Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૮૨
પંચસંગ્રહ-૧
અનુરૂપ કર્મોનો ઉપભોગ થવામાં હેતુ છે. આ પ્રમાણે આયુકર્મના ઉત્તર ભેદો કહ્યા. હવે અલ્પ વક્તવ્ય હોવાથી વેદનીય અને ગોત્રકર્મની ઉત્તર પ્રકૃતિઓ કહે છે.
વેદનીયકર્મની બે ઉત્તર પ્રકૃતિઓ છે તે આ પ્રમાણે—૧. સાતા વેદનીય, અને ૨. અસાતા વેદનીય.
જે કર્મના ઉદયથી આરોગ્ય અને વિષયોપભોગાદિ ઇષ્ટ સાધનો દ્વારા ઉત્પન્ન થયેલ આહ્લાદરૂપ સુખનો અનુભવ કરે તે સાતાવેદનીય.
જે કર્મના ઉદયથી માંદગી આદિ અનિષ્ટ સાધનો દ્વારા ઉત્પન્ન થયેલ ખેદરૂપ દુઃખનો અનુભવ કરે તે અસાતાવેદનીય.
ગોત્રકર્મની પણ બે ઉત્તર પ્રકૃતિઓ છે તે આ—૧. ઉઐર્ગોત્ર, અને ૨. નીચૈર્ગોત્ર.
તેમાં જે કર્મના ઉદયથી ઉત્તમ જાતિ, કુળ, બળ, તપ, ઐશ્વર્ય, શ્રુત સત્કાર, ' અભ્યુત્થાન—સામું જવું, આસનપ્રદાન, અંજલિ પ્રગ્રહ-હાથ જોડવા આદિનો સંભવ હોય તે ઉચ્ચ ગોત્ર.
જે કર્મના ઉદયથી જ્ઞાનાદિ યુક્ત હોવા છતાં પણ નિંદા પ્રાપ્ત કરે અને હીન જાતિ, કુળ આદિનો સંભવ હોય તે નીચ ગોત્ર કહેવાય છે.
ઊંચ ગોત્રના ઉદયથી ઊંચ કુળ ઊંચ જાતિમાં જન્મ ધારણ કરે છે તેને લઈ તપ ઐશ્વર્ય આદિ પ્રાયઃ સુલભ થાય છે અને નીચ ગોત્રના ઉદયથી નીચ કુળ નીચ જાતિમાં જન્મ ધારણ કરે છે જેને લઈ તપ ઐશ્વર્ય આદિ લગભગ દુર્લભ થાય છે. આ પ્રમાણે વેદનીય અને ગોત્રકર્મની ઉત્તર પ્રકૃતિઓ કહી. ૫
હવે ગોત્રકર્મની સમાન સ્થિતિવાળું હોવાથી તેની પછી નામકર્મની પ્રકૃતિઓનું નિરૂપણ કરે છે. તે બે ભેદે છે ઃ ૧. પિંડપ્રકૃતિ અને ૨. પ્રત્યેકપ્રકૃતિ તેમાં પહેલાં પિંડપ્રકૃતિઓ બતાવે છે.
गइजाइसरीरंगं बंधण संघायणं च संघयणं । संठाणवन्नगंधरसफासअणुपुव्विविहगई ॥६॥
गतिजातिशरीराङ्गोपाङ्ग बन्धनं संघातनं च संहननम् । संस्थानवर्णगंधरसस्पर्शानुपूर्वीविहायोगतयः ॥ ६ ॥
અર્થગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, સંઘાતન, સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી અને વિહાયોગતિ, એ ચૌદ પિંડપ્રકૃતિઓ છે.
વિવેચન—આ ગાથામાં ચૌદ પિંડપ્રકૃતિઓ બતાવે છે. જેના અનેક ભેદો થઈ શકતા હોય તે પિંડપ્રકૃતિ કહેવાય છે. તે આ પ્રમાણે—