Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૭૨
પંચસંગ્રહ-૧ આ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ પોતાના વિપાકને બતાવતાં યથાયોગ્ય રીતે અવશ્ય સુખ અને દુઃખરૂપ વેદનીય કર્મના ઉદયમાં હેતુ થાય છે. તે આ પ્રમાણે
અતિ ગાઢ જ્ઞાનાવરણીય કર્મના રસોઇય વડે સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ પદાર્થોનો વિચાર કરવામાં અસમર્થ પોતાને જાણતા ઘણા આત્માઓ અત્યંત ખેદ પામે છે અત્યંત દુઃખનો અનુભવ કરે છે. અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ પટુતા યુક્ત આત્મા સૂક્ષ્મ સૂક્ષ્મતર પદાર્થોને પોતાની બુદ્ધિ વડે ભેદતો—જાણતો અને ઘણાઓથી પોતાને ચડિયાતો જોતો અત્યંત આનંદનો-સુખનો અનુભવ કરે છે. આ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય અને લયોપશમ અનુક્રમે દુઃખ અને સુખરૂપ વેદનીય કર્મના ઉદયમાં નિમિત્ત થાય છે.
ગાઢ દર્શનાવરણીય કર્મના વિપાકોદય વડે જન્માંધ આદિ થવાથી ઘણા માણસો અતિ અદ્ભુત દુઃખનો અનુભવ કરે છે; અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ વડે ઉત્પન્ન થયેલા કુશળતા દ્વારા સ્પષ્ટ ચક્ષુ આદિ ઈન્દ્રિયો યુક્ત થઈને યથાર્થપણે વસ્તુને જોતો અત્યંત આનંદનો. અનુભવ કરે છે. આ રીતે દર્શનાવરણીય કર્મ દુઃખ અને સુખરૂપ વેદનીય કર્મના ઉદયમાં નિમિત્તરૂપ થાય છે. ( આ પ્રમાણે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ વેદનીય કર્મના ઉદયમાં હેતુ થાય છે. એ અર્થ જણાવવા ત્રીજું વેદનીય કર્મ કહ્યું છે.
વેદનીય કર્મ ઈષ્ટ અનિષ્ટ વસ્તુના સંયોગે સુખ કે દુઃખ ઉત્પન્ન કરે છે. ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુના સંયોગે સંસારી આત્માઓને અવશ્ય રાગ અને દ્વેષ થાય છે. ઈષ્ટ વસ્તુનો સંયોગ થવાથી સારું થયું, મને આ વસ્તુ મળી, એવો ભાવ થાય છે, અને અનિષ્ટ વસ્તુનો સંયોગ થવાથી મને આ વસ્તુ ક્યાંથી મળી ? ક્યારે એ દૂર થાય ? એવો ભાવ થાય છે. એ જ રાગ અને દ્વેષરૂપ છે. રાગ અને દ્વેષ મોહનીય કર્મરૂપ જ છે. આ રીતે વેદનીયકર્મ મોહનીયના ઉદયમાં કારણ છે, એ અર્થ જણાવવા માટે વેદનીય પછી ચોથું મોહનીય કર્મ કહ્યું છે.
મોહમૂઢ આત્માઓ બહુ આરંભ અને પરિગ્રહઆદિ કાર્યોમાં આસક્ત થઈને નરકાદિ આયુષ્ય બાંધે છે. આ રીતે મોહનીય કર્મ આયુકર્મના બંધમાં હેતુ છે એ જણાવવા મોહનીય પછી આયુકર્મ કહ્યું છે.
નરકાયુ આદિ કોઈપણ આયુનો જ્યારે ઉદય થાય ત્યારે અવશ્ય નરકગતિ પંચેન્દ્રિય જાતિ આદિ નામકર્મનો ઉદય થાય છે. માટે આયુ પછી નામકર્મ કહ્યું છે.
નામકર્મનો જ્યારે ઉદય થાય ત્યારે અવશ્ય ઉચ્ચ કે નીચ ગોત્રમાંથી કોઈ પણ ગોત્ર કર્મનો ઉદય થાય છે. એ જણાવવા નામકર્મ પછી ગોત્રકર્મ કહ્યું છે.
ગોત્રકર્મનો જ્યારે ઉદય થાય ત્યારે ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલાને પ્રાયઃ દાનાંતરાય લાભાંતરાયાદિકર્મનો ક્ષયોપશમ હોય છે, કેમ કે રાજા વગેરે ઘણું દાન આપે છે, ઘણો લાભ પણ મેળવે છે એમ દેખાય છે. અને નીચ કુળમાં ઉત્પન્ન થયેલાને પ્રાયઃ દાનાંતરાય લાભાંતરાયાદિકર્મનો ઉદય હોય છે. અંત્યજાદિ હલકા વર્ષોમાં દાન આદિ જણાતું નથી. આ પ્રમાણે ઉચ્ચનીચ ગોત્રનો ઉદય અંતરાયના ઉદયમાં હેતુ છે એ અર્થના જ્ઞાન માટે ગોત્ર પછી