________________
૧૨૬.
સમયસાર સિદ્ધિ-૬
છૂટી જશે. ભાઈ ! આ તો મુદતી ચીજ છે. તું તો અનાદિઅનંત છો, પ્રભુ ! આ તો મુદતની ચીજ છે, મુદત છે ત્યાં સુધી રહેશે (પછી) ચાલી જશે. આહા..હા...! પછી કયાં જઈશ? પ્રભુ ! આહા...હા...! તારી દૃષ્ટિ જો રાગ અને પુણ્ય ઉપર હશે તો પ્રભુ ! તું પુદ્ગલમાં જઈશ, રખડવામાં જઈશ. આહા..હા..! અને જે રાગરહિત પ્રભુ આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે, એવી જો દૃષ્ટિ હશે તો અહીંથી જઈને પણ તું આત્મામાં જ રહીશ. ગમે તે અવતાર થાવ, પછી મનુષ્યનો કે દેવનો, પણ ત્યાં તું આત્મામાં જ રહીશ. ગતિમાં તું નહિ જઈ શકે. નિમિત્તપણે ભલે (ગતિમાં) હો. આહાહા..! આવી વાતું.
‘કર્મ મોક્ષનું કારણ નથી. એ ૧૦૭ (શ્લોક પૂરો) થયો.
શુદ્ધ નિશ્ચયનયના બળથી વ્યવહારનયને હેય કહ્યો છે, તે હેયરૂપ વ્યવહારનયના વિષયમાં ઉદય આદિ ચાર ભાવો આવી જાય છે. ચૌદ જીવસ્થાનો અને ચૌદ માર્ગણાસ્થાનો અને ચૌદ ગુણસ્થાનો પણ આવી જાય છે. એ બધાને શુદ્ધ નિશ્ચયનયના બળથી હેય ગણવામાં આવે છે. અરે સંસાર અને મોક્ષ એ બધી પર્યાયો હોવાથી ત્રિકાળી શુદ્ધ જીવ વસ્તુમાં તેનો અભાવ હોવાથી તેને વ્યવહાર જીવ ગણીને હેય કહ્યા છે. આહાહા ! ગજબ વાત કરી છે. નિમિત્તને તો પરસ્વભાવ ગણી પરદ્રવ્ય ગણીને હેય કહેવામાં આવે છે અને રાગને પણ પરસ્વભાવ ગણી પરદ્રવ્ય ગણીને હેય કહેવામાં આવે છે પણ અહીં નિયમસાર ગાથા ૫૦ માં તો નિર્મળ પર્યાયને પણ પરસ્વભાવ કહીને પરદ્રવ્ય કહીને હેય કહે છે. આહાહા ! આચાર્યદેવે અંતરના મૂળ માખણની વાત ખુલ્લી કરી દીધી છે. નિર્મળ પર્યાય ઉપર લક્ષ જતાં વિકલ્પ ઊઠે છે, તેથી તેનું લક્ષ છોડાવવાના હેતુથી તેને પરસ્વભાવ ને પરદ્રવ્ય કહીને હેય કહી છે.
-પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ ઓક્ટોબર-૨૦૦૬