________________
પંચસંગ્રહ-૧
ટીકાનુ—તત્ત્વભૂત જીવાદિપદાર્થોની અશ્રદ્ધા રૂપ એટલે કે આત્માના સ્વરૂપના અયથાર્થ જ્ઞાનરૂપ મિથ્યાત્વ પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે—આભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક અને અનાભોગ.
૩૯૮
વંશપરંપરાથી પોતે જે ધર્મ માનતો આવ્યો છે તે જ ધર્મ સાચો છે, બીજા સાચા નથી એ પ્રમાણે બુદ્ધ, શૈવ આદિ અસત્ય ધર્મોમાંથી કોઈ પણ એક ધર્મને તત્ત્વબુદ્ધિએ ગ્રહણ કરવા વડે થયેલું મિથ્યાત્વ તે આભિગ્રહિક. આ મિથ્યાત્વના વશથી બોટિકાદિ-દિગંબરાદિ અસત્ય ધર્મોમાંથી કોઈપણ એક ધર્મ ગ્રહણ કરે છે, અને એને જ સત્ય માને છે. સત્યાસત્યની પરીક્ષા કરી શકતો નથી.
તેનાથી વિપરીત જે મિથ્યાત્વ તે અનાભિગ્રહિક. એટલે કે યથોક્ત સ્વરૂપવાળો અભિગ્રહ—કોઈ પણ એક ધર્મનું ગ્રહણ જેની અંદર ન હોય તે. આ મિથ્યાત્વના વશથી સઘળા ધર્મો સારા છે, કોઈ ખરાબ નથી. આ પ્રમાણે સાચા ખોટાની પરીક્ષા વિના કાચ અને મણિમાં ભેદ નહિ સમજનારની જેમ કંઈક' માધ્યસ્થવૃત્તિને ધારણ કરે છે.
સર્વજ્ઞ પ્રભુ શ્રી મહાવીરે કહેલ પદાર્થોને ઉખાડી નાખવારૂપ અનિવેશ વડે થયેલું જે મિથ્યાત્વ તે આભિનિવેશિક. આ મિથ્યાત્વના વશથી ગોઠામાહિલ આદિની જેમ સર્વજ્ઞે કહેલ પદાર્થોને ઉખાડી પોતાના માનેલા અર્થોને સ્થાપન કરે છે.
સંશય વડે થયેલું જે મિથ્યાત્વ તે સાંશયિક, જેના વશથી ભગવાન અરિહંતે કહેલ જીવાદિ તત્ત્વોમાં સંશય થાય છે. જેમ કે—હું નથી સમજી શકતો કે ભગવાન અરિહંતે કહેલ ધર્માસ્તિકાયાદિ સત્ય છે કે નહિ.
જેની અંદર વિશિષ્ટ વિચારશક્તિના અભાવે સત્યાસત્યનો વિચાર જ ન હોય તે અનાભોગ મિથ્યાત્વ. અને તે એકેન્દ્રિયાદિ જીવોને હોય છે. આ પ્રમાણે પાંચ મિથ્યાત્વનું સ્વરૂપ કહ્યું. ૨
હવે અવિરતિઆદિના બાર વગેરે ભેદો કહે છે—
छक्कायवहो मणइंदियाण अजमो असंजमो भणियो । इइ बारसहा सुगमा कसायजोगा य पुव्वुत्ता ॥३॥
૧. અહીં કંઈક માધ્યસ્થવૃત્તિ ધારણ કરે છે એમાં કંઈક મૂકવાનું કારણ એ કે વાસ્તવિક રીતે આ માધ્યસ્થ્યવૃત્તિ જ નથી. સાચા ખોટાની પરીક્ષા કરી સાચાનો સ્વીકાર કરી ખોટા અન્ય ધર્મો પર દ્વેષ ન રાખવો તે વાસ્તવિક માધ્યમસ્થવૃત્તિ છે. અહીં તો બધા ધર્મો સરખા માન્યા એટલે ઉપરથી માધ્યસ્થતા દેખાઈ એટલું જ માત્ર. ગોળ અને ખોળ સરખા માનવાથી કંઈ માધ્યસ્થતા કહેવાતી નથી.
૨. અહીં એકેન્દ્રિયાદિને અનાભોગ મિથ્યાત્વ કહ્યું છે. પરંતુ આ જ દ્વારની આ ગાથાની તથા પાંચમી ગાથાની સ્વોપજ્ઞ ટીકામાં સંશી-પંચેન્દ્રિય પર્યાપ્ત સિવાયના જીવોને અનાભિગ્રહિક મિથ્યાત્વ કહેલ છે અને આ જ ગાથાની સ્વોપજ્ઞ ટીકામાં “આગમનો અભ્યાસ ન કરવો એટલે કે અજ્ઞાન જ સારું છે.” એવો અનાભોગ મિથ્યાત્વનો અર્થ કરેલ છે.