Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
કહે છે.
ત્રીજું બંધવ્ય દ્વાર
આ પ્રમાણે બંધક પ્રરૂપણા નામનું બીજું દ્વાર કહ્યું. હવે બંધવ્ય પ્રરૂપણા નામનું ત્રીજું દ્વાર
બાંધનાર ચૌદ ભેદવાળા જીવોને બાંધવા યોગ્ય શું છે ? કોનો બંધ કરે છે ? તેનો વિચાર આ દ્વારમાં ક૨શે. બાંધવા યોગ્ય—કર્મના મૂળ અને ઉત્તર ભેદો કહેવાનો આરંભ કરતાં પહેલાં મૂળ ભેદો બતાવે છે. કેમ કે મૂળ ભેદોનું યથાર્થ જ્ઞાન થાય તો ઉત્તર ભેદો સુખપૂર્વક જાણી શકાય છે. તે મૂળ ભેદો આ પ્રમાણે—
नाणस्स दंसणस्स य आवरणं वेयणीय मोहणीयं । आउ य नामं गोयं तहंतरायं च पयडीओ ॥१॥
ज्ञानस्य दर्शनस्य चावरणं वेदनीयं मोहनीयम् । आयुश्च नाम गोत्रं तथान्तरायं च प्रकृतयः ॥१॥
અર્થ—જ્ઞાન અને દર્શનનું આવરણ-જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ:, નામ, ગોત્ર, તથા અંતરાય એ આઠ કર્મના મૂળ ભેદો છે.
ટીકાનુ—જે વડે વસ્તુનું જ્ઞાન થાય એટલે કે નામ જાતિ ગુણ ક્રિયા આદિ સહિત વિશેષ બોધ જે વડે થાય તે જ્ઞાન.
જે વડે દેખાય એટલે કે નામ જાતિ આદિ વિના સામાન્ય બોધ જે વડે થાય તે દર્શન. કહ્યું છે કે—
નામ જાતિ આદિરૂપ જે આકાર-વિશેષ બોધ તે વિના પદાર્થોનું જે સામાન્ય જ્ઞાન થાય તેને સિદ્ધાંતમાં દર્શન કહ્યું છે.'
જે વડે આચ્છાદન થાય—દબાય તે આવરણ કહેવાય છે, એટલે કે—મિથ્યાત્વાદિ હેતુઓનું જેમાં પ્રાધાન્ય છે એવા જીવવ્યાપાર દ્વારા ગ્રહણ કરાયેલી કાર્મણ વર્ગણાની અંદરનો જે વિશિષ્ટ પુદ્ગલ સમૂહ તે આવરણ કહેવાય છે. તેમાં જ્ઞાનને આચ્છાદન કરનાર જે પુદ્ગલ સમૂહ તે જ્ઞાનાવરણ, અને દર્શનને આચ્છાદન કરનાર જે પુદ્ગલ સમૂહ દર્શનાવરણ કહેવાય છે.
સુખ અને દુઃખરૂપે જે અનુભવાય તે વેદનીય કહેવાય છે, જો કે સઘળાં કર્મોનો અનુભવ થાય છે છતાં પણ વેદનીય શબ્દ પંકજ આદિ શબ્દોની જેમ રૂઢ અર્થવાળો હોવાથી શાતા અને અશાતારૂપે જે અનુભવાય તે જ વેદનીય કહેવાય છે, શેષ કર્મો કહેવાતાં નથી.
જે કર્મ આત્માને સદ્ અસદ્પ વિવેકથી રહિત કરે, હું કોણ ? મારું શું ? પર કોણ ? અને પરાયું શું ? એવું ભેદજ્ઞાન ન થવા દે તે મોહનીય કહેવાય.