________________
તૃતીયદ્વાર-સારસંગ્રહ
૩૭૫
ચારિત્ર અને આદિ શબ્દથી મત્યાદિજ્ઞાનો, સમ્યક્ત, ચક્ષુઆદિ દર્શનો અને દાનાદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.
અહીં પ્રથમ આત્માના મુખ્ય ગુણ જ્ઞાનાદિનું ગ્રહણ ન કરતાં ચારિત્રાદિ ગુણોનું ગ્રહણ કર્યું છે તે ચારિત્રગુણની હાજરીમાં જ્ઞાનાદિગુણો અવશ્ય હોય તેમ જણાવવા માટે છે.
સાયિકભાવથી કેવલજ્ઞાનાદિ નવગુણો પ્રગટ થાય છે.
પ્રશ્ન-સિદ્ધોમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ગુણો તો હોય પણ સમ્યક્તાદિ સાતા ગુણો શી રીતે હોય ?
ઉત્તર–સિદ્ધોને પોતે જ જિન હોવાથી જિનોક્તતત્ત્વની રુચિરૂપ સમ્યગ્દર્શન હોતું નથી, પરંતુ દર્શન સપ્તકના ક્ષયથી પ્રગટ આત્મિકગુણ રૂપ સમ્યગ્દર્શન અને યોગોનો અભાવ હોવાથી શુભયોગોની પ્રવૃત્તિ અને અશુભયોગોની નિવૃત્તિરૂપ ચારિત્ર હોતું નથી પરંતુ સંપૂર્ણ મોહનીય કર્મના ક્ષયથી પ્રગટ થયેલ આત્મગુણોમાં રમણતા અને સ્થિરતા રૂપ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર હોય છે તે જ પ્રમાણે તેઓને શરીર અને કર્મબંધાદિના અભાવે વ્યવહારિક દાનાદિને વિષે પ્રવૃત્તિ હોતી નથી પરંતુ પરભાવ રૂપ પુદ્ગલ દાનના ત્યાગ સ્વરૂપ અને રાગદ્વેષાદિક ભાવના ત્યાગસ્વરૂપ દાન, આત્મિક શુદ્ધ સ્વરૂપ-જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિરૂપ લાભ, આત્માના સ્વાભાવિક સુખ અને જ્ઞાનાદિગુણોના અનુભવરૂપ ભોગ-ઉપભોગ અને સ્વભાવમાં પ્રવૃત્તિરૂપ વીર્ય એમ નૈૠયિક દાનાદિ પાંચ લબ્ધિઓ અવશ્ય હોય છે. આ રીતે સમ્યક્તાદિ સાત ગુણ પણ ઘટી શકે છે અન્યથા તેમાંના કેટલાક ઘટે છે, કેટલાક નથી પણ ઘટતા, અપેક્ષા વિશેષ માટે જુઓ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા પ્રકાશિત નવતત્ત્વ પ્રકરણ ગા. ૪૯, પૃ. ૧૭૨-૧૭૩.
ઔદયિકભાવથી અજ્ઞાની, સંસારી આદિ તે તે ભાવોનો વ્યપદેશ થાય છે.
પારિણામિક ભાવથી કર્મપરમાણુઓ આત્મપ્રદેશો સાથે પાણી અને દૂધની જેમ મિશ્રિત થાય છે અથવા કર્મસ્વરૂપે રહેવા છતાં સ્થિતિ ક્ષયાદિથી અથવા સંક્રમાદિ દ્વારા અન્ય સ્વરૂપે થાય છે.
| ઉપશમભાવ મોહનીય કર્મનો જ થાય છે, ક્ષયોપશમભાવ ચાર ઘાતિકર્મનો જ અને શેષ ત્રણ ભાવો આઠે કર્મના થાય છે એટલે કે મોહનીયમાં પાંચ અને શેષ ત્રણ ઘાતકર્મમાં ઉપશમ વિના ચાર અને ચાર અઘાતી કર્મમાં ક્ષાયિક-ઔદયિક અને પરિણામિક આ ત્રણ ભાવો હોય છે.
અહીં ઉપશમથી સર્વોપશમ સમજવાનો છે.
આઠે મૂળ કર્મમાં તથા અનંતાનુબંધિ વિના ધ્રુવસત્તાવાળી ૧૨૬ ઉત્તર પ્રવૃતિઓમાં અભવ્ય તથા જાતિભવ્ય જીવો આશ્રયી અનાદિ અનંત અને ભવ્યજીવો આશ્રયી અનાદિ સાન્ત આ બે પરિણામિક ભાવના ભાંગા ઘટે છે અને અનંતાનુબંધિમાં ઉપરોક્ત બે ભાંગા ઉપરાંત ઉદ્ધલના કરી બંધ દ્વારા ફરીથી સત્તા પ્રાપ્ત કરનાર જીવોને સાદિ સાન્ત એમ કુલ ત્રણ અને અધ્રુવસત્તાવાળી અઠ્યાવીસે પ્રકૃતિઓમાં માત્ર સાદિ સાન્ત રૂપ એક જ પરિણામિક ભાંગો ઘટે છે.