________________
સ્વરોદયજ્ઞાન (ચાલુ)
૭૦૬
રાત્રિદિન ધ્યાનવિષયમાં ઘણો પ્રેમ લગાવ્યાથી યોગરૂપી અગ્નિ (કર્મને બાળી દેનાર) ઘટમાં જગાવે. (એ જાણે ધ્યાનનું જીવન.) હવે તે વિના તેનાં બીજાં સાધન બોધે છે.
થોડો આહાર અને આસનનું દૃઢપણું કરે. પદ્મ, વીર, સિદ્ધ કે ગમે તે આસન કે જેથી મનોગતિ વારંવાર ન ખેંચાય તેવું આસન આ સ્થળે સમજાવ્યું છે. એ પ્રમાણે આસનનો જય કરી નિદ્રાનો પરિત્યાગ કરે. અહીં પરિત્યાગને દેશપરિત્યાગ સમજાવ્યો છે. યોગને જે નિદ્રાથી બાધ થાય છે તે નિદ્રા અર્થાત્ પ્રમત્તપણાનું કારણ દર્શનાવરણીયની વૃદ્ધિ ઇત્યાદિકથી ઉત્પન્ન થતી અથવા અકાલિક નિદ્રા તેનો ત્યાગ.
મેરા મેરા મ્રુત કરે, તેરા નહિ હૈ કોય; ચિદાનંદ પરિવારકા, મેલા હૈ દિન દોય.
ચિદાનંદજી પોતાના આત્માને ઉપદેશે છે કે રે જીવ ! મારું મારું નહીં કર; તારું કોઇ નથી. હે ચિદાનંદ ! પરિવારનો મેળ બે દિવસનો છે.
ઐસા ભાવ નિહાર નિત, કીજે જ્ઞાન વિચાર; મિટે ન જ્ઞાન બિચાર બિન, અંતર-ભાવ-વિકાર.
એવો ક્ષણિક ભાવ નિરંતર જોઇને હે આત્મા, જ્ઞાનનો વિચાર કર. જ્ઞાનવિચાર કર્યા વિના (માત્ર એકલી બાહ્ય ક્રિયાથી) અંતરમાં ભાવકર્મના રહેલા વિકાર મટતા નથી.
જ્ઞાન-રવિ વૈરાગ્ય જસ, હિરદે ચંદ સમાન;
તાસ નિકટ કહો ક્યોં રહે, મિથ્યાતમ દુઃખ જાન.
જીવ ! સમજ કે જેના હૃદયમાં જ્ઞાનરૂપી સૂર્યનો પ્રકાશ થયો છે, અને જેના હ્દયમાં વૈરાગ્યરૂપી ચંદ્રનો ઉદય થયો છે; તેના સમીપ કેમ રહે – શું ? મિથ્યા ભ્રમરૂપી અંધકારનુંદુ:ખ.
=
જૈસે કંચુક ત્યાગસે, બિનસત નહીં ભુજંગ;
દેહ ત્યાગસે જીવ પુનિ, તૈસે રહત અભંગ.
જેમ કાંચળીનો ત્યાગ કરવાથી સર્પ નાશ પામતો નથી તેમ દેહનો ત્યાગ કરવાથી જીવ પણ અભંગ રહે છે એટલે નાશ પામતો નથી. અહીં દેહથી જીવ ભિન્ન છે એમ સિદ્ધતા કરેલી છે.
કેટલાક આત્માઓ તે દેહ અને જીવની ભિન્નતા નથી, દેહનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય છે એમ કહે છે, તે માત્ર વિકલ્પરૂપ છે પણ પ્રમાણભૂત નથી; કેમકે તેઓ કાંચળીના નાશથી સર્પનો પણ નાશ થયેલો સમજે છે, અને એ વાત તો પ્રત્યક્ષ છે કે સર્પનો નાશ કાંચળીના ત્યાગથી નથી, તેમ જ જીવને માટે છે.
દેહ છે તે જીવની કાંચળી માત્ર છે. કાંચળી જ્યાં સુધી સર્પના સંબંધમાં છે, ત્યાં સુધી જેમ સર્પ ચાલે છે, તેમ તે તેની સાથે ચાલે છે; તેની પેઠે વળે છે અને તેની સર્વ ક્રિયાઓ સર્પની ક્રિયાને આધીન છે. સર્પે તેનો ત્યાગ કર્યો કે ત્યાર પછી તેમાંની એક્કે ક્રિયા કાંચળી કરી શકતી નથી; જે ક્રિયામાં પ્રથમ તે વર્તતી હતી તે સર્વ ક્રિયાઓ માત્ર સર્પની હતી, એમાં કાંચળી માત્ર સંબંધરૂપ હતી. એમ જ દેહ પણ જેમ જીવ કર્માનુસાર ક્રિયા કરે છે તેમ વર્તે છે; ચાલે છે, બેસે છે, ઊઠે છે, એ બધું જીવરૂપ પ્રેરકથી છે, તેનો વિયોગ થવા પછી કાંઇ નથી; (અપૂર્ણ) (પૃ. ૧૬૦-૩)