________________
પંચસંગ્રહ-૧
૨૯૪
એવા જ પ્રકારના પ્રબળ રાગ-દ્વેષરૂપ હેતુ વડે બાંધેલા તથાપ્રકારના પ્રત્યેક નામકર્મનાં પુદ્ગલોના ઉદયથી તે સઘળા જીવોનું શરીર ભિન્ન ભિન્ન હોય છે છતાં પરસ્પર વિમિશ્ર એકાકાર શરીરવાળા થાય છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે—શ્લેષ દ્રવ્યથી મિશ્ર થયેલા ઘણા સરસવોની બનાવેલી વાટ જેમ એકાકાર જણાય છે તેમ પ્રત્યેક શરીરી જીવોના શરીરનો સંઘાત એકાકાર જણાય છે. અથવા ઘણા તલમાં તેને મિશ્ર કરનાર ગોળ વગેરે નાખી તેની તલપાપડી કરવામાં આવે તે જેમ એકાકાર—દરેક તલ તેમાં ભિન્ન હોવા છતાં એક પિંડરૂપ જણાય છે તેમ વિચિત્ર પ્રત્યેક નામકર્મના ઉદયથી મૂળ આદિ દરેકને ભિન્ન ભિન્ન શરીર હોવા છતાં એકાકાર જણાય છે. તેમાંની બંને ગાથાનો અક્ષરાર્થ આ પ્રમાણે છે—જેમ કોઈ સંયોજક દ્રવ્યથી ઘણા સરસવોની વાળેલી વર્તિ-વાટ, અથવા સંયોજક દ્રવ્યથી ઘણા તલ વડે વિમિશ્ર થયેલી જેમ તલપાપડી થાય છે તેમ પ્રત્યેક શરીરી જીવોનાં શરીર સંઘાત-શરીરના પિંડો થાય છે.
તાત્પર્યાર્થ આ પ્રમાણે—જેમ તે વર્તિ-વાટમાં સઘળા સરસવો પરસ્પર ભિન્ન છે, એકાકાર નથી. કેમ કે તેઓ સઘળા આપણને ભિન્ન ભિન્ન જણાય છે, એકાકાર જણાતા જ નથી. અહીં ઘણા સરસવો ગ્રહણ કરવાનું એ જ કારણ છે કે તેઓ પરસ્પર એકાકાર નથી એમ સ્પષ્ટપણે જણાય. એ પ્રમાણે વૃક્ષાદિમાં પણ મૂળ આદિ દરેક અવયવોમાં અસંખ્યાતા જીવો હોય છે છતાં તે સઘળા પરસ્પર ભિન્ન ભિન્ન શરીરવાળા છે. અસંખ્યાતા જીવ વચ્ચે એક શરીરવાળા છે એમ નથી. અને જેમ તે સરસવો સંયોજક દ્રવ્યના સંબંધના માહાત્મ્યથી પરસ્પર મિશ્ર થયેલા છે, તેમ મૂળ આદિમાં રહેલા પ્રત્યેક શરીરી જીવો પણ તથાપ્રકારના પ્રત્યેક નામકર્મના ઉદયથી પરસ્પર સંહત-એકાકારરૂપે થયેલા છે.
જે કર્મના ઉદયથી અનંત જીવો વચ્ચે એક શરીર પ્રાપ્ત થાય તે સાધારણ નામકર્મ,
પ્રશ્ન—અનંત જીવો વચ્ચે એક શરીર કેમ ઉત્પન્ન થાય ? ન થવું જોઈએ. કારણ કે જે જીવ પહેલો ઉત્પન્ન થયો તેણે તે શરીર બનાવ્યું, અને તેની સાથે પરસ્પર જોડાવા વડે સંપૂર્ણપણે પોતાનું કર્યું. તેથી તે શરીરમાં પ્રથમ ઉત્પન્ન થયેલા જીવનો જ અવકાશ હોવો જોઈએ, અન્ય જીવોનો અવકાશ કેમ હોઈ શકે ? દેવદત્તના શરીરમાં જેમ દેવદત્તનો જીવ પોતાના સંપૂર્ણ શરીર સાથે સંબંધ ધરાવે છે તેમ બીજા જીવો તેના સંપૂર્ણ શરીર સાથે કંઈ સંબંધ ધરાવતા ઉત્પન્ન થતા નથી, કારણ કે તેમ દેખાતું નથી. વળી કદાચ અન્ય જીવોને ઉત્પન્ન થવાનો અવકાશ હોય છતાં પણ જે જીવે તે શરીર ઉત્પન્ન કરીને પરસ્પર જોડાવા વડે પોતાનું કર્યું તે જીવ જ તે શરીરમાં મુખ્ય છે, માટે તેના સંબંધે જ પર્યાપ્ત અપર્યાપ્ત વ્યવસ્થા, પ્રાણાપાનાદિ યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ વગેરે હોવું જોઈએ, પરંતુ અન્ય જીવોના સંબંધે તે કંઈ હોવું જોઈએ નહિ. સાધારણમાં તો તેમ નથી. કારણ કે તેમાં પ્રાણાપાનાદિ વ્યવસ્થા જે એકની તે અનંતાની અને જે અનંતાની તે એકની હોય છે. તો તે કઈ રીતે હોઈ શકે ?
ઉત્તર——ઉપર જે કહ્યું તે જિનવચનના જ્ઞાનનો અભાવ હોવાથી યોગ્ય નથી. કારણ કે સાધારણ નામકર્મના ઉદયવાળા અનંતા જીવો તથાપ્રકારના કર્મોદયના સામર્થ્યથી એક સાથે જ ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત થાય છે, એક સાથે જ તે શરીરનો આશ્રય લઈ પર્યાપ્તિઓ કરવાનો આરંભ કરે છે, એક સાથે જ પર્યાપ્તા થાય છે, એક સાથે જ પ્રાણાપાનાદિ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે