________________
૫૮૩
સત્સંગ (ચાલુ)
સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનાર એવાં માઠાં કારણોનો ત્યાગ ન કર્યો !
મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે, અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય.
સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઇ મહત્ પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી; પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા, જોઇને તે પરિક્ષીણ કરવા; અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઇ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં.
સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે.
જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો, કે જે કંઇ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતાં, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતાં સંકોચતાં ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિયવિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યાં જ રહેવાં અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યાં જ કરવાં; કેમકે સત્સંગપ્રસંગમાં તો જીવનું કંઇક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઇ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. (પૃ. ૪૬૯-૭૦)
પ્રસંગની સાવ નિવૃત્તિ અશક્ય થતી હોય તો પ્રસંગ સંક્ષેપ કરવો ઘટે, અને ક્રમે કરીને સાવ નિવૃત્તિરૂપ પરિણામ આણવું ઘટે, એ મુમુક્ષુ પુરુષનો ભૂમિકાધર્મ છે. સત્સંગ, સત્શાસ્ત્રના યોગથી તે ધર્મનું આરાધન વિશેષે કરી સંભવે છે. (પૃ. ૪૭૨)
D જ્ઞાનનું બળવાન તારતમ્યપણું થયે તો જીવને પરપરિચયમાં કદાપિ સ્વાત્મબુદ્ધિ થવી સંભવતી નથી, અને તેની નિવૃત્તિ થયે પણ જ્ઞાનબળે તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે; પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને તો અવશ્ય પરપરિચયને છેદીને સત્સંગ કર્ત્તવ્ય છે, કે જે સત્સંગથી સહેજે અવ્યાબાધ સ્થિતિનો અનુભવ થાય છે.
જ્ઞાનીપુરુષ કે જેને એકાંતે વિચરતાં પણ પ્રતિબંધ સંભવતો નથી, તે પણ સત્સંગની નિરંતર ઇચ્છા રાખે છે, કેમકે જીવને જો અવ્યાબાધ સમાધિની ઇચ્છા હોય તો સત્સંગ જેવો કોઇ સરળ ઉપાય નથી.