________________
દ્વિતીયદ્વાર
૧૬૫
અર્થ———ઉપશમક, ઉપશાંત અને અપ્રમત્ત તથા પ્રમત્ત વિરત આત્માઓ ઋજુગતિ વડે સર્વાર્થ સિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થાય છે, તેઓ આશ્રયી સાતરાજની સ્પર્શના સંભવે છે. તથા મનુષ્યરૂપ દેશવિરતિ જેવો બારમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે, તેઓ આશ્રયી છ રાજની સ્પર્શના થાય છે. ૩૩
ટીકાનુ—ઉપશમ એટલે ઉપશમશ્રેણિ પર આરૂઢ થયેલા અપૂર્વકરણ, અનિવૃત્તિબાદરસંપરાય, અને સૂક્ષ્મસં૫રાયવર્તી આત્માઓ, ઉપશાંત એટલે ઉપશાંતમોહ ગુણસ્થાનકવર્તી આત્માઓ, અપ્રમત્ત સંયત સાધુઓ, અને બીજા પાદના અંતે ગ્રહણ કરેલ ‘ચ' શબ્દથી અપ્રમત્તભાવાભિમુખ પ્રમત્ત સંયત સાધુઓ આ સઘળાઓને ઋજુગતિ વડે સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થતાં સાત રાજની સ્પર્શના સંભવે છે.
ક્ષપકશ્રેણિ પર આરૂઢ થયેલા અપૂર્વકરણાદિ ગુણસ્થાનકવર્તી આત્માઓ મરણ પામતા નથી, તેમજ મારણ સમુદ્દાતનો પણ આરંભ કરતા નથી, તેથી તેઓને લોકનો અસંખ્યાતમો ભાગ માત્ર સ્પર્શના ઘટે છે, અધિક ઘટતી નથી. આ જ કારણથી ક્ષીણમોહની માત્ર લોકના અસંખ્યાતમા ભાગની સ્પર્શના પહેલા કહી છે.
પ્રશ્ન—જ્યારે મનુષ્યભવના આયુનો ક્ષય થાય અને પરભવાયુનો ઉદય થાય ત્યારે પરલોકગમન સંભવે છે. તે વખતે તો અવિરતિપણું હોય છે, ઉપશમપણું આદિ ભાવો હોતા નથી. કારણ કે પ્રમત્તાદિ ભાવો મનુષ્યભવના અંત સમય સુધી જ હોય છે. પરભવાયુના પ્રથમ સમયે તો અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક હોય છે. માટે સર્વાર્થસિદ્ધ મહાવિમાને જતાં ચતુર્થ ગુણસ્થાનકની સાત રાજની સ્પર્શના સંભવે છે, અપૂર્વકરણાદિની સંભવતી નથી. તો પછી અહીં અપૂર્વકરણાદિની સાત રાજની સ્પર્શના શી રીતે કહેવામાં આવે ?
ઉત્તર—અહીં કંઈ દોષ નથી. પરભવમાં જતાં ગત બે પ્રકારે થાય છે. ૧. કંદુકગતિ, ૨. ઇલિકાગતિ.
તેમાં કંદુકની જેમ જે ગતિ થાય તે કંદુકગતિ. એટલે કે જેમ કંદુક-દડો પોતાના સઘળા પ્રદેશનો પિંડ કરીને પૂર્વના સ્થળ સાથે સંબંધ રાખ્યા વિના ઊંચે જાય છે, તેમ કોઈક જીવ પણ પરભવાયુનો જ્યારે ઉદય થાય ત્યારે પરલોકમાં જતાં પોતાના પ્રદેશોને એકત્ર કરીને પૂર્વના સ્થળ સાથે સંબંધ રાખ્યા વિના ઉત્પત્તિસ્થાનકે ચાલ્યો જાય છે.
કંદુકગતિ કરનાર આત્માને પોતાના ચરમ સમય પર્યંત મનુષ્યભવનો સંબંધ હોય છે, અને પરભવાયુના પ્રથમ સમયે દેવભવનો સંબંધ છે, તેથી કંદુકગતિ કરનાર આશ્રયી પ્રમત્તાદિ ગુણસ્થાનકવાળાઓને સાત રાજની સ્પર્શના ઘટતી નથી.
તથા બીજી ઇયળની જેમ જે ગતિ થાય તે ઇલિકાગતિ. જેમ ઇયળ પુચ્છ એટલે પાછળનો ભાગ જે સ્થળ હોય છે, તે સ્થળને નહિ છોડતી મુખ એટલે આગળના ભાગ વડે આગળના સ્થાનને પોતાનું શરીર પસારી સ્પર્શ કરે છે, અને ત્યારપછી પુચ્છને સંહરી લે છે. એટલે કે જેમ ઇયળ પાછલા ભાગ વડે પૂર્વસ્થાનનો સંબંધ છોડ્યા વિના આગલા સ્થાનનો સંબંધ કરે છે, અને આગલા ભાગ સાથે સંબંધ કરી પછીથી પાછલા સ્થાનનો સંબંધ છોડે છે, તેમ કોઈક