Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
ટીકાનુ—કાળ આશ્રયી વિચારતાં મિથ્યાર્દષ્ટિ ત્રણ પ્રકારે હોય છે. તે આ પ્રમાણે— અનાદિ અનંત, અનાદિ સાંત અને સાદિ સાંત.
૧૭૨
તેમાં અભવ્ય આશ્રયી અને જેઓ કોઈ દિવસ મોક્ષમાં જવાના નથી એવા ભવ્ય આશ્રયી અનાદિ અનંત સ્થિતિકાળ છે. કારણ કે તેઓ અનાદિ કાળથી આરંભી આગામી સંપૂર્ણકાળ પર્યંત મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનકે જ રહેશે, આગળ વધશે નહિ.
જે ભવ્ય અનાદિકાળથી મિથ્યાદષ્ટિ છે, પરંતુ ભવિષ્યમાં અવશ્ય સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે તે મિથ્યાદષ્ટિ આશ્રયી અનાદિ સાંત કાળ છે.
તથા જે જીવ તથાભવ્યત્વના પરિપાકના વશથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને કોઈ કારણ વડે સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વને અનુભવે છે, તે કાળાંતરે અવશ્ય સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે, તેથી તેવા મિથ્યાદષ્ટિ આશ્રયી સાદિસાંત કાળ ઘટે છે. કેમ કે ઉપરોક્ત આત્માએ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી ત્યાંથી પડી મિથ્યાત્વ ગુણસ્થાનક પ્રાપ્ત કર્યું માટે સાદિ, વળી કાળાંતરે અવશ્ય સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે ત્યારે મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનકનો અંત થશે માટે સાંત
સાદિસાંત કાળવાળો આ મિથ્યાદૅષ્ટિ જઘન્યથી અંતર્મુહૂર્ત હોય છે. કારણ કે સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વે આવી ફરી અંતર્મુહૂર્ત કાળે જ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. અને ઉત્કૃષ્ટથી કિંચિત્ ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ પર્યંત હોય છે. કારણ કે સમ્યક્ત્વથી પડેલો આત્મા વધારેમાં વધારે દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તનના અંતે અવશ્ય સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે.
આ કારણથી જ મિથ્યાદષ્ટિનો સાદિઅનંતકાળ હોતો નથી. કારણ કે મિથ્યાત્વ ગુણસ્થાનકનું જ્યારે સાદિપણું થાય, ત્યારે ઉત્કૃષ્ટથી કિંચિદ્ ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્તનના અંતે અવશ્ય સમ્યક્ત્વ પ્રાપ્ત કરી મિથ્યાત્વનો અંત કરે છે, અનંતકાળ પર્યંત મિથ્યાત્વમાં રહેતો નથી. ૩૬
ઉપરોક્ત ગાથામાં દેશોનપુદ્ગલપરાવર્તીદ્ધે કહ્યું છે. તેથી અહીં શંકા થાય કે પુદ્ગલપરાવર્તન એટલે શું ? એ શંકા દૂર કરવા પુદ્ગલપરાવર્તનનું સ્વરૂપ કહે છે— पोग्गलपरियट्टो इह दव्वाइ चउव्विहो मुणेयव्वो । एक्केको पुण दुविहो बायरसुहुमत्तभेएणं ॥३७॥
पुद्गलपरावर्त्त इह द्रव्यादेश्चतुर्विधो ज्ञातव्यः । एकैकः पुनः द्विविधः बादरसूक्ष्मत्वभेदेन ॥३७॥
અર્થ—અહીં પુદ્ગલપરાવર્તન દ્રવ્યાદિ ભેદે ચા૨ પ્રકારે જાણવો તથા એક એક બાદર અને સૂક્ષ્મના ભેદે બબ્બે પ્રકારે જાણવો.
ટીકાનુ—નિગ્રંથ પ્રવચનમાં પુદ્ગલપરાવર્તન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવના ભેદે ચાર પ્રકારે કહેલ છે. તે આ પ્રમાણે—૧. દ્રવ્ય પુદ્ગલ પરાવર્તન, ૨. ક્ષેત્ર પુદ્ગલપરાવર્તન, ૩. કાળ પુદ્ગલપરાવર્તન, ૪. અને ભાવ પુદ્ગલપરાવર્તન.