Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયદ્વાર-સારસંગ્રહ
થયા બાદ ઉદયાવલિકા ઉપરની અર્થાત્ બંધાવલિકા અને ઉદયાવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ પૂર્વે બંધાયેલ નરકાનુપૂર્વી આદિ પ્રકૃતિઓને બંધાતી મનુષ્યાનુપૂર્વી આદિની ઉદયાવલિકા ઉપર સંક્રમાવવાથી મનુષ્યાનુપૂર્વી, સૂક્ષ્મત્રિક, વિકલત્રિક અને દેવદ્વિકની સમયાધિક આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા થાય, આ જ રીતે જિનનામ અને આહા૨કદ્વિકની અન્ય પ્રકૃતિઓના સંક્રમથી અન્તઃ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય.
૩૮૧
દર્શનત્રિકની સત્તાવાળો કોઈક જીવ મિથ્યાત્વમોહનીયનો સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી મિથ્યાત્વે જ અંતર્મુહૂર્તકાળ પ્રમાણ રહી તરત ક્ષયોપશમ સમ્યક્ત્વ પામી અન્તર્મુહૂર્ત ન્યૂન ઉદયાવલિકા ઉપરની સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વમોહનીયને અનુદિત એવી મિશ્રમોહનીયમાં ઉદયાવલિકા ઉપર સંક્રમાવે ત્યારે મિશ્ર મોહનીયની સમયાધિક અન્તર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ સત્તા થાય.
આ રીતે આ સઘળી પ્રકૃતિઓ અનુદયકાળે સંક્રમથી ઉત્કૃષ્ટસ્થિતિસત્તાવાળી થતી હોવાથી અનુદયસંક્રમોત્કૃષ્ટા છે.
આયુષ્યનો પરસ્પર સંક્રમ ન હોવાથી મનુષ્ય-તિર્યંચાયુની મૂળકર્મ જેટલી ઉત્કૃષ્ટસ્થિતિ સત્તા થતી નથી અને દેવ-નરકાયુષની પોતાનો ઉદય ન હોય ત્યારે બંધથી મૂળકર્મ જેટલી તેત્રીસ સાગરોપમ પ્રમાણ સ્થિતિ બંધાય છે. તેથી આ બે આયુષ્ય અનુદય બંધોત્કૃષ્ટા કહી શકાય, પરંતુ અહીં કોઈ પ્રયોજન ન હોવાથી ચાર આયુષને આમાંની કોઈ સંજ્ઞા આપેલ નથી.
જે પ્રકૃતિઓ પોતાની સત્તાના પરમ સમય સુધી સ્વસ્વરૂપે ભોગવાય તે ઉદયવતી ચોત્રીસ પ્રકૃતિઓ છે તે આ પ્રમાણે—પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય, પાંચ અંતરાય આ ચૌદ પ્રકૃતિઓનો બારમા ગુણઠાણાના ચરમ સમય સુધી, ચાર આયુષનો પોતપોતાના ભવના ચરમ સમય સુધી બન્ને વેદનીય, ઉચ્ચ ગોત્ર, ત્રસત્રિક, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, સૌભાગ્ય, આદેયદ્વિક અને જિનનામ આ બારનો અયોગીના ચરમ સમય સુધી, સંજ્વલન લોભનો સૂક્ષ્મસંપરાયનાં ચરમ સમય સુધી, સમ્યક્ત્વ મોહનીયનો પોતાના ક્ષયના ચરમ સમય સુધી, સ્ત્રી અને નપુંસકવેદે શ્રેણિ માંડનારને પોતપોતાના ઉદયના ચરમ સમય સુધી અનુક્રમે સ્રીવેદ અને નપુંસકવેદનો સ્વરૂપે ઉદય અને સત્તા હોય છે.
પોતાની સ્વરૂપસત્તાના નાશના સમયે જે પ્રકૃતિઓ સ્તિબુકસંક્રમ દ્વારા સ્વજાતીય અન્ય પ્રકૃતિઓમાં સંક્રમ પામી પછીના સમયે અન્ય પ્રકૃતિરૂપે અનુભવાય તે નિદ્રાદિ શેષ ઇઠ્યાસી પ્રકૃતિઓ અનુદયવતી છે.
ચૌદમા ગુણસ્થાનકે એક જીવને બે વેદનીયમાંથી એકનો ઉદય હોય છે અનેં એકનો ઉદય હોતો નથી તેમજ પોતાથી ઇતર વેદોદયે શ્રેણિ માંડનારને નપુંસકવેદ અને સ્ત્રીવેદનો ઉદય નથી હોતો માટે આ ચારે પ્રકૃતિઓ અનુદયવતી પણ સંભવે છે, પરંતુ ભિન્ન ભિન્ન જીવોને આશ્રયીને ઉદયવતી પણ છે. માટે મુખ્ય ગુણનું અવલંબન કરી મહાપુરુષોએ ઉદયવતી કહેલ છે. ધ્રુવબંધી આદિ દરેક દ્વારમાં કેટલી અને કઈ કઈ પ્રકૃતિઓ હોય છે તે કોષ્ટકમાંથી જોઈ
લેવી.