________________
ગાથા-૧૬૬
૨૬૭
પ્રવચન નં. ૨૪૬ ગાથા-૧૬૬-૧૬૭ બુધવાર, જેઠ સુદ ૧૧, તા. ૦૬-૦૬-૧૯૭૯
આ ‘સમયસાર ચાલે છે. ૧૬૬ ગાથાનો ભાવાર્થ, “આસવ અધિકાર'. ખરેખર જે મિથ્યાત્વ છે એ જ આસવ છે, મિથ્યાત્વ એ જ સંસાર છે. પછી પાછળ થોડો દોષ રહે છે એ અલ્પ સંસાર છે. મિથ્યાત્વ કોને કહે છે ? કે, જે આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે તેમાં તો શુભ-અશુભ ભાવ થાય છે એ મારા છે અને તેનાથી મને લાભ થશે. દયા, દાન, વ્રત, ભક્તિનો ભાવ આવે છે એ બધા શુભ ભાવ છે, પુણ્ય છે. એનાથી મને લાભ થશે એ મિથ્યાત્વ ભાવ છે. એ મિથ્યાત્વ ભાવ સંસાર અને આસ્રવ છે.
ભાવાર્થ :- “જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા નથી....... આહાહા....! જેને આત્મજ્ઞાન થયું, જે અનંત કાળમાં ક્યારેય કર્યું નથી. આમ વ્રત ને તપ ને ભક્તિ, પૂજા તો અનંત વાર કર્યું. એ કોઈ નવી ચીજ નથી. એ તો પુણ્ય આસવ ભાવ છે. પણ એનાથી રહિત મારી ચીજ (છે), શુભ-અશુભ ભાવથી ભિન્ન પૂર્ણ શુદ્ધ ચૈતન્યઘન સર્વજ્ઞ પરમેશ્વરે જે પૂર્ણ આત્મા જોયો એવો હું છું, એવી અંતર અનુભવદૃષ્ટિ થવી તેનું નામ સમ્યગ્દર્શન છે. તેનું નામ જ્ઞાની છે. તેને જ્ઞાની કહેવામાં આવે છે.
આત્મા શરીરની ક્રિયાથી તો ભિન્ન છે, આ તો જડ છે, એ પરની ક્રિયા આત્મા કરી શકતો નથી. પરની ક્રિયા કરી શકું છું એ તો મિથ્યાષ્ટિ છે, એ તો ધર્મી નહિ. પણ અંદરમાં પુણ્ય અને પાપ ભાવ થાય છે તેમાં પણ જેને પ્રેમ છે, પુણ્યભાવ પ્રત્યે પ્રેમ છે અને પુણ્યથી રહિત મારી ચીજ અંદર ભિન્ન છે એનો જેને પ્રેમ નથી એ મિથ્યાદૃષ્ટિ જીવ છે, અજ્ઞાની છે. આહા..હા..!
જેને અંતરમાં પુણ્ય-પાપના ભાવનો પ્રેમ અને રુચિ છૂટી ગઈ અને જ્ઞાનસ્વરૂપી પ્રભુ ભગવાન આત્મા, એનો અનુભવ થઈને દૃષ્ટિ થઈ તેને અહીંયાં જ્ઞાની કહે છે. ધર્મી કહો કે જ્ઞાની કહો. પણ ધર્મી આ. બહારની કોઈ પ્રવૃત્તિ – વ્રત ને નિયમ ને તપ ને કરે માટે એ ધર્મી છે એમ છે નહિ. એ તો બધી પુણ્ય-ક્રિયા છે.
“જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા નથી.” એ પુણ્ય પરિણામ મારા, એવો અજ્ઞાનભાવ ધર્મીને નથી હોતો. આહાહા! ઝીણી વાત બહુ. ધર્મીને “અજ્ઞાનમય ભાવો હોતા નથી, અજ્ઞાનમય ભાવો નહિ હોવાથી..” રાગ – દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ બંધનું કારણ છે, મારી ચીજ એનાથી ભિન્ન છે, એમ જેને ધર્મની પહેલી સીડી, પહેલું પગથિયું, સમ્યગ્દર્શન અને જ્ઞાન થયા એને અજ્ઞાનભાવ હોતા નથી. એ શુભ-અશુભ ભાવ મારા છે એવો ભાવ એને નથી હોતો. સમજાણું કાંઈ ?