Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૪૪
પંચસંગ્રહ-૧
અર્થ–દેવ અને નરકાયુની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ છે અને ઇતર બે આયુની ત્રણ પલ્યોપમ છે. ચારે આયુનો પૂર્વકોટિનો ત્રીજો ભાગ અબાધાકાળ છે.
ટીકાનુ–દેવાયુ અને નારકાયુની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ છે. માત્ર પૂર્વકોટિનો ત્રીજો ભાગ અધિક લેવો. તથા ઇતર-તિર્યંચ અને મનુષ્યના આયુની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ છે. અહીં પણ પૂર્વકોટિનો ત્રીજો ભાગ અધિક લેવો.
અહીં ચારે આયુમાં જે પૂર્વકોટિનો ત્રીજો ભાગ વધારે લીધો છે તે અબાધા છે. તેટલા કાળમાં બધ્યમાન આયુના દલિકની નિષેક રચના કરતો નથી. કારણ કે એ ભોગવાતું આયુ છે. ભોગવાતા આયુના બે ભાગ ગયા પછી ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવના આયુનો બંધ થાય
૧. અહીં પૂર્વકોટિનો ત્રીજો ભાગ લેવાનું કારણ એ કે પૂર્વક્રોડી વરસના આયુવાળા મનુષ્ય અને તિર્યંચો યથાયોગ્ય રીતે પોતાના આયુના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં દેવ નારકીનું તેત્રીસ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુ બાંધી શકે છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિ સાથે અબાધાકાળરૂપે પૂર્વકોટિનો ત્રીજો ભાગ લેવાનું કહ્યું છે. જેમ બીજાં સઘળાં કર્મો સાથે અબાધાકાળ જોડીને સ્થિતિ કહી છે તેમ અહીં અબાધાકાળ જોડીને સ્થિતિ કહી નથી, કારણ તેનો અબાધાકાળ નિશ્ચિત નથી. અસંખ્ય વરસના આયુવાળા મનુષ્ય તિર્યંચો અને દેવો તથા નારકીઓ પોતાના આયુનો છ માસ શેષ રહે ત્યારે પરભવનું આયુ બાંધે છે. શેષ સંખ્યાતવરસના પરંતુ નિરૂપક્રમી આયવાળા પોતાના આયુના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં પરભવનું આયુ બાંધે છે અને સોપક્રમી આયવાળા કુલ આયુના બે ભાગ ગયા પછી તેના ત્રીજા ભાગની શરૂઆતમાં બાંધે છે. જો તે વખતે ન બાંધે તો જેટલું આયુ બાકી હોય તેના ત્રીજા ભાગની : શરૂઆતમાં, તે વખતે જો ન બાંધે તો જેટલું બાકી હોય તેના ત્રીજા ભાગની શરૂઆતમાં બાંધે છે. તાત્પર્ય એ કે કલ આયુના ત્રીજે ભાગે, નવમે ભાગે, સત્તાવીસમા ભાગે એમ યાવતુ છેલ્લું અંતર્મુહૂર્ણ આયુ બાકી હોય ત્યારે પરભવનું આયુ બાંધે છે. પરભવનું આયુ બાંધ્યા પછી પોતાનું જેટલું શેષ આયુ રહે તેટલો અબાધાકાળ છે.
અબાધા જઘન્ય હોય અને આયુનો બંધ પણ જઘન્ય હોય છે. જેમ અંતર્મુહૂર્તના આયુવાળો અંતર્મુહર્ત પ્રમાણ આયુ બાંધે. અબાધા જઘન્ય હોય અને આયુનો બંધ ઉત્કૃષ્ટ હોય જેમ અંતર્મુહૂર્તના આયુવાળો તેત્રીસ સાગરોપમનું તંદુળીયામચ્છની જેમ નારકીનું આયુ બાંધે. ઉત્કૃષ્ટ અબાધા હોય અને આયુનો જઘન્ય બંધ હોય જેમ પૂર્વકોટિ વરસના આયુવાળો પોતાના ત્રીજા ભાગની શરૂઆતમાં અંતર્મુહૂર્ત આયુ બાંધે. તથા ઉત્કૃષ્ટ અબાધા હોય અને આયુનો બંધ પણ ઉત્કૃષ્ટ હોય, જેમ પૂર્વકોટી વરસના આયુવાળો ત્રીજા ભાગની શરૂઆતમાં તેત્રીસ સાગરોપમ પ્રમાણ દેવ કે નારકીનું આયુ બાંધે. આ પ્રમાણે અબાધાના વિષયમાં આયુકર્મ માટે ચઉભંગી છે. આ પ્રમાણે અબાધા અનિશ્ચિત હોવાથી આયુ સાથે જોડી નથી.
તથા અન્ય કર્મો પોતાનાં સ્વજાતીય કર્મોનાં સ્થાનકોને પોતાના બંધ વડે પુષ્ટ કરે છે અને જો તેનો ઉદય હોય તો તે જ જાતના બંધાયેલા નવા કર્મની બંધાવલિકા ગયા પછી ઉદીરણા વડે તેનો ઉદય પણ થાય છે, આયુકર્મમાં એમ નથી. બંધાતું આયુ ભોગવાતાં આયુના એક પણ સ્થાનકને પુષ્ટ કરતું નથી, તેમ જ મનુષ્ય આયુ ભોગવતા સ્વજાતીય મનુષ્યાય બાંધે તો બંધાયેલા તે આયુને અન્ય મનુષ્ય જન્મમાં જઈને જ ભોગવે છે. અહીં તેના કોઈ પણ દલિકનો ઉદય કે ઉદીરણા થતી નથી. તેથી પણ આયુ સાથે અબાધાકાળ જોડ્યો નથી.
અંતર્મુહૂર્તના આયુવાનો મનુષ્ય અનુત્તરવિમાનનું તેત્રીસ સાગરોપમ પ્રમાણ આયુ બાંધી શકે નહિ. કારણ કે અનુત્તરવિમાનનું આયુ મુનિઓને પ્રમત્ત અપ્રમત્ત ગુણઠાણે બંધાય છે. તે ગુણસ્થાનક લગભગ નવ વરસની ઉંમરવાળાને જ પ્રાપ્ત થાય છે.