________________
તૃતીયદ્વાર-સારસંગ્રહ
૩૬૫
ભિન્ન ભિન્ન હોય છે છતાં તેવા પ્રકારના વિચિત્ર રાગદ્વેષના પરિણામથી બંધાયેલ પ્રત્યેક નામકર્મના ઉદયથી તે બધાં શરીરો એવી રીતે પરસ્પર એકાકાર શરીરવાળા બની ગયાં હોય છે કે જેથી તે એક અખંડ શરીર રૂપે લાગે છે. પરંતુ વાસ્તવિક રીતે તે દરેક જીવોનું શરીર ભિન્ન ભિન્ન હોય છે અને તેથી જ તે પ્રત્યેક શરીર નામકર્મના ઉદયવાળાં જ શાસ્ત્રમાં કહ્યાં છે.
જેના ઉદયથી દાંત-હાડકાં આદિ અવયવોમાં સ્થિરતા થાય તે સ્થિર નામકર્મ. જેના ઉદયથી નાભિની ઉપરના અવયવો શુભ થાય તે શુભનામકર્મ.
જેના ઉદયથી જીવનો સ્વર મધુર અને સાંભળનારને પ્રીતિનું કારણ બને તે સુસ્વરનામકર્મ.
જેના ઉદયથી જીવ સર્વને પ્રિય લાગે તે સૌભાગ્યનામકર્મ. જેના ઉદયથી વ્યક્તિનું વચન આદર કરવા યોગ્ય થાય તે આદેયનામકર્મ.
જેના ઉદયથી જીવ યશઃ અને કીર્તિ પામે અથવા યશઃ વડે જે ખ્યાતિ મેળવે તે યશઃ કીર્તિનામકર્મ.
સર્વ દિશાઓમાં પ્રસરનાર પરાક્રમથી ઉત્પન્ન થયેલ અને સર્વ મનુષ્યો વડે પ્રશંસનીય જે ખ્યાતિ તે યશ-એક દિશામાં પ્રસરનારી, દાનપુણ્યથી ઉત્પન્ન થયેલ જે ખ્યાતિ તે કીર્તિ કહેવાય છે.
જેના ઉદયથી જીવ ઇચ્છાનુસાર ગતિ ન કરી શકે અથવા ગતિ જ ન કરી શકે તે સ્થાવર નામકર્મ.
જેના ઉદયથી જીવનો તેવો સૂક્ષ્મ પરિણામ થાય કે અસંખ્ય શરીરો એકત્ર થવા છતાં દૃષ્ટિગોચર ન થઈ શકે તે સૂક્ષ્મનામકર્મ.
જેના ઉદયથી જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના જ મરે તે અપર્યાપ્ત નામકર્મ. • જેના ઉદયથી અનંતજીવો વચ્ચે એક જ ઔદારિકશરીર મળે અને આહાર-શ્વાસોચ્છવ્વાસ આદિ સઘળા જીવોને સાધારણ સમાન હોય તે સાધારણ નામકર્મ.
પ્રશ્ન–પ્રથમ ઉત્પન્ન થયેલ જીવ પોતાના સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત થઈને રહે છે તેથી પછી તેમાં બીજા અનંત જીવો કેમ રહી શકે ? અને બીજા અનંત જીવો કદાચ રહી શકે એમ માની લઈએ તોપણ જે જીવે પ્રથમ તે શરીર ઉત્પન્ન કરીને પરસ્પર જોડાવા વડે પોતાનું કર્યું છે તે જીવ જ તે શરીરમાં મુખ્ય છે માટે તેના સંબંધે જ પર્યાપ્ત અવસ્થા, પ્રાણાપાનાદિ યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ વગેરે હોઈ શકે પરંતુ અન્ય જીવોના સંબંધે તે હોઈ શકે નહિ અને સાધારણમાં તો અનંતા જીવોની પ્રાણાપાનાદિ વ્યવસ્થા એક જ પ્રકારે હોય છે તો અનંતા જીવોને એક શરીર શી રીતે હોય?
ઉત્તર તથા પ્રકારના સાધારણ નામકર્મના ઉદયથી અનંતા જીવો એક સાથે જ ઉત્પન્ન થાય છે અને તે જ શરીરમાં રહીને પર્યાપ્તિઓ કરવાનો આરંભ, આહાર અને પ્રાણાપાનાદિ યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ આદિ શરીર સંબંધી સર્વ ક્રિયાઓ એક જ સાથે કરે છે, માટે કોઈ દોષ