Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૫૫
આત્મસ્વરૂપ (ચાલુ) સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાનીપુરુષનાં પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં એવા વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતાં નથી.
જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઇ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી; અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઇ કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે, એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી ઉદાસીનપણે લોકધર્મસંબંધી અને કર્મસંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો. (પૃ. ૩૭૨-૩)
D એ ગુણો (ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમ) જ્યાં સુધી જીવને વિષે સ્થિરતા પામશે નહીં ત્યાં સુધી આત્મસ્વરૂપનો વિશેષ વિચાર જીવથી યથાર્થપણે થવો કઠણ છે. આત્મા રૂપી છે, અરૂપી છે એ આદિ વિકલ્પ તે પ્રથમમાં જે વિચારાય છે તે કલ્પના જેવા છે. (પૃ. ૪૧૫)
વેદાંતાદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કહી છે, તે વિચારણા કરતાં શ્રી જિનાગમમાં જે આત્મસ્વરૂપની વિચારણા કહી છે, તેમાં ભેદ પડે છે. સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજસ્વભાવે પરિણામ થવું એ જ છે. સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં એવો નિશ્ચય જિને કહ્યો છે તે, વેદાંતાદિ કરતાં બળવાન પ્રમાણભૂત છે. (પૃ. ૪૬૩)
વેદાંત જે પ્રકારે આત્મસ્વરૂપ કહે છે, તે પ્રકારે સર્વથા વેદાંત અવિરોધપણું પામી શકતું નથી. કેમકે તે કહે છે તે જ પ્રમાણે આત્મસ્વરૂપ નથી; કોઇ તેમાં મોટો ભેદ જોવામાં આવે છે; અને તે તે પ્રકારે સાંખ્યાદિ દર્શનોને વિષે પણ ભેદ જોવામાં આવે છે.
એકમાત્ર શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરોધી જોવામાં આવે છે અને તે પ્રકારે વેદવામાં આવે છે; સંપૂર્ણપણે અવિરોધી જિનનું કહેલું આત્મસ્વરૂપ હોવા યોગ્ય છે, એમ ભાસે છે.
સંપૂર્ણ આત્મસ્વરૂપ કોઇ પણ પુરુષને વિષે પ્રગટવું જોઇએ, એમ વિચાર કરતાં જિન જેવા પુરુષને પ્રગટવું જોઇએ એમ સ્પષ્ટ લાગે છે. કોઇને પણ આ સૃષ્ટિમંડળને વિષે આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટવા યોગ્ય હોય તો શ્રી વર્ઝમાનસ્વામીને વિષે પ્રથમ પ્રગટવા યોગ્ય લાગે છે. (પૃ. ૪૬૩-૪)
– આત્મસ્વરૂપ જેણે જાણ્યું છે એવા પુરુષને અને આ સંસારને મળતી પાણ આવે નહીં, એવો અધિક નિશ્ચય થયો છે. જ્ઞાનીપુરુષ પણ અત્યંત નિશ્ર્ચય ઉપયોગે વર્તતાં વર્તતાં ક્વચિત્ પણ મંદ પરિણામ પામી જાય એવી આ સંસારની રચના છે. આત્મસ્વરૂપ સંબંધી બોધનો તો જોકે નાશ ન થાય, તથાપિ આત્મસ્વરૂપના બોધના વિશેષ પરિણામ પ્રત્યે એક પ્રકારનું આવરણ થવારૂપ ઉપાધિજોગ થાય છે. (પૃ. ૩૮૧)
લક્ષણથી, ગુણથી અને વેદનથી જેને આત્મસ્વરૂપ જણાયું છે, તેને ધ્યાનનો એ (સુધા૨સ) એક ઉપાય છે, કે જેથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે, અને પરિણામ પણ સ્થિર થાય છે. લક્ષણથી, ગુણથી અને વેદનથી જેણે આત્મસ્વરૂપ જાણ્યું નથી, એવા મુમુક્ષુને જ્ઞાનીપુરુષે બતાવેલું જો આ જ્ઞાન હોય તો તેને અનુક્રમે લક્ષણાદિનો બોધ સુગમપણે થાય છે. (પૃ. ૩૮૬)
D જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળે ઉત્પન્ન થવા યોગ્ય એવાં અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેલ્લું એવા શ્રી સદ્ગુરુ ભગવાનને નમસ્કાર કરું છું. (પૃ. ૫૨૬)