Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ચતુર્થદ્વાર
૪૩૫ મિથ્યાદષ્ટિ સંજ્ઞી અપર્યાપ્તાને જઘન્યપદે સોળ બંધહેતુઓ હોય છે, કારણ કે પૂર્વોક્ત પંદર હેતુમાં મિથ્યાત્વનો ઉદય વધે છે. અહીં યોગો પાંચ હોય છે. કેમકે પહેલાં કહ્યું છે કે – “સમ્યક્તી અથવા મિથ્યાત્વી સંજ્ઞી અપર્યાપ્તાને વૈક્રિય સહિત પાંચ યોગો હોય છે. માટે યોગના સ્થાને પાંચ મૂકવા. શેષ અંકસ્થાપના પૂર્વની જેમ જ કરવી, માત્ર અહીં મિથ્યાત્વનો ઉદય હોવાથી અને તે પણ એક અનાભોગિક મિથ્યાત્વ હોવાથી મિથ્યાત્વના સ્થાને એક મૂકવો. એટલે અંકસ્થાપના આ પ્રમાણે કરવી. ૪-૨-૫-૫-૩-૧-૧.
ગુણાકાર આ પ્રમાણે કરવો–ત્રણ વેદ સાથે પાંચ યોગોને ગુણતાં પંદર ૧૫ થાય. તેને પાંચ ઇન્દ્રિયની અવિરતિ સાથે ગુણતાં પંચોતેર ૭૫ થાય. તેને બે યુગલ સાથે ગુણતાં એકસો પચાસ ૧૫૦ થાય. અને તેને ચાર કષાય સાથે ગુણતાં છસો ૬૦૦ થાય. સંજ્ઞી અપર્યાપ્ત મિથ્યાદષ્ટિને સોળ બંધહેતુના તેટલા ભાંગા થાય.
તે સોળમાં ભય મેળવતાં સત્તર હેતુ થાય તેના પણ તેટલા જ ૬૦૦ ભાંગા થાય. અથવા જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ છસો ભાંગા થાય.
તથા ભય અને જુગુપ્સા બંને મેળવતાં અઢાર બંધહેતુ થાય. તેના પણ છસો ૬૦૦ ભાંગા થાય. ( સરવાળે સંજ્ઞી અપર્યાપ્ત મિથ્યાદષ્ટિના ચોવીસસો ૨૪૦૦ ભાંગા થાય અને ત્રણે ગુણસ્થાનકના સઘળા મળી ચોપનસો અને ચાળીસ ૫૪૪૦ ભાંગા થાય.
હવે અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયના બંધહેતુના ભાંગા કહે છે–અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તાને સાસ્વાદન ગુણઠાણે જઘન્યથી પંદર બંધહેતું હોય છે. તે આ પ્રમાણે–છ કાયનો વધ, પાંચ ઇન્દ્રિયની અવિરતિમાંથી કોઈ પણ એક ઇન્દ્રિયની અવિરતિ, બે યુગલમાંથી એક યુગલ, ત્રણ વેદમાંથી કોઈ પણ એક વેદ, અનંતાનુબંધી આદિ કષાયોમાંથી કોઈ પણ ક્રોધાદિ ચાર કષાય અને કાર્મણ તથા ઔદારિકમિશ્ર કાયયોગમાંથી એક યોગ. આ પ્રમાણે ઓછામાં ઓછા પંદર હેતુ હોય છે.
તેની અંક સ્થાપના ક્રમશઃ આ પ્રમાણે–છ કાયના વધના સ્થાને એક, ઇન્દ્રિયની અવિરતિના સ્થાને પાંચ, કષાયના સ્થાને ચાર, યુગલના સ્થાને બે, વેદના સ્થાને ત્રણ અને યોગના સ્થાને બે. ૧-૫-૪-૨-૩-૨ આ અંકોનો અનુક્રમે ગુણાકાર કરતાં પંદર બંધહેતુના બસો ચાળીસ ૨૪૦ ભાંગા થાય.
તે પંદરમાં ભય મેળવતાં સોળ બંધહેતુ થાય તેના પણ બસો ચાળીસ ૨૪૦ ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા મેળવતાં સોળ બંધહેતુના પણ બસો ચાળીસ ૨૪૦ ભાંગા થાય.
તથા ભય, જુગુપ્સા બંને મેળવતાં સત્તર બંધહેતુ થાય. તેના પણ બસો ચાળીસ ૨૪૦ ભાંગા થાય.
સઘળા મળી સાસ્વાદન ગુણસ્થાનકે વર્તમાન અસંજ્ઞી પંચેન્દ્રિયના બંધહેતુના નવસો અને સાઠ ૯૬૦ ભાંગા થાય.
મિથ્યાદષ્ટિ અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તાને મિથ્યાત્વમોહનો ઉદય વધવાથી જઘન્યપદે