Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયદ્વાર
૨૧૫
•ક્ષપકશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણથી આરંભી ક્ષીણમોહ સુધીના કોઈ પણ ગુણસ્થાનકને અને ઉપલક્ષણથી અયોગીકેવળી ગુણસ્થાનકને કોઈપણ જીવો પ્રાપ્ત ન કરે તો છ માસ પર્યંત પ્રાપ્ત કરતા નથી, ત્યારપછી કોઈ ને કોઈ જીવ અવશ્ય પ્રાપ્ત કરે છે. વધારેમાં વધારે છ માસ પર્યંત જ સંપૂર્ણ જીવલોકની અંદર ઉપરોક્ત ગુણસ્થાનકોમાં કોઈ પણ જીવ હોતો નથી.
સાસ્વાદન અને મિશ્ર એ દરેક ગુણસ્થાનકનું ઉત્કૃષ્ટ અંતર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. કોઈ કાળે સંપૂર્ણ લોકમાં પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ પર્યંત સાસ્વાદન અને મિશ્ર એ ગુણસ્થાનકે કોઈ પણ જીવો હોતા નથી, ત્યારપછી અવશ્ય તે ગુણસ્થાનકે આવે છે.
મિથ્યાદૃષ્ટિ, અવિરતિસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત અને સયોગીકેવળી એ છ ગુણસ્થાનકે હંમેશાં જીવો હોય છે તેથી તેનું અંતર નથી, માટે કહ્યું નથી. ૬૨
હવે ચતુર્થાદિ ગુણસ્થાનકોને ઉત્કૃષ્ટથી કેટલે અંતરે પ્રાપ્ત કરે તે કહે છે—
सम्माई तिन्नि गुणा कमसो सगचोद्दपन्नरदिणाणि । छम्मास अजोगित्तं न कोवि पडिवज्जए सययं ॥६३॥ सम्यक्त्वादीनि त्रीणि गुणानि क्रमशः सप्तचतुर्दशपंचदशदिनानि । षड्मासमयोगित्वं न कोऽपि प्रतिपद्यते सततम् ॥६३॥
અર્થ—સમ્યક્ત્વાદિ ત્રણ ગુણસ્થાનકને અનુક્રમે સાત, ચૌદ અને પંદર દિવસ પર્યંત, અને અયોગીપણાને છમાસ પર્યંત ઉત્કૃષ્ટથી કોઈ પ્રાપ્ત કરતા નથી.
ટીકાનુ—અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ ત્રણ ગુણસ્થાનકે જીવો નિરંતર હોય છે, એટલે તેનો અંતર કાળ કહ્યો નથી. પરંતુ અન્ય જીવો તે ગુણસ્થાનકોને પ્રાપ્ત ન કરે તો વધારેમાં વધારે કેટલો કાળ પ્રાપ્ત ન કરે તે કહે છે—
કોઈ કાળે અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિ એ ત્રણ ગુણસ્થાનકોને અનુક્રમે સાત, ચૌદ અને પંદર દિવસ પર્યંત નિરંતર કોઈપણ જીવો પ્રાપ્ત કરતા નથી. એટલે
૧. અહીં ગાથામાં ‘તિમ્નિ’ પદથી ત્રણ ગુણસ્થાનક લીધાં છે, પરંતુ સર્વવિરતિમાં છઠ્ઠા સાતમા એ બંનેનો સમાવેશ થઈ જાય છે, એટલે ચાર લેવામાં પણ હરકત નથી. સયોગીકેવળિ માટે કેમ ન કહ્યું ? એમ શંકા થાય પણ ક્ષપકશ્રેણિનો વિરહકાળ છ માસનો કહ્યો છે, છ માસ પછી તો અવશ્ય ક્ષપક શ્રેણિમાં કોઈ ને કોઈ જીવ હોય જ. ક્ષપકશ્રેણિનો કાળ અંતર્મુહૂર્તનો હોવાથી ત્યારપછી તેઓ તેરમે જવાના જ. એટલે તેરમા ગુણસ્થાનકે કોઈ પ્રાપ્ત ન કરે તો છ માસ પર્યંત પ્રાપ્ત કરતા નથી ત્યારપછી અવશ્ય પ્રાપ્ત કરે છે, તે અર્થાત્ લબ્ધ થાય છે. તથા પહેલા ગુણસ્થાનકનું ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અંતર છે, કારણ કે સાસ્વાદનેથી પડી અવશ્ય મિથ્યાત્વે જાય છે, અને સાસ્વાદનનું ઉત્કૃષ્ટ તેટલું જ અંતર છે. મૂળટીકામાં આ પ્રમાણે કહ્યું છે, પરંતુ ત્રીજા ગુણસ્થાનક-આદિથી પણ મિથ્યાત્વે જાય છે. તેમજ અન્યત્ર મિથ્યાત્વના અવક્તવ્યબંધનું ઉત્કૃષ્ટ અંતર સાત દિવસ કહ્યું છે એટલે મિથ્યાત્વ ગુણસ્થાનકનું ઉત્કૃષ્ટ અંતર સાત દિવસનું આવે, માટે વિચારણીય છે. દરેક ગુણસ્થાનકનું જઘન્ય અંતર એક સમય છે, એક સમય બાદ કોઈ ને કોઈ જીવ તે તે ગુણસ્થાનકના પ્રાપ્ત કરી શકે છે.