________________
તૃતીયદ્વાર
૩૪૯
• ટીકાનુ—જે કર્મ પ્રકૃતિઓનો ઉદય હોય અથવા ન હોય છતાં બંધ વડે કે અન્ય પ્રકૃતિઓનાં દલિકોના સંક્રમ વડે ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા થાય તે પ્રકૃતિઓ તેને અનુરૂપ સંજ્ઞાવાળી સમજવી. તે આ પ્રમાણે—
જે કર્મ પ્રકૃતિઓનો વિપાકોદય હોય ત્યારે બંધ વડે મૂળકર્મની જેટલી સ્થિતિ છે તેટલી સ્થિતિ બંધાય તે ઉદય બંધોત્કૃષ્ટ એટલે મૂળકર્મનો જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે, તેટલો સ્થિતિબંધ જે ઉત્તર પ્રકૃતિઓનો બંધાતી વખતે થતો હોય તે. હવે જે જે પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે જ ઉત્કૃષ્ટ બંધ થતો હોય તે ઉદય બંધોત્કૃષ્ટ. જેમ કે-મતિજ્ઞાનાવરણીય કર્મ.
જેઓનો ઉદય ન હોય ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતો હોય તે અનુદય બંધોત્કૃષ્ટ જેમ કે પાંચ નિદ્રા.
તથા પોતાના મૂળકર્મનો જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય તેટલો સ્થિતિબંધ જે કર્મપ્રકૃતિઓનો બંધાતી વખતે ન થતો હોય પરંતુ સ્વજાતીય પ્રકૃતિઓનાં દલિકોના સંક્રમ વડે થતો હોય તે સંક્રમોત્કૃષ્ટ કહેવાય. તેમાં જ્યારે ઉદય હોય ત્યારે જે પ્રકૃતિઓને અન્ય સ્વજાતીય દલિકોના સંક્રમ વડે ઉત્કૃષ્ટ સ્થિતિનો લાભ થાય તે ઉદય સંક્રમોત્કૃષ્ટ જેમ કે-સાતાવેદનીય.
ઉદય ન હોય ત્યારે સંક્રમ વડે ઉત્કૃષ્ટ સ્થિતિનો લાભ થાય તે અનુદયસંક્રમોત્કૃષ્ટ કહેવાય. જેમ કે દેવગતિ નામકર્મ.
તેમાં અનાનુપૂર્વીએ પણ કહી શકાય છે, એ જણાવવા પહેલાં ઉદય સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓ કહે છે.
मणुगइ सायं सम्मं थिरहासाइछ्वेयसुभगई । रिसह चउरंसगाईपणुच्चं उदसंकमुक्ोसा ॥ ६२ ॥
मनुष्यगतिः सातं सम्यक्त्वं स्थिरहास्यादिषट्कवेदशुभखगतयः । ऋषभचतुरस्त्रादिपञ्चोच्चं उदयसंक्रमोत्कृष्टाः ॥६२॥
અર્થમનુષ્યગતિ, સાતાવેદનીય, સમ્યકત્વમોહનીય, સ્થિર ષટ્ક, હાસ્યાદિ ષટ્ક, ત્રણ વેદ, શુભ વિહાયોગતિ, વજ્રઋષભનારાચાદિ પાંચ સંઘયણ, સમચતુરસાદિ પાંચ સંસ્થાન અને ઉચ્ચ ગોત્ર એ ઉદય સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓ છે.
૧. શાસ્ત્રોમાં (૧) પૂર્વાનુપૂર્વી, (૨) પશ્ચાનુપૂર્વી અને (૩) અનાનુપૂર્વી એમ ત્રણ પ્રકારે પદાર્થોનું વર્ણન આવે છે.
(૧) જે પદાર્થનું જે ક્રમે નિરૂપણ કરવામાં આવ્યું હોય તે જ ક્રમે એકેક પદાર્થનું સ્વરૂપ બતાવવું તે પૂર્વાનુપૂર્વી. (૨) જે પદાર્થનું જે ક્રમે નિરૂપણ કરવામાં આવ્યું હોય તેથી તદ્દન ઊલટા ક્રમે એટલે કે છેલ્લેથી પહેલા સુધી એકેક પદાર્થનું સ્વરૂપ બતાવવું તે પશ્ચાનુપૂર્વી. (૩) જે પદાર્થનું જે ક્રમે નિરૂપણ કરવામાં આવ્યું હોય તે પદાર્થનું ઉપર જણાવેલ બંને ક્રમો વિના આડુંઅવળું સ્વરૂપ બતાવવું તે અનાનુપૂર્વી કહેવાય છે.
અહીં મૂળ ગાથામાં જણાવેલ ચાર પદાર્થોમાંથી પ્રથમ ત્રીજાનું, પછી ચોથાનું, બીજાનું અને પહેલાનું વર્ણન કરવામાં આવ્યું છે. માટે આ વર્ણન અનાનુપૂર્વીએ કર્યું છે તેમ કહેવાય છે.