________________
પંચસંગ્રહ-૧
૩૫૮
ઉદયકાળે પ્રથમ સંઘયણીને અર્ધવાસુદેવ જેટલું અને અન્ય સંઘયણવાળાને પોતાના સ્વાભાવિક બળથી આઠગણું અથવા બે-ત્રણ ગણું બળ પ્રાપ્ત થાય છે.
અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરી તે તે વિપાકને બતાવનારી કર્મપ્રકૃતિઓને પણ નિદ્રા વગેરે શબ્દથી કહેલ છે.
દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એમ મોહનીય કર્મના મુખ્ય બે પ્રકાર છે.
જે કર્મના ઉદયથી જીવાદિક નવતત્ત્વો ઉપર હેય-ઉપાદેય રૂપે યથાર્થશ્રદ્ધા ન થાય અથવા શંકાદિનો સંભવ રહે તે દર્શન મોહનીય, તેના ૧. મિથ્યાત્વ ૨. મિશ્ર અને ૩. સમ્યકત્વ મોહનીય એમ ત્રણ પ્રકાર છે.
૧. જે કર્મના ઉદયથી સર્વજ્ઞકથિત જીવાદિતત્ત્વોમાં હેય-ઉપાદેય આદિ સ્વરૂપે યથાર્થ શ્રદ્ધા ન થાય તે મિથ્યાત્વ મોહનીય.
૨. જે કર્મના ઉદયથી સર્વજ્ઞકથિત જીવાદિતત્ત્વો ઉપર રાગ અને દ્વેષ પણ ન હોય તે મિશ્રમોહનીય.
૩. સર્વજ્ઞકથિત તત્ત્વો પ્રતિ થયેલ યથાર્થ શ્રદ્ધામાં જે કર્મના ઉદયથી શંકાદિ અતિચારોનો સંભવ થાય તે સમ્યક્ત્વ મોહનીય.
જે કર્મના ઉદયથી સર્વજ્ઞકથિત જીવાદિતત્ત્વોની હેય-ઉપાદેય આદિ સ્વરૂપે યથાર્થ શ્રદ્ધા હોવા છતાં હેય-ઉપાદેયાદિ રૂપે આચરણ ન કરી શકે તે ચારિત્રમોહનીય, તેના કષાય અને નોકષાય મોહનીય એમ મુખ્ય બે પ્રકાર છે.
જેની અંદર પ્રાણીઓ પરસ્પર પીડાય તે કષ=સંસાર. અને જીવ જેના વડે તે સંસારને પામે તે કષાય. તેના ૧. અનંતાનુબંધી, ૨. અપ્રત્યાખ્યાનીય, ૩. પ્રત્યાખ્યાનીય અને ૪. સંજ્વલન એ ચાર ભેદ છે અને તે દરેકના ૧. ક્રોધ, ૨. માન, ૩. માયા અને ૪. લોભ એમ ચાર-ચાર ભેદ હોવાથી કુલ સોળ ભેદો છે.
જીવ જેના વડે અનંત સંસારને પ્રાપ્ત કરે તે અનંતાનુબંધી, આનું બીજું નામ ‘સંયોજના’ છે. ત્યાં જીવને અનંત ભવો સાથે જોડે તે સંયોજના એવો અર્થ છે. આ કષાયના ઉદયથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું નથી, સમ્યગ્દષ્ટિને આ કષાયનો ઉદય થાય તો પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શન ચાલ્યું જાય છે. માટે આ કષાયો ચારિત્ર મોહનીયનો ભેદ હોવા છતાં યથાર્થ શ્રદ્ધાનો પણ ઘાત કરનાર હોવાથી આ ચાર કષાયો અને દર્શનત્રિક આ સાતને દર્શન સપ્તક કહેવામાં આવે છે. જે કર્મના ઉદયથી જીવ દેશવિરતિના પરિણામ રૂપ અલ્પ પણ પ્રત્યાખ્યાન ન કરી શકે તે અપ્રત્યાખ્યાનીય અથવા અપ્રત્યાખ્યાનાવરણીય, જ્યાં સુધી આ કષાયોનો ઉદય હોય ત્યાં સુધી આત્મા દેશવિરતિ પામી શકતો નથી.
જેના ઉદયથી જીવ ભાવચારિત્ર રૂપ સર્વવિરતિનો સ્વીકાર ન કરી શકે અથવા જેનો ઉદય થવાથી પ્રાપ્ત થયેલ ભાવચારિત્રનો પણ નાશ થાય તે પ્રત્યાખ્યાનીય અથવા પ્રત્યાખ્યાનાવરણ.