Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
४७४
પંચસંગ્રહ-૧ અંગ-ઉપાંગ આદિ સ્વશાસ્ત્રોમાં અને વ્યાકરણ, ન્યાય, પડ્રદર્શન આદિ અન્ય શાસ્ત્રોમાં પોતે સંપૂર્ણ કુશળ હોય, અનેક મુનિરાજો પ્રગ્નાદિ પૂછી સમાધાન મેળવતા હોય છતાં પણ પૂર્વના પૂર્વધર મહર્ષિઓની અપેક્ષાએ હું તો સૂર્ય આગળ ખજુઆ જેવો જ છું ઇત્યાદિ વિચારો દ્વારા લેશમાત્ર પણ અભિમાનજન્ય જ્ઞાનના આનંદને ન થવા દે, તે પ્રજ્ઞાપરિષહવિજય.
પોતાની બુદ્ધિ બહુ અલ્પ હોય, ઘણી મહેનત કરવા છતાં થોડું પણ ભણી ન શકે તેથી આ તો પશુ છે કંઈ પણ સમજતો નથી’ એ પ્રમાણે બીજાઓ કહેતા હોય છતાં ખેદ ન કરે તેમજ ભણવાના ઉદ્યમને પણ ન છોડે, પરંતુ મેં પૂર્વે ઘણું જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું છે કે જેના યોગે આટલી મહેનત કરવા છતાં પણ મને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ઈત્યાદિ વિચાર દ્વારા જરા પણ દીનતાને ધારણ ન કરે અને ભણવામાં વિશેષ ઉદ્યમ કરે તે અજ્ઞાનપરિષહવિજય.
અનેક સ્થળે દાતાઓ પાસે યાચના કરવા છતાં પોતાની જરૂરિયાત પ્રમાણે કલ્પનીય વસ્તુઓ મેળવી ન શકે છતાં અકલ્પિત વસ્તુઓને ગ્રહણ કરવાની ઈચ્છા પણ ન કરે, તેમજ " અલાભ એ પરમ તપ છે” એમ સમજી આવશ્યક વસ્તુઓ ન મળવા છતાં પણ ખેદને ધારણ ન કરે તે અલાભ પરિષહવિજય.
પોતાની ઇન્દ્રિયો દ્વારા બરાબર નિરીક્ષણ કરી જ્યાં સ્ત્રી, પશુ કે નપુંસકો ન રહેતાં હોય અને જ્યાં સ્વાધ્યાયાદિ સુખપૂર્વક થઈ શકે તેમ હોય તેવા એકાન્ત સ્થાને રહેવું સિંહાદિ હિંસક પશુઓનાં ભયંકર સ્થાનોમાં કાયોત્સર્ગાદિ કરતાં આવી પડતા ચારે પ્રકારના ઉપસર્ગોને સમજાવે સહન કરવા તે નિષઘા પરિષહ વિજય છે.
મહાન તપસ્વી તથા જ્ઞાની એવા પણ મુનિરાજ દીનતા અને ગ્લાનિ વિના વસ્ત્ર, પાત્ર, આહારાદિ આવશ્યક વસ્તુઓની યાચના કરતાં લઘુતાજન્ય અભિમાનને સહન કરે તે યાચનાપરિષહવિજય.
ક્રોધાનલને ઉપજાવનાર અનેક પ્રકારનાં આક્ષેપવચનો સાંભળે અને તેનો પ્રતીકાર કરવાની પોતાનામાં શક્તિ હોય છતાંય “ક્રોધ એ કર્મબંધનું કારણ છે' એમ સમજી પોતાના હૃદયમાં લેશમાત્ર પણ ક્રોધને અવકાશ ન આપતાં જે ક્ષમા ધારણ કરવી તે આક્રોશપરિષહવિજય.
વસતિમાં કે વિહારાદિમાં અરતિનાં નિમત્તા પ્રાપ્ત થાય તો પણ તેના કટ્ટવિપાકને યાદ કરી અરતિ ન થવા દે તે અરતિપરિષહવિજય.
એકાન્ત સ્થળે હાવભાવાદિથી યુક્ત અપ્સરા સમાન સ્ત્રીઓ કામબાણોને ફેકે અથવા ભોગની પ્રાર્થના કરે તોપણ “ભોગ એ દુર્ગતિનું કારણ છે. બહારથી મનોહર દેખાવા છતાં આ સ્ત્રીઓ મળ-મૂત્રાદિનો પિંડ જ છે' ઇત્યાદિ વિચાર દ્વારા મનમાં લેશમાત્ર પણ વિકાર ન થવા દે તે સ્ત્રીપરિષહવિજય છે.
અલ્પ મૂલ્યવાળાં, જીર્ણ અથવા લોકરૂઢિથી ભિન્ન રીતે નિર્મમત્વપણે માત્ર સંયમની રક્ષા માટે વસ્ત્રો ધારણ કરે, પરંતુ ઘણાં મૂલ્યવાળા અથવા લોકવ્યવહાર પ્રમાણે મમત્વથી કોઈપણ વસનો ઉપયોગ ન કરે તે અચલકપરિષહવિજય કહેવાય.