________________
શ્લોક-૧૧૦
૧૮૫
રહે છે – શુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા. તે બન્ને સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ નથી. (જેમ મિથ્યાજ્ઞાનને અને સમ્યજ્ઞાનને પરસ્પર વિરોધ છે તેમ કર્મસામાન્યને અને જ્ઞાનને વિરોધી નથી.) તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન પોતાનું કાર્ય કરે છે. જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે અને જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષય-કષાયના વિકલ્પો કે વ્રતનિયમના વિકલ્પો – શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં – કર્મબંધનું કારણ છે; શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે. ૧૧૦.
શ્લોક ૧૧૦ ઉપર પ્રવચન
૧૧૦ કળશ. આમાં હજી બાકી છે ને ! હવે આશંકા ઊપજે છે કે – અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને જ્યાં સુધી કર્મનો ઉદય રહે છે..” શું કહે છે ? કે, સમ્યક્દષ્ટિને રાગ તો આવે છે. ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે ?” ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે ? શું કહ્યું) ? કે, સમ્યગ્દર્શન થયું, અનુભવ થયો, આત્માના આનંદનો સ્વાદ આવ્યો તેને પણ રાગ તો આવે છે. વીતરાગ થાય તો રાગ ન થાય. નીચલા દરજ્જામાં રાગ તો આવે છે. ભક્તિનો, વિનયનો, વાંચનનો, શ્રવણનો એવો રાગ તો આવે છે. તો કહે છે, ઈત્યાદિ કર્મનો ઉદય રહે ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે ? વળી કર્મ અને જ્ઞાન બને –કર્મના નિમિત્તે થતી શુભાશુભ પરિણતિ અને જ્ઞાનપરિણતિ બને) સાથે કેમ રહી શકે ?” (એમ) શિષ્યનો પ્રશ્ન છે કે, એક તો પોતાના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને નિર્વિકારી પરિણતિ અને સાથે રાગ, એ એકસાથે બેય કેવી રીતે રહી શકે ?
શિષ્યનો પ્રશ્ન એ છે કે, જ્યાં સુધી આત્મા પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી આત્મામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની) નિર્મળ પરિણતિ પણ છે અને સાથે રાગ પણ છે. જો રાગ ન હોય તો વીતરાગ થઈ જાય. તો એકસાથે આ બન્ને કેવી રીતે રહી શકે ? એમ પૂછે છે. સમજાણું કાંઈ ? સમ્યક્દૃષ્ટિને પણ જ્યાં સુધી વીતરાગતા નથી ત્યાં સુધી ભક્તિનો, વિનયનો શુભરાગ તો આવે છે પણ છે બંધનું કારણ. તો કહે છે કે, એક સમયમાં શુદ્ધ પરિણમન અને બીજો અશુદ્ધ રાગ, એમ કેમ થાય છે ? અવિરત સમ્યક્દૃષ્ટિ ચોથે, પાંચમે (ગુણસ્થાને) કંઈ વીતરાગ નથી. પોતાના સ્વભાવની દૃષ્ટિ થઈ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર (થયા) એટલી તો વીતરાગતા (છે), પણ હજી પૂર્ણ વીતરાગતા નથી તો રાગ પણ આવે છે. એ રાગ બંધનું કારણ અને શુદ્ધ પરિણમન અબંધનું કારણ, બેય એકસાથે કેવી રીતે રહી શકે ?