા. માટે યોગસ્થાનોથી અસંખ્યાતગુણા પ્રકૃતિના ભેદો થાય છે. કારણ કે એક એક યોગસ્થાનકે બંધ આશ્રયી પ્રકૃતિના સઘળા ભેદો ઘટે છે એટલે કે એક એક યોગસ્થાનકે વર્તતા અનેક જીવો વડે અથવા કાળભેદે એક જીવ વડે એ સઘળી પ્રકૃતિઓ બંધાય છે.
કહ્યું છે કે—‘યોગસ્થાનોથી અસંખ્યાતગુણી પ્રકૃતિઓ—પ્રકૃતિનો ભેદો છે. એક એક યોગસ્થાનકમાં વર્તમાન આત્મા એ સઘળી પ્રકૃતિઓ બાંધે છે માટે.
તેનાથી પણ સ્થિતિના ભેદો—સ્થિતિવિશેષો અસંખ્યાતગુણા છે.
હવે સ્થિતિવિશેષ એટલે શું ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે—જઘન્ય સ્થિતિથી આરંભી ઉત્કૃષ્ટ સ્થિતિ પર્યંત જેટલા સમયો છે. તેટલા સ્થિતિવિશેષો છે. એકસાથે જેટલી સ્થિતિનો બંધ થાય તે સ્થિતિસ્થાનક અથવા સ્થિતિવિશેષ કહેવાય છે. તે આ પ્રમાણે—જઘન્ય સ્થિતિ એ પહેલું સ્થિતિસ્થાન, સમયાધિક જઘન્ય સ્થિતિ એ બીજું સ્થિતિસ્થાન, બે સમયાધિક જઘન્ય સ્થિતિ એ ત્રીજું સ્થિતિસ્થાન, એ પ્રમાણે સમય સમય અધિક કરતાં ત્યાં સુધી કહેવું કે ઉત્કૃષ્ટ સ્થિતિ એ છેલ્લું સ્થિતિસ્થાન કહેવાય. આ રીતે અસંખ્યાતા સ્થિતિવિશેષો થાય છે: તે સ્થિતિવિશેષો પ્રકૃતિના ભેદોથી અસંખ્યાતગુણા છે. કારણ કે દરેક પ્રકૃતિના ભેદે અસંખ્યાતા સ્થિતિવિશેષો ઘટે છે, એટલે કે એક એક પ્રકૃતિનો ભેદ બાંધતા અસંખ્ય સ્થિતિવિશેષો બંધાય છે. એક જ પ્રકૃતિના ભેદને કોઈક જીવ કોઈ સ્થિતિવિશેષ વડે બાંધે છે, તે જ પ્રકૃતિના ભેદને તે જ કે અન્ય જીવ અન્ય સ્થિતિવિશેષ વડે બાંધી શકે છે.
તેનાથી પણ સ્થિતિબંધમાં હેતુભૂત અધ્યવસાયો અસંખ્યાતગુણા છે. કારણ કે એક એક સ્થિતિસ્થાનનો બંધ થતાં તેના હેતુભૂત અધ્યવસાયો અનેક જીવોની અપેક્ષાએ અસંખ્યાત લોકાકાશ પ્રદેશપ્રમાણ કેવલજ્ઞાની મહારાજે જોયા છે.
તેનાથી પણ રસબંધમાં હેતુભૂત અધ્યવસાયો અસંખ્યાતગુણા છે. અહીં સ્થાન શબ્દ આશ્રય વાચક છે, જેમકે આ મારું સ્થાન છે, એટલે કે આ મારો આશ્રય છે. એટલે અહીં તાત્પર્ય આ પ્રમાણ છે—અનુભાગબંધના આશ્રયરૂપ—હેતુરૂપ કષાયોદયમિશ્ર લેશ્યાજન્ય જે જીવના પરિણામ વિશેષ કે જેઓ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આઠ સમય રહેનાર હોય છે તે પરિણામો સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયોથી અસંખ્યાતગુણા છે. કારણ કે સ્થિતિબંધના હેતુભૂત એક એક અધ્યવસાયમાં તીવ્ર અને મંદત્વાદિ ભેદરૂપ કૃષ્ણાદિ લેશ્યાનાં પરિણામો કે જે અનુભાગબંધમાં હેતુ છે તે અસંખ્યાતા લોકાકાશ પ્રદેશપ્રમાણ હોય છે. માટે સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયોથી રસબંધના હેતુભૂત અધ્યવસાયો અસંખ્યાતગુણા કહ્યા છે.