________________
પંચસંગ્રહ-૧
(૪) અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક—સર્વજ્ઞ પરમાત્માએ કહેલ જીવાદિક નવતત્ત્વોમાં હેય-ઉપાદેયપણા વડે કરીને સંપૂર્ણ શ્રદ્ધા હોવા છતાં અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી પાપ-વ્યાપારના ત્યાગરૂપ અંશમાત્ર પણ વિરતિ સ્વીકારી શકે નહિ તે અવિરતિ સમ્યગ્દષ્ટિ. એવા જીવોનું જે ગુણસ્થાનક તે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક. અહીંથી સાતમા ગુણસ્થાનક સુધી ક્ષાયિક, ઔપશમિક અને ક્ષાયોપશમિક એ ત્રણમાંથી કોઈપણ પ્રકારનું સમ્યક્ત્વ હોય છે.
८८
(૫) દેશવિરતિ ગુણસ્થાનક—જ્યાં શૂલપ્રાણાતિપાત વિરમણ આદિ એક વ્રતથી આરંભી યાવત્ સંવાસાનુમતિ સિવાય પાપ-વ્યાપારનો ત્યાગ હોય તે દેશવિરતિ ગુણસ્થાનક.
અહીં તરતમભાવે અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો હોય છે. તેમજ ચતુર્થ ગુણસ્થાનક કરતાં અહીં ગુણનો પ્રકર્ષ અને દોષનો અપકર્ષ તથા છઠ્ઠા ગુણસ્થાનકની અપેક્ષાએ ગુણનો અપકર્ષ અને દોષનો પ્રકર્ષ હોય છે, એમ અન્ય ગુણસ્થાનકોમાં પૂર્વ અને ઉત્તર ગુણસ્થાનકોની અપેક્ષાએ ગુણ અને દોષના પ્રકર્ષ-અપકર્ષની વિચારણા સમજી લેવી.
આ ગુણસ્થાનકે રહેલ આત્મા સર્વવિરતિ ચારિત્રને ગ્રહણ કરવાની પૂર્ણ ઇચ્છાવાળો હોવા છતાં પ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી ગ્રહણ કરી શકતો નથી.
(૬) પ્રમત્ત સંયત ગુણસ્થાનક—સાચી શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક સંપૂર્ણ પાપ-વ્યાપારનો ત્યાગ કરેલ આત્મા તે સંયત, અને સંયત હોવા છતાં પાંચ પ્રકારના પ્રમાદમાંથી યથાસંભવ એકાદ પ્રમાદ જેને હોય તેવા આત્માનું જે ગુણસ્થાનક તે—પ્રમત્તસંયત ગુણસ્થાનક.
(૭) અપ્રમત્તસંયત ગુણસ્થાનક—પ્રમાદરહિત સંયતનું જે ગુણસ્થાનક તે અપ્રમત્તસંયત ગુણસ્થાનક. જો કે અહીં પણ મંદ પ્રકારના સંજ્વલન કષાયો, નવ નોકષાયો તેમજ નિદ્રા, પ્રચલા આદિનો ઉદય સંભવે છે તેથી સર્વથા અપ્રમત્તપણું તો નથી જ, પરંતુ તે અત્યંત અલ્પ પ્રમાણમાં હોવાથી તેની વિવક્ષા કરી નથી.
છઠ્ઠું-સાતમું આ બંને ગુણસ્થાનકો પ્રત્યેક અંતર્મુહૂર્તો કર્યા કરે છે.
આ ગુણસ્થાને અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ વિશુદ્ધિસ્થાનો હોય છે અને ઉત્તરોત્તર નવા નવા વિશુદ્ધ અધ્યવસાયોને પ્રાપ્ત કરતા મુનિરાજો અનેક પ્રકારની લબ્ધિઓ, કોષ્ઠાદિક બુદ્ધિઓ અને શ્રુતજ્ઞાનરૂપી સમુદ્રનો પાર પામે છે.
(૮) અપૂર્વકરણ ગુણસ્થાનક—સ્થિતિઘાતાદિક પાંચ પદાર્થો જ્યાં અપૂર્વપણે કરે તે અપૂર્વકરણ ગુણસ્થાનક. અહીં સમકાળે પ્રવેશ કરેલ જીવોને એક સમયમાં પણ પરસ્પર અધ્યવસાયોનો તફાવત હોય છે તેથી નિવૃત્તિકરણ એવું પણ નામ છે.
આ ગુણસ્થાનક સંસારચક્રમાં કેવળ શ્રેણી ચઢવાની અપેક્ષાએ પાંચ વાર અને પતનની પણ અપેક્ષા લઈએ તો ઉત્કૃષ્ટથી નવ વાર પ્રાપ્ત થાય છે. એટલે સ્થિતિઘાતાદિક પાંચ પદાર્થો સર્વથા અપૂર્વ કરે છે એમ કહી શકાય નહિ પરંતુ કોઈક વાર અથવા બહુ અલ્પ વાર પ્રાપ્ત થનાર વસ્તુને જેમ અપૂર્વ કહેવાય છે તેમ અહીં પણ સમજવું.