________________
ચતુર્થદ્વાર
षट्कायवधो मनइन्द्रियाणामयमोऽसंयमो भणितः । इति द्वादशधा सुगमाः कषाययोगास्तु पूर्वोक्ताः ॥३॥
અર્થ—છકાયનો વધ અને મન તથા પાંચ ઇન્દ્રિયોનો અસંયમ એમ બાર પ્રકારે અવિરતિ કહી છે. અને પૂર્વે કહેલા કષાય તથા યોગો સુગમ છે.
૩૯૯
ટીકાનુ—પૃથ્વી, અપ્, તેઉ, વાઉ, વનસ્પતિ અને ત્રસ એ પ્રકારે છ કાયની હિંસા કરવી તથા પોતપોતાના વિષયમાં યથેચ્છપણે પ્રવર્ત્તતી મન અને શ્રોત્ર આદિ પાંચ ઇન્દ્રિયોને કાબૂમાં ન રાખવી. એ પ્રમાણે તીર્થંકરો અને ગણધરોએ બાર પ્રકારે અવિરતિ કહી છે. એમ કહીને કર્તા જણાવે છે કે અમે અમારી બુદ્ધિથી કહી નથી. તે બારે પ્રકારે અસંયમ સુગમ છે, એક એક પદની વ્યાખ્યા ન કરવામાં આવે તોપણ સુખપૂર્વક સમજી શકાય તેમ છે, માટે એક એક પદની વ્યાખ્યા કરી નથી.
કષાયના પચીસ ભેદોનું તથા યોગના પંદર ભેદોનું સવિસ્તર વર્ણન પહેલા કર્યું છે, માટે ફરી અહીં કહેતા નથી. ત્યાંથી જ જોઈ લેવું. ૩
આ પ્રમાણે મિથ્યાત્વાદિના અવાંતર ભેદો કહ્યા. હવે મિથ્યાત્વાદિ મૂળ ભેદોને ગુણસ્થાનકોમાં કહેવા ઇચ્છતાં કહે છે—
चउपच्चइओ मिच्छे तिपच्चओ मीससासणाविरए । दुगपच्चओ पमत्ता उवसंता जोगपच्चइओ ॥४॥
चतुष्प्रत्ययको मिथ्यात्वे त्रिकप्रत्ययिकः मिश्रसासादनाविरते । द्विकप्रत्ययिकः प्रमत्तात् उपशान्तात् योगप्रत्ययिकः ॥४॥
અર્થ—મિથ્યાત્વે ચારે હેતુવાળો મિશ્ર, સાસાદન, અવિરતિમાં ત્રણ હેતુવાળો, પ્રમત્ત ગુણસ્થાનકથી બે હેતુવાળો અને ઉપશાંતમોહ ગુણસ્થાનકથી માત્ર યોગ નિમિત્તક બંધ થાય છે.
ટીકાનુ—મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનકે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ ચારે હેતુ વડે કર્મનો બંધ થાય છે. કારણ કે મિથ્યાત્વ ગુણઠાણે ચારે બંધહેતુઓ છે.
સાસાદન, મિશ્ર અને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણઠાણે અવિરતિ, કષાય અને યોગરૂપ ત્રણ હેતુ વડે બંધ થાય છે. આ ગુણસ્થાનકોમાં મિથ્યાત્વ બંધહેતુ રૂપે નથી. કારણે કે મિથ્યાત્વનો ઉદય પહેલે જ ગુણઠાણે છે.
દેશવિરતિ ગુણઠાણે કંઈક ન્યૂન ત્રણ હેતુદ્વારા કર્મબંધ થાય છે. કારણ કે અહીં ત્રસની અવિરતિ હોતી નથી. જો કે સર્વથા ત્રસકાયની અવિરતિથી શ્રાવક વિરમ્યો નથી છતાં હિંસા ન થાય તેમ ઉપયોગપૂર્વક પ્રવર્તતો હોવાથી છે છતાં વિવક્ષી નથી. આ ગુણસ્થાનકે કંઈક ન્યૂન ત્રણ હેતુ વડે કર્મબંધ થાય છે તે ગાથામાં કહ્યું નથી, છતાં સામર્થ્યથી જ ગણાય છે. કારણ કે પૂરા ત્રણ હેતુ ન કહ્યા તેમ બે હેતુ પણ ન કહ્યા એટલે સમજાય છે કે ત્રણથી ન્યૂન અને બેથી વધારે - બંધહેતુઓ છે.