________________
૨૪૦
સમયસાર સિદ્ધિ-૬ અંતર્મુહૂર્તમાં કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવે છે. એવું જ્ઞાનનું સામર્થ્ય છે. જ્ઞાન એટલે આત્મા. જ્ઞાન એટલે ભગવાનઆત્મા, એની પરિણતિ જે શુદ્ધ, એને અહીંયાં જ્ઞાન કહેવામાં આવ્યું છે. એ શુદ્ધ પરિણતિ દ્વારા અશુદ્ધ આસવને જીતી અને કેવળજ્ઞાન ઉપજાવે છે. આ હા..હા...!
જેમ સ્વદ્રવ્યની અપેક્ષાએ પરદ્રવ્ય અદ્રવ્ય છે તેમ પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય અદ્રવ્ય છે એમ કહીને પર્યાયનું કેટલું સામર્થ્ય છે એ બતાવવું છે. એક સમયની પર્યાય જ વસ્તુ છે, બાકી બધું તેની અપેક્ષાએ અવસ્તુ છે. એક પર્યાય સ્વદ્રવ્યને પણ જાણે અને તે દ્રવ્યને પણ જાણે તો હવે તેમાં બાકી શું રહ્યું ? બધું જ આવી ગયું. દ્રવ્યની મહત્તા કરનાર પર્યાય છે માટે પર્યાયની મહત્તા છે. દ્રવ્યની મહત્તાને જાણનાર પર્યાય છે. આવી વાત છે. પર્યાય એમ જાણે છે કે હું ધ્રુવ છું કેમ કે પયયનું લક્ષ ધ્રુવ ઉપર છે. ૩૨૦ ગાથામાં આવે છે કે ધર્મી અખંડ ત્રિકાળી નિરાવરણ પરમાત્માનું ધ્યાન કરે છે, ખંડ ખંડનું નહિ. આ જરા ઝીણું આવી ગયું.
અહીં, જ્ઞાન પરના ક્ષેત્રમાં વ્યાપે છે એમ નહિ, પોતાના ક્ષેત્રમાં વ્યાપે છે. અહીં દ્રવ્ય ને પર્યાયનાં ભેદની વાત નથી. આ તો જાણવાની પર્યાય સર્વ પર ક્ષેત્રને વ્યાપીને જાણે છે–એમ નથી. પોતાના ક્ષેત્રમાં રહીને જાણે છે.
શ્રોતા :- અહીંયાં પોતાનું ક્ષેત્ર એટલે શું ?
પૂજ્ય ગુરુદેવશ્રી - એ તો પર્યાયનું જેટલું ક્ષેત્ર છે તેટલું ક્ષેત્ર છે. એ તો પરથી જુદું પાડવાની વાત છે ને પોતાનામાં પણ બે ભેદ છે. બે ચીજ ભિન્ન છે. આહાહા !
પ્રમાણનો વિષય દ્રવ્ય અને પર્યાય બને છે અને નિશ્ચયનો વિષય એકલું દ્રવ્ય છે પણ તેને વિષય કરનાર પર્યાય છે. કાર્ય પણ પર્યાયમાં થાય છે. ત્રિકાળી કારણદ્રવ્યમાં કાર્ય નથી આવતું. આ તો પ્રશ્ન થયો હતો રાજકોટમાં કે કારણપરમાત્મા તો ત્રિકાળી છે તો કાર્ય કેમ આવતું નથી ? કીધું સાંભળો...... કારણપરમાત્મા છે તેનો જેને સ્વીકાર છે એને માટે જ એ કારણપરમાત્મા છે. જેને સ્વીકાર નથી તેને માટે નહિ.
–પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ ઓગસ્ટ-૨૦૦૬