Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૨૮
પંચસંગ્રહ-૧
કષાયમાંથી કોઈપણ એક કષાય એમ ઓછામાં ઓછા પાંચ બંધહેતુઓ હોય છે.
અહીં વેદના સ્થાને ત્રણ યોગના સ્થાને અગિયાર, યુગલના સ્થાને બે અને કષાયના સ્થાને ચાર, ૪-૨-૧૧-૩ એ પ્રમાણે અંકો મૂકવા.
તેમાં પહેલાં વેદ સાથે યોગનો ગુણાકાર કરવો એટલે તેત્રીસ ૩૩ થાય. તેમાંથી અહીં સ્ત્રીવેદોદયે આહારક કાયયોગ નથી હોતો માટે એક ભાંગો ઓછો કરવો એટલે શેષ બત્રીસ ૩૨ રહે. તે બત્રીસ હાસ્યરતિના ઉદયવાળા અને બીજા બત્રીસ શોક અરતિના ઉદયવાળા હોવાથી બે યુગલ સાથે ગુણતાં ચોસઠ થાય તે ચોસઠ ક્રોધ કષાયી, બીજા ચોસઠ માન કષાયી. એ પ્રમાણે ત્રીજા અને ચોથા ચોસઠ ચોસઠ માયા અને લોભ કષાયી હોવાથી ચોસઠને ચાર કષાય સાથે ગુણતાં બસો છપ્પન ૨૫૬ થાય. આટલા અપ્રમત્ત સંયતે પાંચ બંધહેતુના ભાંગા થાય.
તે પાંચમાં ભય મેળવતાં છ થાય. ત્યાં પણ બસો છપ્પન ૨૫૬ ભાંગા જ થાય. અથવા જુગુપ્સા મેળવતાં પણ છ થાય તેના પણ તેટલા જ ૨૫૬ ભાંગા થાય. છ બંધહેતુના સઘળા મળી પાંચસો બાર ૫૧૨ ભાંગા થાય.
તથા તે પાંચમાં ભય અને જુગુપ્સા બંને મેળવતાં સાત હેતુ થાય. તેના પણ બસો છપ્પન ૨૫૬ ભાંગા થાય.
અપ્રમત્ત સંયત ગુણઠાણે સઘળા મળી એક હજાર અને ચોવીસ ૧૦૨૪ ભાંગા થાય. અપ્રમત્ત ગુણસ્થાનકના બંધહેતુ કહ્યા.
હવે અપૂર્વકરણ ગુણસ્થાનકના બંધહેતુઓ કહે છે–અપૂર્વકરણે યોગો નવ હોય છે, કારણ કે અહીં વૈક્રિય અને આહારક બે કાયયોગ પણ હોતા નથી.
અહીં જઘન્યપદે પાંચ બંધહેતુઓ હોય છે અને તે આ–ત્રણ વેદમાંથી કોઈ પણ એક વેદ, નવ યોગમાંથી કોઈપણ એક યોગ, બે યુગલમાંથી એક યુગલ, અને સંજવલન ચાર કષાયમાંથી કોઈપણ એક ક્રોધાદિ કષાય, આ પ્રમાણે પાંચ હેતુઓ હોય છે. •
અહીં વેદસ્થાને ત્રણ, યોગસ્થાને નવ, યુગલસ્થાને બે અને કષાયસ્થાને ચાર ૩-૯-૨૪ એ પ્રમાણે અંકો સ્થાપવા. તેમાં ત્રણ વેદ સાથે નવ યોગોને ગુણતાં સત્તાવીસ ૨૭ થાય. તેને બે યુગલ સાથે ગુણતાં ચોપન ૫૪ થાય અને ચાર કષાય સાથે ગુણતાં બસો અને સોળ ૨૧૬ થાય. અપૂર્વકરણે પાંચ બંધહેતુના તેટલા ભાંગા થાય.
તે પાંચમાં ભય મેળવતાં છ હેતુ થાય, તેના પણ બસો સોળ ભાંગા થાય. અથવા જુગુપ્સા મેળવતાં છ હેતુના પણ બસો સોળ ભાંગા થાય. છ હેતુના કુલ ચારસો બત્રીસ ૪૩૨ ભાંગા થાય.
તે પાંચમાં ભય જુગુપ્સા બંને મેળવતાં સાત બંધહેતુ થાય. તેના પણ બસો સોળ ભાંગા થાય.
સઘળા મળી અપૂર્વકરણ ગુણઠાણે આઠસો ચોસઠ ૮૬૪ ભાંગા થાય. આ રીતે અપૂર્વકરણના બંધહેતુના ભાંગા કહ્યા.