________________
ગૌતમસ્વામી (ચાલુ)
૭૧૨
જઇ હકીકત કહી.) મહાવીરસ્વામીએ કહ્યું, ‘હે ગૌતમ ! હા, આનંદ દેખે છે એમ જ છે, અને તમારી ભૂલ છે; માટે તમે આનંદ પાસે જઇ ક્ષમાપના લો.’ ‘તહત્' કરી ગૌતમસ્વામી ક્ષમાવવા ગયા. જો ગૌતમસ્વામીમાં મોહ નામનો મહા સુભટ પરાભવ પામ્યો ન હોત તો ત્યાં જાત નહીં, અને કદાપિ ગૌતમસ્વામી એમ કહેત કે ‘મહારાજ ! આપના આટલા બધા શિષ્ય છે તેમની હું ચાકરી કરું, પણ ત્યાં તો નહીં જાઉં;' તો તે વાત કબૂલ થાત નહીં. ગૌતમસ્વામી પોતે ત્યાં જઇ ક્ષમાવી આવ્યા ! (પૃ. ૬૯૨) E કેશીસ્વામી અને ગૌતમસ્વામી કેવા સરળ હતા ! બન્નેનો એક માર્ગ જાણવાથી પાંચ મહાવ્રત ગ્રહણ
કર્યાં. આજના કાળમાં બે પક્ષને ભેગું થવું હોય તો તે બને નહીં. આજના ઢુંઢિયા અને તપાને તેમ જ દરેક જુદા જુદા સંઘાડાને એકઠા થવું હોય તો તેમ બને નહીં. તેમાં કેટલોક કાળ જાય. તેમાં કાંઇ છે નહીં, પણ અસ૨ળતાને લીધે બને જ નહીં. (પૃ. ૭૦૨)
ગૌતમના હ્દયથી એ રાગ (ભગવાન મહાવીરના અંગોપાંગ, વર્ણ, વાણી, રૂપ ઇત્યાદિક પરનો રાગ) જ્યાં સુધી ખસ્યો નહીં ત્યાં સુધી તેઓ કેવળજ્ઞાન પામ્યા નહીં. પછી શ્રમણ ભગવાન જ્ઞાતપુત્ર જ્યારે અનુપમેય સિદ્ધિને પામ્યા, ત્યારે ગૌતમ નગરમાંથી આવતા હતા. ભગવાનના નિર્વાણ સમાચાર સાંભળીને તેઓ ખેદ પામ્યા. વિરહથી તેઓ અનુરાગ વચનથી બોલ્યા : ‘‘હે મહાવીર ! તમે મને સાથે તો ન લીધો, પરંતુ સંભાર્યોયે નહીં. મારી પ્રીતિ સામી તમે સૃષ્ટિ પણ કરી નહીં ! આમ તમને છાજતું નહોતું.’’ એવા તરંગો કરતાં કરતાં તેનું લક્ષ ફર્યું ને તે નીરાગ શ્રેણિએ ચઢયા. ‘‘હું બહુ મૂર્ખતા કરું છું. એ વીતરાગ નિર્વિકારી અને નીરાગી તે મારામાં કેમ મોહિની રાખે ? એની શત્રુ અને મિત્ર પર કેવળ સમાન વૃષ્ટિ હતી. હું એ નીરાગીનો મિથ્યા મોહ રાખું છું. મોહ સંસારનું પ્રબળ કારણ છે.'' એમ વિચારતાં વિચારતાં તેઓ શોક તજીને નીરાગી થયા. એટલે અનંતજ્ઞાન પ્રકાશિત થયું; અને પ્રાંતે નિર્વાણ પધાર્યા. (પૃ. ૯૦)
છોટમ
– છોટમ જ્ઞાનીપુરુષ હતા. પદની રચના બહુ શ્રેષ્ઠ છે. (પૃ. ૨૮૭)
છોટમકૃત પદસંગ્રહ વગેરે પુસ્તકો વાંચવાનો હાલ તો પરિચય રાખજો. વગેરે શબ્દથી સત્સંગ, ભક્તિ અને વીતરાગતાનું માહાત્મ્ય વર્ણવ્યું હોય તેવાં પુસ્તકો સમજશો. (પૃ. ૨૮૮)
જડભરતજી
જડભરતજીની શ્રીમદ્ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે; એ દશા વારંવાર સાંભરી આવે છે. અને એવું ઉન્મત્તપણું પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એ દશા વિદેહી હતી. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઇ હતી અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. (પૃ. ૨૭૧) જનકવિદેહી
જનકવિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શક્યા એ જોકે મોટું આશ્ચર્ય છે, મહા મહા વિકટ છે, તથાપિ પરમજ્ઞાનમાં જ જેનો આત્મા તદાકાર છે, તેને જેમ રહે છે, તેમ રહ્યું જાય છે. અને જેમ પ્રારબ્ધકર્મનો ઉદય તેમ વર્તતાં તેમને બાધ હોતો નથી. દેહ સહિતનું જેનું અહંપણું મટી ગયું છે, એવા તે મહાભાગ્યનો દેહ પણ આત્મભાવે જ જાણે વર્તતો હતો; તો પછી તેમની દશા ભેદવાળી ક્યાંથી હોય ? (પૃ. ૨૭૪)