Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
૧૧૨
ભાગ સુધી અને નીચે અધોગ્રામ સુધીના ક્ષેત્રમાં રહેલ અગર બહારથી ઉપરોક્ત ક્ષેત્રમાં આવેલ સંશી-પંચેન્દ્રિયના મનના ભાવોને મનઃપર્યવજ્ઞાની જાણી શકે પણ ઉપરોક્ત ક્ષેત્રની બહાર રહેલ જીવોના નહિ.
પ્રશ્ન—૧૬. કેવલજ્ઞાનીને માત્ર કેવલજ્ઞાન જ હોય કે પાંચે જ્ઞાન હોય ?
ઉત્તર—કેટલાક આચાર્યોના મતે માત્ર કેવળજ્ઞાન જ હોય જ્યારે કેટલાક આચાર્યોના મતે પાંચે જ્ઞાનો હોય છે.
પ્રશ્ન—૧૭. ચક્ષુ અને અચક્ષુર્દર્શન માર્ગણામાં પ્રથમના બાર ગુણસ્થાનક જણાવેલ છે તો શું કેવળી ભગવંતો ચક્ષુ આદિથી જોઈ કે સાંભળી વગેરે ન શકે ?
ઉત્તર—કેવળજ્ઞાન-દર્શનથી સમસ્ત ભાવો જાણતા જ હોય છે—માટે તેઓને કંઈ જોવા કે સાંભળવા જેવું રહેતું નથી એટલે કે તેના કાર્યનો અભાવ હોવાથી ચતુર્દર્શનાદિ હોવા છતાં તેની વિવક્ષા કરી નથી.
પ્રશ્ન—૧૮. એક જ જીવને આખાય સંસારચક્રમાં ચૌદ ગુણસ્થાનકમાંથી ક્યાં કયાં ગુણસ્થાનકો ઉત્કૃષ્ટથી કેટલી વાર પ્રાપ્ત થઈ શકે ?
ઉત્તર—બારમું, તેરમું, ચૌદમું ગુણસ્થાનક એક જ વાર, આઠમું, નવમું, દશમું, ગુણસ્થાનક ચઢવાની અપેક્ષાએ પાંચ વાર અને ઉપશમશ્રેણિથી પડવાની અપેક્ષાએ પણ ગણીએ તો કુલ નવ વાર, અગિયારમું ગુણસ્થાન ચાર વાર, બીજું ગુણસ્થાનક પાંચ વાર, છઠ્ઠ, સાતમું સંખ્યાતી વાર, પાંચમું, ચોથું, ત્રીજું અને પહેલું અસંખ્યાતીવાર પ્રાપ્ત થાય, પરંતુ ત્રીજા ગુણસ્થાનક માટે સ્પષ્ટ ઉલ્લેખ ક્યાંય જોવામાં આવ્યો નથી.
પ્રશ્ન—૧૯. જીવ કયા ગુણસ્થાનકે મરી શકે અને કયા ગુણસ્થાનકે મરી ન શકે તેમજ કયા કયા ગુણસ્થાનકો પરભવમાં સાથે લઈ જઈ શકે ?
ઉત્તર—મિશ્ર સિવાય એકથી અગિયાર એમ દશ ગુણસ્થાનકે મરી શકે અને ચૌદમા ગુણસ્થાનકે પણ મરી શકે પરંતુ તે મરણને નિર્વાણ કહેવાય છે. ત્રીજે, બારમે અને તેરમે મરતો જ નથી, અને પહેલું, બીજું, ચોથું ગુણસ્થાનક લઈ પરભવમાં જઈ શકે છે.
પ્રશ્ન—૨૦. સિદ્ધાત્માઓને કયું ગુણસ્થાનક હોય ?
ઉત્તર—સિદ્ધ ૫રમાત્માઓને સર્વોત્તમ ગુણસ્થાનક હોય છે. પરંતુ અહીં સંસારસ્થ જીવોની અપેક્ષાએ જ ચૌદ ગુણસ્થાનકો બતાવવામાં આવ્યાં છે અને તેથી જ સિદ્ધોને ગુણસ્થાનક બતાવેલ નથી.
પ્રશ્ન—૨૧. વર્તમાનકાળે ભરતક્ષેત્રમાં કેટલાં ગુણસ્થાનક હોય ?
ઉત્તર—અહીં જન્મેલાની અપેક્ષાએ ૧થી ૭ અને અન્ય સ્થાને જન્મેલાની અપેક્ષાએ ચૌદે ચૌદ ગુણસ્થાનકો પણ હોઈ શકે.
પ્રશ્ન—૨૨. અહીં પાંચમા આરામાં કેટલાં ગુણસ્થાનક હોય ?