________________
પ્રથમદ્વાર-સારસંગ્રહ
૮૭
વડે આયુ સિવાય સાતે કર્મની સત્તામાં રહેલ સ્થિતિ ઘટાડીને અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ કરે છે. આ કરણ ભવ્યો તથા અભવ્યો પણ અનંતીવાર કરે છે.
અહીં જેનો મોક્ષ નજીકમાં છે એવો ભવ્ય આત્મા અનાદિકાળથી પુષ્ટ કરાયેલ પૂર્વે ક્યારેય ન ભેદાયેલી રાગ-દ્વેષની ગાંઠને જે અપૂર્વ એવા વિશુદ્ધ અધ્યવસાયો વડે ભેદે અર્થાત્ રાગ-દ્વેષને અલ્પ રસવાળા કરે તે અથવા પૂર્વે કોઈવાર નહિ કરેલ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ અને અપૂર્વ સ્થિતિબંધ એ ચાર પદાર્થો કરે તે અપૂર્વકરણ. ત્યારબાદ આત્મા અનિવૃત્તિકરણ કરે છે.
જ્યાં એક સાથે પ્રવેશ કરેલ આત્માઓને પરસ્પર અધ્યવસાયોમાં અંશમાત્ર ફેરફાર ન હોય તે અનિવૃત્તિકરણ. અહીં પણ સ્થિતિઘાતાદિ પૂર્વવત્ પ્રવર્તે છે.
આ અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય અને એક સંખ્યાતમો ભાગ પ્રમાણ કાળ બાકી રહે ત્યારે સત્તામાં રહેલ મિથ્યાત્વની સ્થિતિમાંથી નીચે અંતર્મુહૂર્ત પ્રમાણ એટલે કે અનિવૃત્તિના બાકી રહેલ સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિને રાખી તેની પછી અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાંથી મિથ્યાત્વના દલિક ખાલી કરવા રૂપ અંતરકરણની ક્રિયા શરૂ કરે છે. આ ક્રિયા વડે મિથ્યાત્વની સ્થિતિના બે ભાગ થઈ વચ્ચે અંતર્મુહૂર્ત પ્રમાણ ખાલી જગ્યા રૂપ અંતર થાય છે. તેને અંતરકરણ કહેવાય છે. આ અનિવૃત્તિકરણ પૂર્ણ થાય ત્યાં સુધીમાં મિથ્યાત્વની પ્રથમ સ્થિતિને અનુભવવા દ્વારા સંપૂર્ણ ક્ષય કરે છે એટલે ત્યાં સુધી આત્મા મિથ્યાદૃષ્ટિ હોય છે અને ત્યારપછીના તરતના જ સમયે આત્મા અંતકરણ રૂપ ખાલી જગ્યામાં પ્રવેશ કરે છે.
જેમ ઉખર ભૂમિ પ્રાપ્ત કરી દાવાનલ ઓલવાઈ જાય છે, તેમ અંતરકરણ રૂપી ઉખર ભૂમિ પ્રાપ્ત કરી આત્માનો અનાદિકાલીન મિથ્યાત્વ રૂપી દાવાનલ પણ મિથ્યાત્વના દલિકનો અભાવ હોવાથી બુઝાઈ જાય છે. તેથી અંતરકરણના પ્રથમ સમયે જ જીવ મોક્ષરૂપી વૃક્ષના બીજ સમાન પૂર્વે કોઈવાર નહિ પ્રાપ્ત કરેલ પરમાનંદ સ્વરૂપ ઉપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે.
અંતરકરણના પ્રથમ સમયે જ સત્તામાં રહેલ મિથ્યાત્વનાં દલિકોના ઉપશમ સમ્યક્ત્વ રૂપ આત્મવિશુદ્ધિ દ્વારા શુદ્ધ-અર્ધશુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ વિભાગ કરે છે. આ અંતરકરણનો કાળ જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા બાકી રહે ત્યારે કોઈ જીવને અનંતાનુબંધિનો ઉદય થાય તેથી સાસ્વાદન ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. વળી ઉપશમ શ્રેણિથી પડતાં પણ કોઈ જીવ સાસ્વાદને આવે છે અને આ ગુણઠાણેથી પડી મિથ્યાત્વે જ જાય છે.
અંતરકરણમાં રહેલ કોઈ જીવ દેશવિરતિ અથવા સર્વવિરતિ ભાવ પણ પામે છે અને અંતરકરણના અંતે જો શુદ્ધપુંજનો ઉદય થાય તો ક્ષયોપશમ સમ્યક્ત્વી, અર્ધશુદ્ધ પુંજનો ઉદય થાય તો મિશ્રર્દષ્ટિ તથા અશુદ્ધ પુંજનો ઉદય થાય તો મિથ્યાર્દષ્ટિ થાય છે.
(૩) સગ્મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક—અહીં રહેલ આત્માને જૈનધર્મ ઉપર રાગ કે દ્વેષ હોતો નથી તેથી સગ્મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાન કહેવાય છે.
આ ગુણસ્થાનક ચોથાથી પડતાં અને પહેલાથી ચડતાં પણ આવે છે. અહીં પૂર્વે અંતરકરણમાં કરેલ અર્ધવિશુદ્ધ પુંજ રૂપ મિશ્ર મોહનીયનાં પુદ્ગલોનો ઉદય હોય છે.