________________
८४
પંચસંગ્રહ-૧ છેદોપસ્થાપનીય (૧) સાતિચાર તથા (૨) નિરતિચાર એમ બે પ્રકારે છે. (૧) મહાવ્રતાદિકનો ઘાત થવાથી પૂર્વપર્યાયનો છેદ કરી ફરીથી મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે તે સાતિચાર અને (૨) વડી દીક્ષા વખતે પૂર્વના પર્યાયનો જે છેદ કરવામાં આવે તેમજ ભરત-ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ તીર્થકરના સાધુ ભગવંતો બીજા તીર્થકરના તીર્થમાં પ્રવેશ કરે તે સમયે પાંચમાંથી ચાર મહાવ્રતો સ્વીકારે ત્યારે અને ત્રેવીસમા તીર્થંકરના તીર્થમાંથી ચોવીસમા તીર્થંકરના તીર્થમાં પ્રવેશ કરતાં ચારમાંથી પાંચ મહાવ્રતોનો સ્વીકાર કરે ત્યારે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે. આ ચારિત્ર મહાવિદેહ ક્ષેત્રમાં સર્વથા હોતું નથી.
(૩) જેમાં વિશિષ્ટ પ્રકારના તપ વડે ચારિત્રની શુદ્ધિ કરવામાં આવે તે પરિહારવિશુદ્ધિ, આ ચારિત્રનો સ્વીકાર કરનાર નવ નવનો સમૂહ હોય છે. તે નવમાંથી ચાર ચારિત્રનું પાલન કરનારા, ચાર વેયાવચ્ચ કરનારા અને એક વાચનાચાર્ય થાય છે. એમ યથાસંભવ છ-છ માસ વારા ફરતી કરી અઢાર માસ પૂર્ણ કરે છે.
આ ચારિત્રનો સ્વીકાર કરનાર પ્રથમ સંઘયણી અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશ પૂર્વના અને જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુ સુધીના અભ્યાસી હોય છે. આ ચારિત્ર શ્રી તીર્થંકરદેવ પાસે અગર જેણે પૂર્વે આ ચારિત્રનું પાલન કર્યું હોય તેમની પાસે જ ગ્રહણ કરી શકાય છે. કાળ પૂર્ણ થયે છતે ફરીથી આ જ ચારિત્રનો અગર જિનકલ્પનો સ્વીકાર કરે અથવા ગચ્છમાં જાય.
(૪) જેમાં કિટિરૂપે કરાયેલ માત્ર લોભ કષાયનો ઉદય હોય તે સૂક્ષ્મસંપરાય ચારિત્ર, તે (૧) વિશુધ્યમાન અને (૨) સંક્ષિશ્યમાન એમ બે પ્રકારે છે. (૧) ક્ષપક અથવા ઉપશમ શ્રેણિએ ચડતાં દશમા ગુણસ્થાનકે વિશુધ્યમાન અને (૨) ઉપશમશ્રેણિથી પડતાં દશમા ગુણસ્થાનકે સંક્ષિશ્યમાન હોય છે.
(૫) સર્વ જીવલોકમાં પ્રસિદ્ધ, કષાય રહિત, અત્યંત નિરતિચાર જે ચારિત્ર તે યથાખ્યાત અથવા અથાખ્યાત ચારિત્ર છે. તે અગિયારમાંથી ચૌદમા–એમ ચાર ગુણસ્થાનકે હોય છે. તેના (૧) છાબસ્થિક અને (૨) કૈવલિક એમ બે પ્રકાર છે. વળી છાબસ્થિક યથાખ્યાતના ઉપશાંત અને ક્ષાયિક એમ બે પ્રકાર છે અને તે અનુક્રમે અગિયારમે તથા બારમે ગુણસ્થાનકે હોય છે, તેમજ કૈવલિક યથાખ્યાત પણ (૧) સયોગી અને (૨) અયોગીના ભેદથી બે પ્રકારે છે તે અનુક્રમે તેરમે તથા ચૌદમે ગુણસ્થાનકે હોય છે.
(૬) જેમાં અલ્પાશે પાપવ્યાપારનો પચ્ચખાણપૂર્વક ત્યાગ હોય તે દેશવિરતિ. (૭) જેમાં અલ્પ પણ પાપવ્યાપારનો ત્યાગ ન હોય તે અવિરતિ.
દેશવિરતિમાં અલ્પાંશે ચારિત્ર હોવાથી અને અવિરતિમાં અલ્પ પણ ચારિત્ર ન હોવાથી મુખ્યત્વે ચારિત્રના પાંચ જ પ્રકાર છે. પરંતુ કોઈપણ એક મૂલ માર્ગણામાં સર્વ સંસારી જીવોનો સમાવેશ કરવાનો હોવાથી તે બંનેની પણ ગણના કરી ચારિત્રના સાત પ્રકાર ગણાવવામાં આવ્યા છે. એ જ પ્રમાણે ભવ્ય માર્ગણામાં અભવ્યનું, અને સમ્યક્ત માર્ગણામાં મિથ્યાત્વાદિકનું ગ્રહણ કર્યું છે એમ સમજી લેવું.