________________
૩૯૬
* પંચસંગ્રહ-૧
રીતે આહાર, સ્વાદિષ્ટ ભોજન તેમજ વિષયસેવનથી તે કાળે ઉદયમાં આવેલ કર્મનો ક્ષય જરૂર થાય છે, પરંતુ સામાન્ય કોટિના સંસારી જીવો રાગ-દ્વેષયુક્ત હોવાથી આ પ્રસંગોમાં આસક્તિભાવ આવ્યા વિના રહેતો જ નથી, અને વિષયસેવનમાં તો આસક્તિભાવ ઉપરાંત અનેક જીવોની હિંસા પણ થાય છે.
તેથી તે કાળે ઉદયમાં આવેલ કર્મના ભોગવટાથી તે કર્મ જેટલું નષ્ટ થાય છે તેના કરતાં તેના નિમિત્તે પ્રદેશ તથા સ્થિતિની અપેક્ષાએ અસંખ્યાત ગુણ અને રસની અપેક્ષાએ ઘણું વધારે નવીન કર્મ અવશ્ય બંધાય છે. માટે જ શાસ્ત્રમાં તેવી ઈચ્છા વગેરેને નાબૂદ કરવા અને તે શક્ય ન હોય તોપણ છેવટે તે પદાર્થોના ભોગવટાથી દૂર રહેવા જણાવેલ છે અને તે બરાબર જ છે.
પ્રશ્ન-૪૧. બાંધેલ કર્મ ભોગવ્યા વિના દૂર થાય નહિ અને ઇચ્છાઓને નાબૂદ કરવાથી તથા ઇચ્છાઓ નાબૂદ ન થાય તો પણ તેવા પ્રસંગોથી દૂર રહેવાથી તે તે કર્મ ભોગવાઈને ક્ષય પામે નહિ પણ એમને એમ રહી જાય, તો શું કરવું ?
ઉત્તર–કર્મ નિકાચિત અને અનિકાચિત એમ બે પ્રકારે હોય છે, ત્યાં અનિકાચિત તથા અલ્પનિકાચિત સઘળાં કર્મ વિપાકોદયથી અવશ્ય ભોગવવાં જ પડે એવો નિયમ નથી, પરંતુ બાર પ્રકારના તપ રૂપ નિર્જરાના પરિણામથી અથવા તેવા પ્રકારના કોઈ વિશુદ્ધ અધ્યવસાયો દ્વારા તે તે કર્મનો ભોગવ્યા વિના પણ ક્ષય થઈ શકે છે. અને જે કર્મ ગાઢ નિકાચિત હોય છે, તે અવશ્ય વિપાકોદયથી ભોગવવું જ પડે છે. અને તેથી જ સ્વયંજ્ઞાની તથા અનાસક્ત હોવા છતાં તીર્થંકરાદિ જેવા મહાપુરુષોને પણ કર્મને વશ થવું પડે છે, પણ ત્રિજ્ઞાની તથા નિરાસક્તભાવવાળા હોવાથી તેવા મહાપુરુષોની વાત નિરાળી છે. જ્યારે આપણે તેવા જ્ઞાની કે નિરાસક્ત ભાવવાળા નથી એટલે નિકાચિત કર્મ જાણી શકતા નથી અને રાગ-દ્વેષ પામ્યા વિના પણ રહી શકતા નથી, માટે આપણે તેવા તેવા પ્રસંગોથી દૂર રહેવું અને તેવી ઇચ્છાઓને નાબૂદ કરવી એ જ શ્રેષ્ઠ ઉપાય છે.
પ્રશ્ન-૪૨. એક જીવને એક ભવમાં વધારેમાં વધારે કેટલા આયુષ્યની સત્તા હોય?
ઉત્તર–જ્યાં સુધી પરભવનું આયુષ્ય ન બાંધે ત્યાં સુધી એક અને અન્યગતિનું આયુષ્ય બાંધનારને આયુષ્યબંધના પ્રથમ સમયથી તે ભવ પર્યન્ત બે આયુષ્યની જ સત્તા હોય છે.
પ્રશ્ન-૪૩. એવા કયા જીવો છે કે જેઓને આખા ભવ સુધી એક જ આયુષ્યની સત્તા હોય ?
ઉત્તર–સઘળા તેઉકાય, વાઉકાય તેમજ આવતા ભવનું આયુષ્ય પણ વર્તમાન ગતિનું જ જેઓએ બાંધ્યું હોય તેવા મનુષ્ય તથા તિર્યંચો.
પ્રશ્ન-૪૪. એક ભવમાં આયુષ્ય એક જ વાર બંધાય કે તેમાં કંઈ અપવાદ છે ?
ઉત્તર–પ્રજ્ઞાપના સૂત્રમાં પોતાના આયુષ્યના બે ભાગ ગયા પછી જે આયુષ્યનો બંધ થયો તેનું તે આયુષ્ય તે ભવના બાકીના કાળમાં અનેક વાર બંધાય એમ બતાવી તેને આકર્ષો કહ્યા છે. પરંતુ કર્મગ્રંથાદિક ચાલુ ગ્રંથોમાં આખા ભવમાં આયુષ્ય એક જ વાર બંધાય એ હકીકત પ્રસિદ્ધ હોવાથી આઠમા પ્રશ્નના ઉત્તરમાં આયુષ્ય એક ભવમાં એક જ વાર બંધાય એમ બતાવેલ છે.