Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયદ્વાર
ટીકાનુ—નરકાનુપૂર્વી આદિ ચારે આનુપૂર્વીઓ ક્ષેત્રવિપાકી છે.
એક ગતિમાંથી બીજી ગતિમાં જવામાં હેતુભૂત આકાશ માર્ગ રૂપ ક્ષેત્રમાં જ કર્મપ્રકૃતિઓ પોતાના ફળનો અનુભવ કરાવતી હોય તે ક્ષેત્રવિપાકી કહેવાય.
૩૧૩
આ ચારે પ્રકૃતિઓ પૂર્વ ગતિમાંથી નીકળી અન્ય ગતિમાં જતાં વચમાં જ ઉદયમાં આવે છે, શેષ કાલે બિલકુલ ઉદયમાં આવતી નથી, માટે તે ક્ષેત્રવિપાકી છે. અહીં ક્ષેત્ર એક ભવમાંથી બીજા ભવમાં જતાં આકાશપ્રદેશની શ્રેણિરૂપ જ લેવાનું છે.
હવે જીવવિપાકી પ્રકૃતિઓ કહે છે— जीवविवागा उ सेसाओ ।
जीवविपाकिन्यस्तु शेषाः ॥२४॥
અર્થ—શેષ પ્રકૃતિઓ જીવવિપાકી છે.
ટીકાનુ—એકસો વીસ પ્રકૃતિઓ આશ્રયી બાકી રહેલી છોત્તેર કર્મપ્રકૃતિઓ જીવવિપાકી છે.
જીવનાં જ્ઞાનાદિ રૂપ સ્વરૂપને ઉપઘાતાદિ કરવા રૂપ વિષાક જેઓનો હોય તે જીવવિપાકી. એટલે કે જે પ્રકૃતિઓ પોતાના ફળનો અનુભવ જીવના જ્ઞાનાદિ ગુણને ઉપઘાતાદિ કરવા દ્વારા સાક્ષાત્ જીવને જ કરાવતી હોય; પછી શરીર હોય કે ન હોય, તેમજ ભવ કે ક્ષેત્ર ગમે તે હોય, તે જીવવિપાકી કહેવાય છે.
જેમ કે જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિઓ જ્ઞાનાદિ આત્માના ગુણને દબાવવારૂપ ફળનો અનુભવ શરીર હોય કે ન હોય તેમજ ભવ કે ક્ષેત્ર ગમે તે હોય સઘળે સ્થળે કરાવે છે. તે પ્રકૃતિઓ આ પ્રમાણે છે—
જ્ઞાનાવરણ પંચક, દર્શનાવરણ નવક, સાતા અસાતા વેદનીય, સમ્યક્ત્વ મોહનીય અને મિશ્રમોહનીય સિવાયની શેષ મોહનીયની છવ્વીસ, અંતરાય પંચક, નરકગતિ આદિ ચાર ગતિ, એકેન્દ્રિય જાતિ આદિ પાંચ જાતિ, બે વિહાયોગતિ, ત્રસ બાદર પર્યાપ્ત એ ત્રસત્રિક તેનાથી વિપરીત સ્થાવર સૂક્ષ્મ અને અપર્યાપ્ત એ સ્થાવરત્રિક, સુસ્વર, દુસ્વર, દૌર્ભાગ્ય, સૌભાગ્ય, આદેય, અનાદેય, યશઃકીર્ત્તિ, અયશઃ-કીર્ત્તિ, તીર્થંકરનામ, ઉચ્છ્વાસનામ, નીચ ગોત્ર અને ઉચ્ચ ગોત્ર આ સઘળી પ્રકૃતિઓ પોતાની શક્તિનો અનુભવ સાક્ષાત્ જીવને જ કરાવે છે. તે આ પ્રમાણે—
જ્ઞાનાવરણ પંચક જીવના જ્ઞાનગુણને હણે છે, એ પ્રમાણે દર્શનાવરણ નવક દર્શનગુણને, મિથ્યાત્વમોહનીય સમ્યક્ત્વને, ચારિત્રમોહનીય ચારિત્રગુણને, દાનાંતરાયાદિ પાંચ પ્રકૃતિઓ દાનાદિ લબ્ધિઓને હણે છે. સાતા અસાતા વેદનીય સુખદુઃખ ઉત્પન્ન કરે છે, જેને લઈ આત્મા સુખી કે દુ:ખી કહેવાય છે, અને ગતિચતુષ્કાદિ પ્રકૃતિઓ જીવનો ગતિ જાતિ આદિ પર્યાય ઉત્પન્ન કરે છે એટલે સઘળી જીવવિપાકી કહેવાય છે.
શંકા—ભવિપાકાદિ સઘળી પ્રકૃતિઓ પણ પરમાર્થથી વિચારતાં જીવવિપાકી જ છે. કારણ કે ચારે આયુ પોતપોતાને યોગ્ય ભવમાં તે તે ભવધારણ કરવારૂપ વિપાક દેખાડે છે, અને પંચ૰૧-૪૦