________________
૩૦૮
પંચસંગ્રહ-૧
હવે ઉપરોક્ત પ્રકૃતિઓમાં સર્વઘાતિપણે શા હેતુથી છે? એ પ્રશ્નનો અવકાશ જાણીને તેની પ્રરૂપણા માટે કહે છે–
सम्मत्तनाणदंसणचरित्तघाइत्तणाउ घाईओ । तस्सेस देसघाइत्तणाउ पुण देसघाइओ ॥१८॥
सम्यक्त्वज्ञानदर्शनचारित्रघातित्वात् घातिन्यः ।
तच्छेषाः देशघातित्वात् पुनः देशघातिन्यः ॥१८॥ અર્થ સમ્યક્ત, જ્ઞાન, દર્શન અને ચારિત્રનો સર્વથા ઘાત કરતી હોવાથી કેવળજ્ઞાનાવરણીયાદિ વીસ પ્રકૃતિઓ સર્વઘાતિ છે, અને શેષ પ્રકૃતિઓ જ્ઞાનાદિગુણના દેશનો ઘાત કરતી હોવાથી દેશઘાતિ છે.
ટીકાનુ–ઉક્ત સ્વરૂપવાળી કેવળજ્ઞાનાવરણીયાદિ વીસ પ્રકૃતિઓ યથાયોગ્ય રીતે પોતાનાથી જે ગુણનો ઘાત થઈ શકે તે જ્ઞાન, દર્શન, સમ્યક્ત અને ચારિત્ર ગુણનો સંપૂર્ણપણે ઘાત કરે છે. તે આ પ્રમાણે–
મિથ્યાત્વ અને અનંતાનુબંધિ સમ્યક્તનો સર્વથા ઘાત કરે છે. કારણ કે તેનો જ્યાં સુધી ઉદય હોય ત્યાં સુધી કોઈ સમ્યક્ત પ્રાપ્ત થતું નથી. કેવળજ્ઞાનાવરણીય અને કેવળદર્શનાવરણીય અનુક્રમે કેવળજ્ઞાન અને કેવળદર્શનને સંપૂર્ણપણે દબાવે છે, પાંચે નિદ્રાઓ દર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત દર્શનલબ્ધિને સર્વથા દબાવે છે. અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયો અનુક્રમે દેશવિરતિ અને સર્વવિરતિ રૂપ ચારિત્રનો સર્વથા ઘાત કરે છે. આ પ્રમાણે આ સઘળી પ્રવૃતિઓ સમ્યક્તાદિ ગુણોનો સર્વથા ઘાત કરતી હોવાથી સર્વઘાતિ કહેવાય છે.
ઉક્ત સર્વઘાતિ વીસ પ્રકૃતિઓ સિવાયની ચાર ઘાતિકર્મની મતિજ્ઞાનાવરણીયાદિ પચીસ પ્રકૃતિઓ જ્ઞાનાદિગુણના એક દેશને ઘાત કરતી હોવાથી દેશઘાતિ કહેવાય છે. ઉપર જે કહ્યું તેનું તાત્પર્ય આ પ્રમાણે—
અહીં જો કે કેવળજ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનસ્વરૂપ આત્મગુણને સંપૂર્ણપણે દબાવવાની પ્રવૃત્તિ કરે છે તોપણ જીવસ્વભાવને સંપૂર્ણપણે દબાવવા તે સમર્થ થતું નથી. જો સંપૂર્ણપણે દબાવે તો જીવ અજીવ થઈ જાય, અને જડ અને ચૈતન્ય વચ્ચેના ભેદનો અભાવ થાય. જેમ અતિગાઢ વાદળાંના સમૂહ વડે સૂર્ય-ચંદ્રનાં કિરણોનો સમૂહ દબાવા છતાં પણ સર્વથા તેનો પ્રકાશ અવરાઈ શકતો નથી. જો સર્વથા અવરાઈ જાય તો પ્રતિપ્રાણિ પ્રસિદ્ધ દિવસ-રાત્રિના વિભાગના અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય. કહ્યું છે કે–ગાઢ મેઘનો ઉદય થવા છતાં પણ ચંદ્રસૂર્યનો કંઈક પ્રકાશ હોય છે, તેમ કેવળજ્ઞાનાવરણીય કર્મ વડે સંપૂર્ણપણે કેવળજ્ઞાન અવરાવા છતાં પણ જે કંઈ તત્સંબંધી મંદ તીવ્ર અતિતીવ્ર પ્રકાશરૂપ જ્ઞાનનો એક દેશ ઉઘાડો રહે છે જેને મતિજ્ઞાનાદિ સંજ્ઞા પ્રાપ્ત થાય છે, તે એક દેશને યથાયોગ્ય રીતે મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યાયજ્ઞાનાવરણીયકર્મ દબાવતું હોવાથી તે દેશઘાતિ કહેવાય છે.