________________
૨૪૨
પંચસંગ્રહ-૧
ઘનીતલોકના એક પ્રતરના બસો છપ્પન અંગુલ સૂચિશ્રેણિ પ્રમાણ જેટલા ખંડો થાય તેટલા કુલ જ્યોતિષ દેવો છે.
દરેક નિકાયમાં દેવો કરતાં દેવીઓ બત્રીસગુણી અને બત્રીસ અધિક છે.
અંગુલપ્રમાણ સૂચિશ્રેણિમાં રહેલ આકાશપ્રદેશોના બીજા અને ત્રીજા વર્ગ મૂળનો ગુણાકાર કરવાથી જે અસંખ્યાત સંખ્યા આવે તે અસંખ્ય સંખ્યા પ્રમાણ સાતરાજની સૂચિ શ્રેણિઓના આકાશપ્રદેશ પ્રમાણ પહેલા–બીજા દેવલોકના દેવો છે. ત્યાં બીજા દેવલોકના દેવોથી પહેલા દેવલોકના દેવો સંખ્યાતગુણા છે.
સનકુમારથી સહસ્ત્રાર સુધીના દરેક કલ્પના દેવો સાતરાજની એક શ્રેણિના અસંખ્યાતમાં ભાગે રહેલ આકાશપ્રદેશ પ્રમાણ અસંખ્ય છે. પણ ત્રીજાથી ઉપર ઉપરના કલ્પમાં દેવો અનુક્રમે અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે.
આજતકલ્પથી અનુત્તર સુધીના દરેક દેવો ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય આકાશપ્રદેશ પ્રમાણ છે અને ઉપર-ઉપરના અનુક્રમે સંખ્યાતગુણ હીન-હીન છે, પરંતુ સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં સંખ્યાતા જ હોય છે.
ઉપર-ઉપરના કલ્પોમાં વિમાનોની સંખ્યા ન્યૂન ન્યૂન હોવાથી અને અધિકાધિક દાનાદિક પુણ્ય કરનારા જીવો જગતમાં અલ્પ હોવાથી અને તેવા જીવો ઉત્તરોત્તર ઉપર-ઉપરના દેવોમાં ઉત્પન્ન થતા હોવાથી ઉપર-ઉપરના દેવો હીન-હીન હોય છે.
અંગુલ પ્રમાણ સૂચિશ્રેણિમાં રહેલ પ્રદેશરાશિના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં જે સંખ્યા આવે તે સંખ્યા પ્રમાણ અસંખ્યાતી સાતરાજની શ્રેણિઓના જેટલા આકાશપ્રદેશો છે તેટલા વૈક્રિયલબ્ધિસંપન્ન પર્યાપ્ત સંજ્ઞી-પંચેન્દ્રિય તિર્યંચો છે.
ગર્ભજ અને સંમૂચ્છિમ એમ મનુષ્યો બે પ્રકારે છે. વળી પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ગર્ભજ મનુષ્ય બે પ્રકારે છે. ત્યાં અપર્યાપ્ત ગર્ભજ અને અપર્યાપ્ત સંમૂચ્છિમ મનુષ્યો ક્યારેક જગતમાં હોય છે અને ક્યારેક નથી પણ હોતા. તેથી તે બંને પ્રકારના મનુષ્યો જ્યારે ન હોય ત્યારે પણ જઘન્યથી પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો પાંચમા અને છઠ્ઠા વર્ગનો ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે તેટલા અર્થાત ૨૯ અંક પ્રમાણ છે. અથવા ત્રીજા યમલપદથી ઉપરની અને ચોથા યમલપદની નીચેની સંખ્યા પ્રમાણ છે, અથવા એકની સંખ્યાને અનુક્રમે છ— વાર દ્વિગુણ દ્વિગુણ કરતાં જે સંખ્યા આવે તેટલા છે, એટલે કે મનુષ્યોની ૨૯ અંકની જે જઘન્ય સંખ્યા છે તેને છ— વાર અર્થે અર્ધી કરતાં એકની સંખ્યા આવે.
વિવક્ષિત સંખ્યાને તે જ સંખ્યા સાથે ગુણતાં જે સંખ્યા આવે તે વર્ગ કહેવાય છે, એકને એકે ગુણતાં એક જ આવે માટે તેને વર્ગ કહેવાય નહિ, બેને બેએ ગુણતાં ચાર થાય માટે ચાર એ પ્રથમ વર્ગ કહેવાય.
બે બે વર્ગની સંખ્યાને એક યમલપદ કહેવાય છે. તેથી છ વર્ગની સંખ્યા ત્રણ યમલપદવાળી અને આઠ વર્ગની સંખ્યા ચાર યમલપદવાળી કહેવાય, પણ અહીં છઠ્ઠા વર્ગનો પાંચમા વર્ગ સાથે ગુણાકાર કરેલ હોવાથી ત્રણ યમલપદ ઉપરની સંખ્યા કહી છે.