Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયદ્વાર-સારસંગ્રહ
૩૬૩
- જેના ઉદયથી જીવનું શરીર શોભા યુક્ત થાય તે વર્ણનામકર્મ પાંચ પ્રકારે છે.
જે કર્મના ઉદયથી શરીરને વિષે સફેદ, પીળો, લાલ, લીલો અને કાળો વર્ણ થાય તે અનુક્રમે શ્વેત-પીત-રક્ત-નીલ તથા કૃષ્ણ વર્ણ નામકર્મ છે. ન્યાયદર્શનમાં ચિત્ર=રંગબેરંગી અને કપીશ=કાબરચીતરો એ બે વર્ણ વધુ બતાવેલ છે પરંતુ અહીં બતાવેલ પાંચ વર્ણોની યથાયોગ્ય મેળવણીથી જ આ બે તેમજ બીજા પણ અનેક રંગો થાય છે, માટે આ પાંચ જ બતાવેલ છે, બીજા બતાવેલ નથી.
જે કર્મના ઉદયથી શરીર ગંધયુક્ત થાય તે ગધનામકર્મ, તે બે પ્રકારે છે.
જેના ઉદયથી શરીર કસ્તુરી જેવું સુગંધી પ્રાપ્ત થાય તે સુરભિગંધ અને લસણ આદિ જેવું દુર્ગધવાળું પ્રાપ્ત થાય તે દુરભિગંધ નામકર્મ.
જે કર્મના ઉદયથી શરીર આસ્વાદવાળું થાય તે રસનામકર્મ પાંચ પ્રકારે છે.
જે કર્મના ઉદયથી જીવનું શરીર તીખાશ, કડવાશ, તુરાશ, ખટાશ અને મીઠાશવાળું થાય તે અનુક્રમે તિક્ત, કટુ, કષાય, આમ્સ અને મધુરરસ નામકર્મ છે.
- ન્યાયદર્શનમાં છઠ્ઠો ખારો રસ બતાવેલ છે, પરંતુ તે સર્વરસોમાં અંતર્ગત હોવાથી અહીં ભિન્ન બતાવેલ નથી.
જે કર્મના ઉદયથી જીવનું શરીર કઠોર-ભારે આદિ સ્પર્શવાળું થાય તે સ્પર્શનામકર્મ આઠ
પ્રકારે છે.
- જેના ઉદયથી જીવનું શરીર કઠોર, સુંવાળું, હલકું, ભારે, ચીકાશવાળું, લૂખું, શીત અને ઉષ્ણ સ્પર્શવાળું થાય તે અનુક્રમે કર્કશ, મૃદુ, લઘુ, ગુરુ, સ્નિગ્ધ, રુક્ષ, શીત અને ઉષ્ણસ્પર્શ નામકર્મ છે.
જે કર્મના ઉદયથી જીવને પરભવમાં જતાં આકાશપ્રદેશની શ્રેણિને અનુસાર કોણી, હળ ' અને ગોમૂત્રિકાના આકારે અનુક્રમે બે, ત્રણ અને ચાર સમય પ્રમાણ વળાંકવાળી ગતિ થાય તે આનુપૂર્વી નામકર્મ ચાર પ્રકારે છે.
જે કર્મના ઉદયથી નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવભવમાં જતાં આકાશપ્રદેશની શ્રેણિને અનુસારે વક્રતાવાળી જે ગતિ થાય તે અનુક્રમે નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી નામકર્મ છે.
જે કર્મના ઉદયથી આકાશ વડે જે ગતિ થાય તે વિહાયોગતિ નામકર્મ બે પ્રકારે છે, જો કે આકાશ સર્વત્ર વ્યાપ્ત હોવાથી આકાશ સિવાય ગતિનો સંભવ જ નથી. માટે વિહાયવિશેષણની જરૂર નથી, પરંતુ પિંડ પ્રકૃતિમાં પહેલી પ્રકૃતિ પણ ગતિનામકર્મ હોવાથી તેનાથી ભિન્નતા બતાવવા માટે વિહાયમ્ વિશેષણ આવશ્યક છે.
જે કર્મના ઉદયથી હાથી, બળદ અને હંસાદિ જેવી સુંદર ચાલ પ્રાપ્ત થાય તે શુભ * વિહાયોગતિ અને ઊંટ, ગધેડા ને પાડા આદિ જેવી ખરાબ ચાલ પ્રાપ્ત થાય તે અશુભવિહાયોગતિ નામકર્મ છે.