________________
ગાથા– ૧૮૧ થી ૧૮૩
૪૭૯ હવે એને આધાર કોણ ? આધાર ને આધેય એનો એ છે. આહા..હા...! જોયું ?
આચાર્યે બુદ્ધિમાં. છે ને ? સ્થાપીને કહ્યું છે. આહા..હા..! બુદ્ધિમાં સ્થાપીને.” (એટલે) લક્ષમાં લઈને આકાશ અમાપ (છે). ચારે બાજુ ખાલી ભાગ અનંત. અનંત. અનંત. અનંત.. અનંત નહિ તો પછી પછી શું ? પછી શું ? પછી શું ? નાસ્તિકને પણ એકવાર વિચાર કરવો પડે કે, આ બધું જડ-ચૈતન્ય અહીને અહીં ખલાસ થઈ જાય. પછી ખાલી ભાગ છે એનો અંત ક્યાં ? આકાશને અંત ન હોય. દશે દિશા અનંત. અનંત. અનંત... ચારે કોર. એમ બુદ્ધિમાં આકાશને સ્થાપીને વિચાર કરતાં આકાશ જ આકાશનો આધાર છે. આહાહા.... છે? “એવું સમજી જનારને પર-આધારાધેયપણું ભાસતું નથી.” આવું સમજી જનારને આકાશનો પર આધાર (છે) એવું ભાસતું નથી.
એવી રીતે.” હવે સિદ્ધાંત (કહે છે). આ તો દૃષ્ટાંત (હતો). “એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને.” હવે આ જ્ઞાનસ્વરૂપ આત્મા પ્રજ્ઞાબ્રહ્મ સ્વરૂપ ભગવાન, જાણનારો આત્મા.. આહાહા...! એનો એ ત્રિકાળી જાણક સ્વભાવ છે). ત્રિકાળી જ્ઞાનસ્વભાવ, એ “જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને...” આહા..હા...! રાગમાં સ્થાપીને કે એમ નથી કીધું. સમજાણું કાંઈ ? આહા...! આકાશને માટે પણ બુદ્ધિમાં સ્થાપીને કહ્યું હતું. ત્યાં રાગમાં, વિકલ્પમાં રાખીને વિચાર કર એમ ત્યાં કહ્યું નથી. આહા...હા....! અલૌકિક વાતું છે.
આ આત્મા અંદર દેહથી ભિન્ન છે. આ તો જડ, માટી (છે), આ વાણી જડ, મન જડ (છે). અંદર ચૈતન્યપ્રભુ, જે જ્ઞાનની મુખ્યતાથી જ્ઞાનપ્રધાન છે એ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં પર્યાયમાં સ્થાપીને. બુદ્ધિમાં એટલે જ્ઞાનની પર્યાયમાં. આ એક જ્ઞાન જે ત્રિકાળી વસ્તુ છે એનો વિચાર કર. (જ્ઞાનનો) આધારાધેયભાવ વિચારવામાં આવે.” એ આત્માનો આધારઆધેય ભાવ વિચારવામાં આવે. જ્ઞાન એટલે આત્મા. ભાષા તો સાદી છે પણ ભાવ તો (ગંભીર છે). આ.હા..!
આકાશને જેમ બુદ્ધિમાં સ્થાપીને એનો આધાર-આધેય (ભાવ) નથી તેમ આ જ્ઞાનને એટલે આત્મા અંદર સચ્ચિદાનંદ પ્રભુ, સત્ શાશ્વત ચિત્ જ્ઞાન અને આનંદ, એનો સાગર પ્રભુ અંદર આત્મા (છે). અરે...! કેમ બેસે ? આવડું શરીર ને એક બીડી પીવે ત્યાં રાજી થઈ જાય. સિગારેટ પીવે (ત્યારે) પાયખાને દસ્ત ઉતરે એમાં) રાજી થઈ જાય. આહા..હા..! એને આવો આત્મા (સમજવો). બાપુ ! આત્મા તો અલૌકિક છે ! આકાશ જેમ ક્ષેત્રથી અવ્યાપક નથી, પ્રસરેલો છે. એમ આ મહાજ્ઞાન, અનંત જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા.. આ.હા.હા..! એના ભાવની અનંતતા છે. એ ભાવને બુદ્ધિમાં લઈને... આહા..હા..! આધારાધેયભાવ વિચારવામાં આવે. વાત તો બહુ સારી આવી છે. “મનસુખભાઈ ! તમારો રવિવાર (આવે ત્યારે) વાત સારી આવી છે. આહા...હા...!