________________
૨૭૮
પંચસંગ્રહ-૧
અસાત વેદનીય એમ બે ભેદે વેદનીય કર્મ છે અને નીચ ગોત્ર—ઉચ્ચ ગોત્ર એમ બે પ્રકારે ગોત્રકર્મ છે.
વિવેચન—મોહનીય કર્મ બે પ્રકારે છે : ૧. દર્શનમોહનીય ૨. ચારિત્રમોહનીય. તેમાં ચારિત્રમોહનીયની વધારે પ્રકૃતિઓ હોવાથી અને તેના સંબંધમાં ઘણું કહેવાનું હોવાથી પહેલાં તેનું સ્વરૂપ બતાવે છે—સોળ કષાય અને નવ નોકષાય એમ બે ભેદે ચારિત્ર મોહનીય કર્મ છે.
તેમાં જેને લઈ આત્માઓ સંસારમાં રખડે તે કષાય. તેના ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર ભેદ છે. વળી તે દરેકના તીવ્ર મંદાદિ ભેદે અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય, અને સંજ્વલન એમ ચાર ચાર ભેદ થાય છે. અનંતાનુબંધિ કષાય એ અતિ તીવ્ર છે અને અન્ય કષાયો અનુક્રમે મંદ મંદ છે.
તેમાં અનંત સંસારની પરંપરા વધારનારા જે કષાયો તે અનંતાનુબંધિ કષાય કહેવાય છે. તીવ્ર રાગ દ્વેષથી-ક્રોધાદિથી આત્મા અનંત સંસારમાં રખડે છે. તેથી આદિનાં કષાયોની અનંતાનુબંધિ એવી સંજ્ઞા યોજેલી છે.’
આ જ કષાયોનું સંયોજના એવું બીજું નામ છે. તેનો અન્વર્થ આ પ્રમાણે—જે વડે આત્માઓ અનંત ભવો—જન્મો સાથે જોડાય એટલે કે જેને લઈ જીવો અનંત જન્મપર્યંત રખડે તે સંયોજના કહેવાય છે. કહ્યું છે કે—જે કષાયો જીવને અનંત સંખ્યાવાળા ભવો સાથે જોડે તે સંયોજના, અનંતાનુબંધિ પણ તે જ કહેવાય છે.' આ કષાયનો ઉદય હોય ત્યાં સુધી સમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી.
જે કર્મના ઉદયથી અલ્પ પણ પ્રત્યાખ્યાનન્ત્યાગ દશા પ્રાપ્ત ન થાય, પ્રૌદ્ગલિક પદાર્થો
૧. દર્શન એટલે સમ્યક્ત્વ, શ્રદ્ધા, રુચિ, વસ્તુસ્વરૂપનું—આત્મસ્વરૂપનું યથાર્થ જ્ઞાન. એ આત્માનો મહાન્ ગુણ છે જેને લઈ અઢાર દોષરહિત શુદ્ધ દેવ, પંચમહાવ્રતધારી શુદ્ધ સાધુ, અને દયામૂળ ધર્મ પર રુચિ થાય છે. આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે, અને અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રયુક્ત આત્મા તે અને જ્ઞાનાદિ ગુણો તે મારા. શરીર તે હું નહિ અને દ્રવ્યાદિ વસ્તુઓ તે મારી નહિ, એ પ્રમાણે ભેદ જ્ઞાન થાય છે. તથા આત્માને હિતકારી કાર્યમાં રુચિપૂર્વક પ્રવૃત્તિ થાય છે અને અહિતકારી કાર્યમાં પૂર્વકર્મના ઉદયથી કદાચ પ્રવૃત્તિ થાય તોપણ પશ્ચાત્તાપપૂર્ણ હૃદયે પ્રવૃત્તિ થાય છે. તેને આવરનારું દર્શન મોહનીય કર્મ છે, તેના અનંતાનુબંધી અને મિથ્યાત્વ મોહનીય એ બે ભેદ છે. તેમાં અનંતાનુબંધિ સંસાર તરફ તીવ્ર આસક્તિ ઉત્પન્ન કરે છે અને મિથ્યાત્વ મોહનીય આત્માના સ્વરૂપના યથાર્થ ભાનથી વિકલ કરે છે.
૨. સર્વજ્ઞ પરમાત્મા મહાવીરના વચન પર યથાર્થ શ્રદ્ધા રાખી તે વચનોને બરાબર સમજી તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી, વિભાવ દશામાંથી છૂટી સ્વભાવ-સ્વરૂપમાં આવવું, તે ચારિત્ર કહેવાય છે તેને આવરનારું ચારિત્ર મોહનીય કર્મ છે. તેનાથી આત્માની સ્વરૂપાનુયાયી દશા થતી નથી. મોહનીયકર્મ આત્માના શ્રદ્ધા અને ચારિત્ર એ બે મહાન્ ગુણને રોકે છે. અહીં એટલું સમજવાનું કે જ્ઞાન ગુણ દ્વારા જાણપણું થાય છે. પરંતુ તેમાં યથાર્થતા-યથાર્થ જ્ઞાન તો સમ્યક્ત્વ હોય તો જ આવે છે.
૩. ક્રોધ, અરુચિ, દ્વેષ અને ક્ષમાનો અભાવ એ ક્રોધના પર્યાયો છે. માન, મદ, અભિમાન, અને નમ્રતાનો અભાવ એ માનના પર્યાયો છે. માયા, કપટ, બહાર અને અંદરની ભિન્નતા અને અસરળતા એ માયાના પર્યાયો છે, તથા લોભ, તૃષ્ણા, વૃદ્ધિ, આસક્તિ અને અસંતોષ એ લોભના પર્યાયો છે.